સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કિશનસિંહ ચાવડા/અરધી સદીની કલાસાધના

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          નંદલાલ બોઝની અરધી સદી ઉપરાંતની કલાસાધના આધુનિક ભારતીય કલાની સમુક્રાંતિની પણ તવારીખ છે. નંદબાબુના બાપદાદાનું ગામ કલકત્તાથી દસ માઈલ દક્ષિણે હુગલી નદીના કિનારા પર આવેલું બાનીપુર. પરંતુ એમનો જન્મ બિહારમાં ખડગપુર ગામે ૧૮૮૮ના ડિસેમ્બરની ત્રીજી તારીખે થયો હતો. એમના પિતા પૂર્ણચંદ્ર બોઝ દરભંગા રાજ્યની નોકરીમાં હતા. આઠ વરસની ઉંમરે નંદબાબુનાં માતા ક્ષેત્રમણિ દેવલોક પામ્યાં. આ જ સમયમાં નંદલાલના મનમાં કલાનાં બીજ રોપાયાં. ઘરમાં માતા જુદા જુદા આકારની મીઠાઈઓ બનાવતી, ઢીંગલીઓ સીવતી, ભરત ભરતી અને લગ્નપ્રસંગે કંઠાભરણની જુદી જુદી આકૃતિઓ ઘડતી એમાંથી નંદલાલે પ્રથમ પ્રેરણા લીધી. ગામમાં જુદા જુદા તહેવારો વખતે દેવદેવીઓની માટીની પ્રતિમાઓ ઘડાતી. નંદલાલને આમાં અખૂટ રસ. કલાકોના કલાકો બેસીને એકધ્યાને આ પ્રવૃત્તિ જોતાં થાકે જ નહિ. ખડગપુર ગામ શાંત સુંદરતાનો પટ પ્રસારતું બેઠું છે. ઉત્તરે વિંધ્યાચળની નીચેની હરોળ ઊભી છે. બાજુમાં ઝરણું વહે છે. દૂર દૂર સુધી સવારસાંજ રંગો બદલતાં ડાંગરનાં ખેતરો પડ્યાં છે. એમાં ક્યારેક જતી-આવતી પડદાવાળી પાલખી દેખાય છે. આવા કુદરતી શાંત વાતાવરણે નંદલાલના કલાકાર તરીકેના આરંભના ઘડતરમાં ઘણો મોટો ભાગ ભજવ્યો છે. ખડગપુરની શાળાનો અભ્યાસક્રમ પૂરો કરીને નંદલાલ કલકત્તાની કૉલેજમાં દાખલ થયા. ખડગપુરના જ પાલ કુટુંબની પુત્રી સુધીરા સાથે એમનું લગ્ન થયું. કૉલેજમાં પાઠયપુસ્તકો અને હાથખર્ચને માટે મળતા પૈસા જૂનાં માસિકો અને ચિત્રો ખરીદવામાં ખર્ચાવા માંડ્યા. રફાયેલ અને રવિ વર્માનાં મુદ્રિત ચિત્રોની ખરીદી થવા માંડી. અંગ્રેજી કવિતા તરફ પણ એનું આકર્ષણ થયું. વર્ડ્ઝવર્થની પ્રાકૃતિક કવિતાની એને લગની લાગી. એ કવિતાનાં કેટલાંક કલ્પનાચિત્રો નંદલાલે તૈયાર કર્યાં. આ સમયમાં નંદલાલની ચેતનાને ખબર પડી કે એને શું જોઈએ છે અને શું કરવું છે. એણે કલકત્તાની સરકારી ચિત્રશાળામાં અવનીન્દ્રનાથ ટાગોરના વર્ગમાં દાખલ થવાનું નક્કી કર્યું. ઈ. બી. હાવેલ આ વખતે એ ચિત્રશાળાના આચાર્ય હતા અને અવનીન્દ્રનાથ ટાગોર ઉપાચાર્ય. હાવેલ પહેલાં મદ્રાસની સરકારી ચિત્રશાળામાં પશ્ચિમની ચિત્રકલા શીખવવા આવ્યા હતા. એ વખતે અંગ્રેજોનો અમલ, એટલે પશ્ચિમની કલા અને સંસ્કૃતિનો વેગ ધસમસતો