સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાન્તિ શાહ/અગ્નિ અને રાખ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          અંગ્રેજો અહીં આવ્યા ત્યારે દેશની જે પરિસ્થિતિ હતી, તે જાણે આજે ફરી દેશમાં સર્જાઈ રહી હોય એમ લાગે છે. સંકુચિત સ્વાર્થોએ તે વખતે રાષ્ટ્રીય એકતાને શીર્ણવિશીર્ણ કરી નાખી હતી. દેશનું ડહાપણ ત્યારે નંદવાઈ ગયું હતું, અને હોડી ડૂબશે તો સાથે પોતેય ડૂબશે એટલું સમજવાની બુદ્ધિય બહેર મારી ગઈ હતી. એટલે જ આ વિશાળ દેશ પર અને તેની કરોડોની પરાક્રમી પ્રજા પર હજારો માઈલ દૂરના એક ટચૂકડા ટાપુની નાનકડી પલટન કબજો જમાવી શકી. સંકુચિત સ્વાર્થોમાં તે વખતે રજવાડાંઓ ખદબદતાં હતાં. આજે એ રજવાડાંઓની આધુનિક લોકશાહી આવૃત્તિરૂપ રાજકારણીઓ તેમાં ગળાડૂબ છે. ક્ષુદ્ર મહત્ત્વાકાંક્ષાઓ અને બાલિશ ઉત્પાતોમાં ચકચૂર બનેલા એ લોકોને ક્યાંથી સમજાય કે પોતાનાં કરતૂકો વડે તેઓ, જે નાવડીમાં પોતે બેઠા છે તેમાં જ કાણાં પાડી રહ્યા છે! અને પ્રજાનું અજ્ઞાન પણ ભારે છે. ગમે તેની ચઢાવી તે શૂળીએ ચઢી જાય છે. આ બધી જેટલી ખાનાખરાબી થાય છે તેનો બોજ છેવટે તેની કેડ પર જ પડવાનો છે, એટલી સમજ પણ હજી આવી નથી. રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડવાથી અગવડ કોને વેઠવી પડવાની છે? પરંતુ સામાન્ય માણસ પાસે જઈને આ બધું એને સમજાવનારું આજે છે કોણ? એટલે પ્રજા બિલકુલ અવિચારીપણે વર્તી નાખે છે. પરંતુ આ તો અંદર ધૂંધવાતો અસંતોષનો અગ્નિ કોઈ ને કોઈ સ્વરૂપે દેખા દે છે. કાળજાતૂટ ઢસરડા કરીને જિંદગીથી થાકેલા કરોડો આ દેશમાં છે. એમની અંદર પ્રજ્વળતી ભૂખ અને અસંતોષની જ્વાળાને શમાવ્યા વિના તોફાનો અને ખાનાખરાબી નહીં નિવારી શકાય. આવા નિર્દોષ જનોના જે બલિ ચઢાવાઈ રહ્યા છે તેનું પાપ રાજકારણીઓ ઉપર જ નહિ, પોતાના માનવબંધુઓની ગરીબી, અજ્ઞાન વગેરે નાબૂદ કરવા ન મથનારા આપણા જેવાઓ માથે પણ છે.

સમાજમાં આજે બધા જેમ ખાય છે, પીએ છે, વર્તે છે, તેમાં મૂળભૂત પરિવર્તન કરવા માટે અંદરની આગ જગાડવી પડશે, ઉપરની રાખ ખંખેરવી પડશે. આજે તો બધે રાખ જ રાખ વળી ગઈ છે. યુવાનોમાં ક્યાં છે તરવરાટ? ક્યાં છે છલાંગ મારવાની તમન્ના? ક્યાં છે ઉકરડા જેવા સમાજમાં પૂળો મૂકીને નવી રચના કરવાની છટપટાહટ? ક્યાં છે નવું ભારત, નવું જગત સર્જવાનો થનગનાટ? એને બદલે આજે તો તે વળગી રહ્યો છે નિર્માલ્યને. એની આકાંક્ષાઓ નિર્માલ્ય છે, એનાં અરમાનો નિર્માલ્ય છે, એનો પુરુષાર્થ નિર્માલ્ય છે. કરચલી ન પડે એવાં કપડાંમાં એને મહાલવું છે, કમર ન વાળવી પડે એવી બાબુશાહી નોકરી માટે વલખાં મારવાં છે, ઢંગધડા વિનાનાં ફીસાં ગાણાં ગાવાં છે, ઢીંગલા-ઢીંગલી જેવાં જીવનસાથીનાં સપનાં સેવવાં છે, નિર્માલ્ય પૈસા માટે હાયવોય કરવી છે. પણ એમનેય શું દોષ દઈએ? તબેલા જેવી અને ચીડિયાખાનાં જેવી શાળાઓમાં એમને નિર્માલ્ય શિક્ષણ અપાયું છે. નથી એમની પાસે ખેતરમાં કામ કરાવાયું, કે નથી કોઈ કળા-કસબ એમને શીખવાયો, નથી નવાં જીવન-મૂલ્યોનું એમને પાન કરાવાયું. અને શાળામાંથી બહાર નીકળીને તો એમણે નિર્માલ્ય માટે હડી કાઢતો સમાજ જ જોયો છે. શા માટે? કોઈને કાંઈ ગમ નથી. છતાં દોડી બધાં જ રહ્યાં છે. અને આ નવો રંગરૂટ પણ ઝાઝું સમજ્યા વિના દેખાદેખીએ આ હડીમાં સામેલ થઈ જાય છે.