સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/સનાતની છતાં સુધારક
બાપુજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે એમને માથે ચોટલી ન હતી, ગળામાં જનોઈ ન હતી. હરદ્વારના કુંભ મેળામાં એક સાધુએ તેઓને બંને માટે આગ્રહ કર્યો. ત્યારે બાપુજીએ માથે ચોટલી રાખવાનું સ્વીકાર્યું, અને જનોઈની ના પાડી. એની વાત મારી આગળ કરતાં કહ્યું : “મારે હિંદુ સમાજમાં મોટા મોટા સુધારા કરવા છે, સુધારા માટે લડવું છે, અને તે પણ એક નિષ્ઠાવાન હિંદુ તરીકે. પ્રસંગ આવ્યે મારે આ સમાજ વિરુદ્ધ ઉપવાસ પણ કરવા પડે. તેથી મારે સમાજ સાથે શક્ય તેટલા એકરૂપ થવું છે. હું પોતાનો જ છું, એવું આ સમાજને લાગવું જોઈએ. તો જ હું એમાં કાંઈ ફેરફાર કરાવી શકીશ. ત્યારે, જેટલી બાબતમાં એમના રિવાજો પળાય, તેટલામાં એમને રાજી રાખવા એ જ ઉત્તમ નીતિ છે. માથે ચોટલી રાખવા જેવી નજીવી વસ્તુમાં સુધારો કરી સમાજથી નોખા પડવામાં લાભ શો?” જનોઈ વિશે એમણે કહ્યું : “હિંદુ સમાજમાં નકામા અનેક વાડા પડ્યા છે, અને તેથી હિંદુ સમાજ નબળો પડતો જાય છે. તેના કકડા થાય છે એમાં અમુક લોકોને જનોઈનો અધિકાર છે, અમુકને નથી, એવો નકામો ભેદ છે. ત્યારે આપણે એ અધિકાર વિનાના લોકોમાં જ ભળી જઈએ.” ગાંધીજીમાં બહુ મોટો સુધારક હતો. પણ ગાંધીજી વાણિયા હતા. આ સ્વભાવને લીધે ગાંધીજીએ પોતાનો સમાવેશ સનાતનીઓમાં કરાવ્યો. અને કાર્યક્રમ સ્વીકાર્યો સુધારકોનો.