સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાન્તિ શાહ/આ પ્રેમને લાયક બનશું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          બધું જ તો કાંઈ નખશીખ સારું નહોતું. ભૂલો હતી, મર્યાદાઓ હતી. પણ એ અંગે કશી ફરિયાદ હોઠે ચડતી નથી. જીભ નથી ઊપડતી. ઘરમાં થોકબંધ કામ કરવાનું પડ્યું હોય, કેટકેટલું ઊંચુંનીચું કરવાનું હોય, સાફ-સફાઈ કરવાની હોય, બધું વ્યવસ્થિત ગોઠવવાનું હોય : એક કર્મઠ વડીલ એ બધું કરી રહ્યો હોય, પરસેવો પાડીને કરી રહ્યો હોય, કમર તોડીને કરી રહ્યો હોય, જાત ઘસી નાખીને કરી રહ્યો હોય અને આપણે જોતાં રહીએ, હુકમ કરતાં રહીએ, ક્યાંક ઊણપ રહી ગઈ તો દોષ એને માથે ઢોળીએ — આ કેવું લાગે? અંજલિઓ ઘણી દેવાઈ, સંસ્મરણો ઘણાં લખાયાં, પણ શ્રીપ્રકાશ સાથેની છેલ્લી મુલાકાત વાંચી ત્યારે ખરી જવાબદારીનું ભાન થયું. ૨૪મી મેના રોજ દેહરાદૂનમાં એને જોઈને શ્રીપ્રકાશની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. ખભા ઝૂકી ગયા હતા, કમર વળી ગઈ હતી, ધીરેધીરે અને લથડતે પગે એ ચાલતો હતો. “તમારી આ અવસ્થા મેં કદી કલ્પી નહોતી. આ જોઈને હું રડી ઊઠું છું.” આ કમર એની ક્યાંથી ભાંગી? ભારતની તારુણ્યમૂર્તિને આ ઘડપણ ક્યાંથી આવ્યું? પચાસ-પચાસ વર્ષથી એણે આ કરોડોના દેશનો અને સમગ્ર માનવજાતનો ભાર એ ખભા ઉપર વહ્યો હતો. જરીકે વિશ્રામ વિના એણે પોતાના માનવબંધુઓની સેવામાં જાત ઘસી નાખી હતી. શ્રીપ્રકાશ લખે છે : “હું એમને કહેતો હતો કે આ આખી દુનિયાનો ઇજારો તમે થોડો જ લીધો છે? આ લાઓસ અને ઇન્ડોનેશિયાને છોડોને હવે!” પણ ના, એની માટી જ જુદી હતી. રોબર્ટ ફ્રોસ્ટની કાવ્યપંક્તિઓ લખી રાખેલી એણે પોતાના ટેબલ પર. એનાથી એના અંતરતમમાં નિરંતર ચાલતા તુમૂલ સંઘર્ષની સહેજ ઝાંખી મળી જાય છે. ના, એ પોતાનાં વહાલાં વનડાં પાછળ ન ગયો. પણ ટેબલ પર આ પંક્તિઓ મૂકી જઈને અછડતો અણસારો માત્ર કરતો ગયો કે એનું હૃદય ક્યાં ઊડતું હતું? શું ઝંખતું હતું? આ કોલાહલિયા જગતની વચ્ચેય એના અંતરતમની અભીપ્સા શી હતી? આ રાજર્ષિના હૃદયસિંહાસન પર કોણ બિરાજતું હતું? અને એનું વસિયતનામું જુઓ. એમાં ગંગાનું વર્ણન વાંચો. એની પરથી ખ્યાલ આવશે કે આ ઉમદા આત્મા ક્યાં વિહરતો હતો. હા, એ દુનિયાદારીનાં ભાષણો કરતો, રાજવહીવટની ફાઈલો ઊથલાવતો, નાનેરા માનવીની રાજખટપટો અને ક્ષુલ્લક ઝઘડાઓ ઊકેલતો; પણ આ બધી તો હતી રંગભૂમિ પર કુશળ નટની અદાકારી. હસતે મોઢે એ બધી જવાબદારીઓ અદા કરતો, કેમકે ફરિયાદ કરવાનું એના મિજાજમાં નહોતું, રોદણાં રડવાનું એના લોહીમાં નહોતું, ઉકાળા કાઢવાનું એના ખમીરમાં નહોતું. હા, એણે જરીક સિસકારોયે ન કર્યો. અરે, ચહેરા પર થાક, અણગમો કશુંયે વર્તાવા ન દીધું. બસ, અવિરતપણે એ સેવા કરતો રહ્યો, ભાર વહન કરતો રહ્યો. એ તો પ્રેમની નવાજેશ કરતો હતો. આ દેશને, આ જનતાને, આ માનવજાતને એણે ચાહી હતી. એ સ્ફટિકસમ નિર્મલ અને સૂક્ષ્મ વાદ્યતંતુસમ સંવેદનશીલ માનવહૃદય અહીં આવ્યું, અને પ્રેમમાં પડ્યું. આ સહુ માનવબંધુઓ સાથે એને પ્રેમ થઈ ગયો. અને તેને એણે નભવ્યો — છેલ્લા શ્વાસ પર્યંત નભવ્યો. પૂર્ણ વફાદારીપૂર્વક નભવ્યો. એટલે આજે એનાં અધૂરાં અંગે ફરિયાદ કરવાનું દિલ નથી થતું. બલકે દિલમાં સવાલ ઊઠે છે કે એના આ પ્રેમને આપણે લાયક બન્યા છીએ ખરા? એ એનો ભાગ ભજવી ગયો, આપણે આપણો ભાગ ભજવ્યો કે?