હતો. શિક્ષિત ભારતીય માનસ આ વિલાયતી સંસ્કૃતિ માટે તલસતું હતું. પરંતુ હાવેલ સાચા કલાકાર હતા. ખોટાં મૂલ્યોની એમને ખબર હતી. એમણે ભારતીય કલાના પુનરુત્થાનનો પુરુષાર્થ આરંભ્યો, તે છેક માંદા પડીને હિંદુસ્તાન છોડ્યું ત્યાં સુધી અખંડિત રહ્યો. દેશના કલાજીવનમાં ગ્રામકલાની એમણે સાચે પદે પ્રતિષ્ઠા કરી. પોતાની ચિત્રશાળામાં હાથવણાટનો નવો વિભાગ શરૂ કર્યો. દેશના ખૂણેખૂણેથી ગ્રામકલા અને ગૃહઉદ્યોગના જાણકારોને વીણીવીણીને તેડાવ્યા. ચિત્રશાળાના સંગ્રહસ્થાનમાં અને કાયમી પ્રદર્શનમાં પશ્ચિમનાં જાણીતાં ચિત્રોની નકલોનો પાર નહોતો. હાવેલે આ નકલો ખસેડાવી એને ઠેકાણે મોગલ, રાજપૂત અને બીજા હિંદી સંપ્રદાયનાં નાનાં નાનાં મૌલિક ચિત્રો મુકાવ્યાં. (એમના આ કાર્યથી એ વખતનો કહેવાતો સંસ્કૃત વર્ગ ચોંકી ઊઠ્યો.) છતાં હાવેલ ભારતીય કલાનું પુનરુત્થાન કરી ન શક્યા. એ કાર્ય કર્યું અવનીન્દ્રનાથ ટાગોરે. અવનીન્દ્રનાથની અપૂર્વ પ્રતિભાએ પશ્ચિમ અને પૂર્વની કલાના શાસ્ત્રીય સંવાદમાંથી એક અભિનવ શૈલી નિપજાવી. અવનીન્દ્રનાથ અને નંદલાલનો સમાગમ એ આધુનિક ભારતીય કલાના ઇતિહાસમાં એક મહત્ત્વનો પ્રસંગ છે. ૧૯૦૫માં કલકત્તાની સરકારી ચિત્રશાળામાં અવનીન્દ્રનાથ પોતાના ઓરડામાં બેઠા છે. એક ઓળખીતા માણસે આવીને નંદલાલને અવનીન્દ્રનાથ પાસે ધર્યા : “મહાશય, તમારે કૃપા કરીને આ વિદ્યાર્થીને સ્વીકારવો પડશે.” અવનીન્દ્રનાથે ઊંચું જોયું. પાતળો જુવાન, વાંકડિયા વાળ અને લીસો ઘેરો રંગ. એની આંખોમાં પ્રતિભાનો ચમકારો હતો, ચહેરા પર આત્મવિશ્વાસની આભા હતી, હાથમાં કાગળિયાં લઈને ઊભો હતો. અવનીન્દ્રનાથે જોયું તો કાગળોમાં રફાયેલની ‘મેડોના’નું ચિત્ર હતું, ગ્રીક આરસ-પ્રતિમાઓની નકલો હતી, પોતાનાં મૌલિક રેખાંકનો હતાં. અવનીન્દ્રનાથ નંદલાલને હાવેલ પાસે લઈ ગયા. હાવેલને નંદબાબુનાં પોતાનાં રેખાચિત્રો બહુ ગમ્યાં. નંદલાલ ચિત્રશાળાના વિદ્યાર્થી બન્યા. અવનીન્દ્રનાથના વર્ગમાં જેને સામાન્ય રીતે ભણતર કહીએ એવું કશું નહોતું. ગુરુશિષ્યનો સ્વાભાવિક મુક્ત સંબંધ અને સમાગમ હતો. એનું બીજ હતું શિષ્યનું સમર્પણ : પરિણામ હતું ગુરુનો અપાર પ્રેમ. ઇતિહાસ અને પુરાણો પર વાર્તાલાપ થતો હતો. આ વિષયમાંથી પ્રેરણા લઈને નંદલાલે કેટલાંક મશહૂર ચિત્રો કર્યાં છે. પક્ષીને પોતાની બાથમાં લઈને ઊભેલો સિદ્ધાર્થ, દશરથનું મૃત્યુ, કાલી, સત્યભામા, કૃષ્ણ, શિવતાંડવ, શિવસતી, ભીષ્મ-પ્રતિજ્ઞા, ગાંધારી, ધૃતરાષ્ટ્ર