સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કિરણ ત્રિવેદી/પ્રજાનીય સંડોવણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          આકરું લાગે તો માફ કરજો, પણ બેસ્ટ બેકરી કેસને ગુજરાતની બહારની અદાલતમાં ખસેડવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાએ આપણને ગુજરાતીઓને ફરી એક વાર દેશ અને દુનિયામાં નામચીન બનાવી દીધા છે. લઘુમતી પરના ઘાતકી અત્યાચાર અને પછીથી ધરાર અન્યાયના મામલે આ ચુકાદાથી માત્ર ગુજરાત સરકાર કે તંત્રની જ નહીં, ગુજરાતની પ્રજાની સંડોવણી પણ સાબિત થાય છે. ભલે આપણામાંના “કેટલાકે” જ મારકાટ, બળાત્કાર, આગચંપી અને લૂંટફાટ આચર્યાં હોય, પણ “લગભગ સહુએ” તેને વાજબી ઠેરવ્યાં. લઘુમતી ઉપર આતંક અને અન્યાયનું દમન ભલે માત્ર “સત્તાધીશોએ” જ ચલાવ્યું હોય, પણ “આપણે સૌએ” એને છાવર્યું, બોલતો ટેકો આપ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “રાજ્યમાં જ્યારે નિર્દોષ બાળકો અને નિ:સહાય સ્ત્રીઓને સળગાવવામાં આવી રહ્યાં હતાં, ત્યારે આધુનિક યુગના નીરો (સત્તાધીશો) નજર બીજી બાજુ ફેરવી ગયેલા. તેઓ કદાચ એ ચર્ચામાં રત હતા કે આ ગુનેગારોને હવે બચાવવા કઈ રીતે?” મુસ્લિમોને હુમલાથી નહીં બચાવીને, રાહત છાવણીઓમાં મદદને બદલે હેરાનગતિ કરીને, એમની ફરિયાદો નહીં નોંધવાથી માંડીને ન્યાય-પ્રક્રિયા રૂંધવા સુધીનાં ઘટનાકર્મો પોતાની આસપાસ સતત જોવા-જાણવા છતાં, સુપ્રીમકોર્ટે હવે જે કહ્યું છે તે કેટલા પ્રજાજનો આ બે વરસ દરમિયાન સમજી શક્યા છે? એટલે જ કદાચ કોર્ટની બીજી ટિપ્પણી સીધી પ્રજા ઉપર છે: “આવા કમકમાટી ભરેલા હત્યાકાંડ સરજાય ત્યારે એવો પ્રશ્ન ચોક્કસ ઊઠે કે શું ગાંધીના ગુજરાતમાં કેટલાક લોકોએ વિચારધારાનું દેવાળું ફૂંક્યું છે?” ઉપરાંત સુપ્રીમ કોર્ટે પોલીસતપાસને ઉપરછલ્લી ગણાવી છે, સરકારી પ્રોસિક્યુટરને બચાવપક્ષના વકીલ તરીકે કામ કરતા ગણાવ્યા છે, ટ્રાયલ કોર્ટને ન્યાયપ્રક્રિયાની તોડમરોડની મૂક સાક્ષી જેવી વર્ણવી છે, તો ગુજરાતની હાઇકોર્ટને ન્યાયીક સમતુલા જાળવવામાં નિષ્ફળ નીવડેલી ઠરાવી છે. આમ સમગ્ર સરકારી તંત્રનો ઊધડો લીધો છે. આ ‘સમગ્ર સરકારી તંત્ર’ કંઈ એકલા રાજકારણીઓનું બનેલું નથી. એમાં ડગલે ને પગલે પ્રજામાંના મારા-તમારા જેવા લોકો પણ બેઠા છે. અને એવું પણ નથી કે સુપ્રીમ કોર્ટ જે કંઈ કહી રહી છે તે ગુજરાતના લોકોને માટે અણધાર્યા ઘટસ્ફોટ સમાન છે. સૌ જાણે જ છે કે ઘાતકી અત્યાચારો થયા છે, તેમાં કોનો દોરીસંચાર છે અને કોનો કોનો તેમાં ફાળો છે. છતાં બે-બે વરસ સુધી હજી જાણે કોઈને તેનું દુ:ખ કે પશ્ચાત્તાપ સ્પર્શ્યાં નથી! ધાર્મિક કટ્ટરતા તથા ઝનૂનના ગેરમાર્ગે દોરવાયેલી પ્રજા જો દેશ અને દુનિયામાંથી ઊઠતી આટઆટલી ટીકાને અંતે પણ ભૂલસ્વીકાર જેવું સાદું શાણપણ સુધ્ધાં દાખવી ન શકે, તો હવે પ્રજાનો વાંક પણ ન કાઢવો પડે? સરકારની સાથે પ્રજાની સંડોવણી પણ સ્વીકારવી ન પડે? [‘નિરીક્ષક’ પખવાડિક: ૨૦૦૪]