સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/“ભગવાં ઉતારવાં પડશે”

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          આશ્રમના શરૂઆતના દિવસોની વાત છે. ત્યાં સ્વામી સત્યદેવ આવ્યા. દેશની આઝાદી માટે બાપુ જે કાર્ય કરી રહ્યા હતા, તે જોઈ તેઓ બહુ પ્રસન્ન થયા. એક દિવસ સ્વામીજી બાપુ પાસે જઈ કહેવા લાગ્યા, “હું આપના આશ્રમમાં દાખલ થવા માગું છું.” બાપુ કહે, “બહુ સારું. આશ્રમ તમારા જેવાને માટે જ છે. પણ આશ્રમમાં દાખલ થાઓ એટલે આપને આ ભગવાં કપડાં ઉતારવાં પડશે.” આ સાંભળીને સ્વામી સત્યદેવજીને ઘણો આઘાત લાગ્યો. ગુસ્સે થયા. પણ બાપુ આગળ પોતાનું દુર્વાસારૂપ બતાવી શકતા નહોતા. તેમણે કહ્યું, “એ તો કેમ બને? હું સંન્યાસી છું ને?” બાપુએ કહ્યું, “હું સંન્યાસ છોડવાનું નથી કહેતો. મારું શું કહેવું છે તે બરાબર સમજી લો.” પછી બાપુએ તેમને શાંતિથી સમજાવ્યું, “આપણા દેશમાં ભગવાં કપડાં જોતાં જ લોકો તે ઓઢનારની ભક્તિ અને સેવા કરવા મંડી પડે છે. હવે આપણું કામ સેવા લેવાનું નહીં, સેવા કરવાનું છે. આપણે લોકોની જેવી સેવા કરવા માગીએ છીએ તેવી સેવા તેઓ તમારાં આ ભગવાંને લીધે તમારી પાસેથી નહીં લે. ઊલટા તમારી સેવા કરવા દોડશે. ત્યારે જે વસ્તુ સેવા કરવાના આપણા સંકલ્પની આડે આવે, તે કેમ રાખીએ? સંન્યાસ માનસિક વસ્તુ છે, સંકલ્પની બાબત છે. બાહ્ય પોશાક સાથે તેને શો સંબંધ? ભગવાં છોડવાથી સંન્યાસ ઓછો જ છૂટે છે?” સત્યદેવને વાત સમજાઈ તો ખરી, પણ ગળે ન ઊતરી. મારી પાસે આવીને કહેવા લાગ્યા, “આ તો મારાથી નહીં બને. જે વસ્ત્રો મેં સંકલ્પપૂર્વક ગ્રહણ કર્યાં છે, તે છોડી નહીં શકું.” [‘બાપુની છબી’ : પુસ્તક]