અને સંજય એમાંથી બહુ જાણીતાં છે. આ જ સમયે ભારતીય કલાના પુનરુત્થાનની એક જોરદાર પ્રવૃત્તિ અસ્તિત્વમાં આવી. અવનીન્દ્રનાથને કેન્દ્ર બનાવીને એમની આસપાસ નંદલાલ બોઝ, અસિતકુમાર હલદર, સુરેન્દ્રનાથ ગાંગુલી, સમરેન્દ્રનાથ ગુપ્તા, ક્ષિતીન્દ્રનાથ મજમુદાર, સુરેન્દ્રનાથ કાર, કે. વેંકટ્ટપ્પા, હકીમ મહમદખાન, શૈલેન્દ્રનાથ દે અને દુર્ગેશ સિંહાનું એક તેજસ્વી વૃંદ એકત્રા થયું. આદર્શની એકતા, સર્જનની ઝંખના અને ભારતીય કલા પ્રત્યેની અનુપમ ભક્તિ — એ ત્રણ હેતુઓના ઐક્યને કારણે આ કલાકાર વૃંદની સર્જન-પ્રવૃત્તિમાં એકાગ્રતા આવી, અને આખી પ્રવૃત્તિએ ભારતીય કલાના પુનરુત્થાનનું દર્શન ને પુરુષાર્થ પ્રાપ્ત કર્યાં. જોરાસાંકોમાં આવેલું અવનીન્દ્રનાથનું ઘર ભારતીય કલાના પુનરુત્થાનનું મંગલતીર્થ બની ગયું. આ પ્રવૃત્તિને કાયમી સ્વરૂપ આપવા ‘ઇન્ડિયન સોસાયટી ઑફ ઓરીએન્ટલ આર્ટ’ની સ્થાપના થઈ અને નંદલાલ બોઝ એની સાથે સંકળાયા. આ સોસાયટીને આશ્રયે યોજાયેલા ભારતીય કલાના પ્રદર્શનમાં નંદબાબુનું પહેલું ચિત્ર ‘શિવસતી’ પાંચસો રૂપિયામાં વેચાયું. આમાંથી શ્રદ્ધા મેળવીને નંદલાલે ઉત્તર-દક્ષિણ હિંદની કલાયાત્રા કરી. નંદબાબુના જીવનમાં આ કલાયાત્રાએ મોટો ભાગ ભજવ્યો. દેશના ઉત્તર અને દક્ષિણ વિભાગના કલાના ખજાનાએ નંદબાબુના ચિત્ત ઉપર સ્થાયી મુદ્રા મૂકી. એમની સર્જકદૃષ્ટિને આમાંથી જ ભારતની સાંસ્કૃતિક એકતાનાં દર્શન થયાં. અજંતાની ગુફાઓની જાણ દુનિયાને પહેલી વાર ૧૮૧૯માં થઈ. આ ગુફાઓનાં ચિત્રોનાં સંરક્ષણ અને સાચવણી માટે રોયલ એશિયાટિક સોસાયટીએ ૧૮૪૪માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીને અપીલ કરી. આને પરિણામે લશ્કરમાંથી મેજર ગિલ નામના અંગ્રેજ કલાદર્શી અજંતાની ગુફાઓનાં ચિત્રોની નકલ કરવા માટે નિમાયા. એમણે ૧૮૫૭ના બળવા સુધી ભક્તિપૂર્વક આ કામ કર્યું. ૧૯૧૦માં લેડી હેરીંગહામ અજંતાની ગુફાઓનાં ચિત્રોની નવી નકલો કરવા આવ્યાં. એમની સાથે કેટલાક અંગ્રેજ કલાકારો પણ હતા. પરંતુ લેડી હેરીંગહામે ભગિની નિવેદિતા પાસે થોડાક હિંદી કલાકારોની માગણી કરી. ભગિનીએ પોતાનો સ્નેહઅધિકાર વાપરીને નંદલાલ બોઝને બીજા ત્રણ કલાકારો (અસિત હલદર, વેંકટ્ટપ્પા અને સમરેન્દ્રનાથ ગુપ્તા) સાથે અજંતા રવાના કરી દીધા. આ કલાનુભવની અતિ ઊંડી છાપ નંદલાલની સર્જકપ્રતિભા પર પડી. નંદબાબુ ૧૯૧૫માં પહેલી વાર ગુરુદેવના નિમંત્રણથી શાંતિનિકેતન ગયા. કવિવરે કલાકારનું શાંતિનિકેતનની