સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાન્તિ શાહ/કોચલામાં નહીં પુરાયેલાં
નાસિરા શ્ાર્મા વિદૂષીબહેન છે. ફારસી ભાષા-સાહિત્યમાં એમ.એ. થયાં છે. પ્રસિદ્ધ હિંદી સાહિત્યકાર છે. છ નવલકથા, દસેક વાર્તા-સંગ્રહ, બે નાટકો, લેખ-સંગ્રહો અને અનુવાદોનાં અનેક પુસ્તકો એમનાં પ્રકાશિત થયાં છે. ૬ ટી.વી. ફિલ્મ અને ૩ ટી.વી. સિરિયલનાં તેઓ કથાકાર છે. કેટલાંક સંપાદનો પણ એમણે કર્યાં છે. મધ્ય પૂર્વના દેશોનો પ્રવાસ એમણે કર્યો છે. ઈરાન, ઇરાક, અફઘાનિસ્તાન વગેરે દેશોનાં તેઓ વિશેષ જાણકાર ગણાય છે. બહેન નાસિરાએ ૧૯૭૦ની આસપાસ એક બ્રાહ્મણ પ્રાધ્યાપક રામચંદ શર્મા સાથે લગ્ન કર્યાં છે. લગ્ન વખતે રામચંદ શર્મા ઇલાહાબાદમાં ભૂગોળ વિભાગમાં પ્રાધ્યાપક હતા. પરંપરાગત સમાજમાં એમનું આંતરધર્મીય લગ્ન ભારે કુતૂહલનો વિષય બન્યું હતું. બંનેનાં કુટુંબોમાં શરૂ-શરૂમાં થોડો ઊહાપોહ થયેલો, પણ સરવાળે બંનેને ઝાઝી પ્રતિકૂળતાનો સામનો નહીં કરવો પડ્યો. નાસિરાના કુટુંબે રામને પોતાના જ માનીને અપનાવી લીધા. એમને શર્મા ખાલૂ (શર્મા માસા) અને શર્મા ફૂફા (શર્મા ફૂઆ) કહીને બોલાવતા. ઘરની નોકરાણી એમને ‘દૂલ્હા મિયાં’ કહેતી. નાસિરાની માસીને કોઈ સંતાન નહોતું; તેણે રામને પોતાનો દીકરો માની લીધો. હંમેશાં કહેતી કે, આ તો ‘અલ્લાહ ભેજૂ’ છે. બાળપણમાં રામની મા એને સામેવાળા પડોશીને ત્યાં જવાની ના પાડતી કે, બેટા, તેઓ મુસલમાન છે. રામ નાના હતા ત્યારે ઘરે કોઈ મહેમાન આવે, તો એમની સામે ઊભા રહીને ‘હનુમાન ચાલીસા’ ને ગાયત્રી મંત્રનો પાઠ કરી બતાવતા અને શાબાશી મેળવતા. પણ પછી અજમેરમાં ઊછર્યા, તો સાંજે ખ્વાજા સાહેબની દરગાહમાં જઈને કવ્વાલી સાંભળવી, એ એમની દિનચર્યાનો એક ભાગ બની ગયો હતો. એ જ ખ્વાજા સાહેબની દરગાહે એમણે કેટલીયે માનતા માનેલી, અને એમની કેટલીયે મુરાદો પૂરી થયેલી-જેમાંની એક મુરાદ નાસિરાને પત્નીરૂપે મેળવવાનીયે હતી. મુસલમાનથી દૂર રહેવાનું જેને કહેતી હતી, તે દીકરો જ મોટો થઈને મુસલમાનને પરણ્યો! અને મુસલમાન વહુએ સાસુનું દિલ જીતી લીધું. સાસુ-વહુ વચ્ચે ગાઢ પ્રેમનો નાતો બંધાતો ગયો. ધાર્મિક કર્મકાંડમાં નાસિરાને બિલકુલ વિશ્વાસ નહીં. માથું નમાવીને પ્રણામ કરવામાં માને નહીં. નમાજ-રોજામાં કોઈ રુચિ નહીં. તેમ છતાં બીજાઓની શ્રદ્ધાની કદર કરે. એટલે જ્યારે એમના ટાઇપિસ્ટ બરમેશ્વર રામ મંદિર જવાનું કહેતા, તો એમની સાથે જતાં. બરમેશ્વર પૂજા કરતા, તો એ પણ કરતાં. હિંદુ-મુસ્લિમ રમખાણોને કારણે નાસિરાને સહન કરવાનું આવ્યું હોય એમ લાગે છે. એમણે એટલું જ કહ્યું છે : “અસામાજિક તત્ત્વોએ મારી માનું ઘર એની પાસેથી છીનવી લીધું હતું અને બીમાર ભાઈનો જાન પણ ખતરામાં હતો.” બસ, આથી વિશેષ કોઈ ફરિયાદ નહીં, કડવાશ નહીં. આ બધું એક મુસલમાનની નજરે કે હિંદુની નજરે તે જોતાં નથી, નર્યા માણસની નજરે જ જુએ છે. કોણે આ કર્યું અને કોણ આને માટે જવાબદાર, એવું બધું વિચારવાને બદલે માણસ જેવો માણસ ઊઠીને આવું કેમ કરે છે, તે વિશે જ એમનું ચિંતન ચાલે છે. તે કહે છે કે દરેક વ્યક્તિને ક્યાંક અસલામતીની ભાવના સતાવે છે, અને તેથી તે સલામતીની શોધમાં પોતાની અંદરના સંકીર્ણ દાયરામાં સંકોચાતી જાય છે. તેનું માનસ જડ બનતું જાય છે. પોતાની ભાષા પ્રત્યે ભાવુક, ધર્મ પ્રત્યે કટ્ટર, ખાણીપીણી ને રહેણીકરણી બાબત સંકીર્ણ. સાથે જ બીજાઓ પ્રત્યે ક્રૂરતા સેવતો રહે છે, પોતાના કોચલામાં પુરાતો રહે છે. [‘ભૂમિપુત્ર’ પખવાડિક : ૨૦૦૬]