આમ્રકુંજમાં પરંપરાગત સન્માન કર્યું. નંદબાબુ વિશે લખેલું વિશિષ્ટ કાવ્ય એમણે વાંચ્યું અને અર્પણ કર્યું. એ જ વરસમાં નંદલાલ પદ્માને કિનારે આવેલી રવીન્દ્રનાથની જાગીરમાં એક મહિનો કવિવર સાથે રહ્યા. આ સમય દરમિયાન બધા જ કાગળો પૂરા થઈ જાય એટલાં રેખાંકનો કર્યાં. પદ્માના સૌંદર્યનું નંદલાલને અનોખું આકર્ષણ હતું. એ વરસે નંદબાબુએ જોરાસાંકોમાં ટાગોર-કુટુંબનાં બાળકોનું શિક્ષકપદ સ્વીકાર્યું. વિશ્વભારતીની સ્થાપના ૧૯૧૮માં થઈ. ૧૯૧૯ના જુલાઈમાં જોરાસાંકોમાં પોતાની નિશાળમાં નંદબાબુ કામમાં મસ્ત હતા. ત્યાં પાછળથી કોઈએ ખભા પર હાથ મૂક્યો. નંદલાલે ચોંકીને જોયું તો પાછળ કવિવર હસતા ઊભા હતા. ગુરુદેવે અતિશય વહાલથી કહ્યું : “નંદ, તારે હવે શાંતિનિકેતન આવવું જોઈએ.” ત્યારથી નંદલાલ બોઝ શાંતિનિકેતનના થયા. નંદલાલ સર્વદા ગુરુ-શિષ્યના જીવંત અંગત સંબંધો બાંધતા અને એનો બન્નેના વિકાસમાં વિનિયોગ કરતા. એમણે સહજીવનની એક એવી અભિનવ પરિપાટી નિપજાવી હતી કે ‘કલાભવન’ના વિદ્યાર્થીને મન નંદલાલ ગુરુ, મિત્રા અને માબાપ સર્વસ્વ હતા. ૧૯૨૪માં નંદબાબુએ રવીન્દ્રનાથ સાથે ચાર માસની ચીન, જાપાન, મલાયા અને બર્માની યાત્રા કરી. દસ વરસ પછી ટાગોર લંકા ગયા ત્યારે પણ નંદબાબુ સાથે હતા. નંદલાલ ગાંધીજીના નિકટના સંબંધમાં લખનૌ કૉંગ્રેસ વખતે આવ્યા. લખનૌ કૉંગ્રેસની સમગ્ર કલારચના નંદલાલને સોંપાઈ. આ રચનામાં નંદલાલે ભારતીય સંસ્કૃતિને એવી ઉપસાવી કે ત્યાર પછીનાં વરસોમાં ફૈઝપુર અને હરિપુરામાં ભરાયેલી કૉંગ્રેસની બધી જ કલાવ્યવસ્થા એમને જ કરવી પડી. જે પ્રદેશમાં કૉંગ્રેસ ભરાવાની હોય તે પ્રદેશના અંતરભાગમાં જઈને લોકજીવન અને લોકકલાની પરંપરાનો તે અભ્યાસ કરતા અને એને ભારતની સમગ્ર સંસ્કૃતિના સ્વરૂપમાં એવી સ્વાભાવિકતાથી ગોઠવી આપતા કે પ્રદેશની વિશિષ્ટતા લુપ્ત ન થાય છતાં ભારતીય સંસ્કૃતિની એકતા અને અખંડિતતાને ક્યાંય આંચ ન આવે. ગાંધીજી પોતાની સેવાગ્રામની કુટિરમાં કોઈની કલાકૃતિ રાખતા નહિ. પ્રકૃતિ એમને મન મહાકલા હતી. એક દિવસ નંદલાલે સેવાગ્રામ આવીને ગાંધીજીની કુટિરની માટીની ભીંતમાં રેંટિયો ઉપસાવી આપ્યો. બાપુ રેંટિયાનું આંતરદર્શન કરીને એટલા રાજી થયા, એટલા રાજી થયા કે એમની કુટિરમાં ગુપચુપ આવીને નંદલાલ એક ચિત્ર લટકાવી ગયા તે બાપુએ જતનથી સાચવ્યું. આ ચિત્ર તે નંદલાલ બોઝનું મશહૂર ચિત્ર — જેમાં બુદ્ધ અપંગ ઘેટાના બચ્ચાને છાતી સરસું ચાંપીને બિંબિસારના યજ્ઞમાં જાય છે.