સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કિશનસિંહ ચાવડા/પુણ્યપ્રકાશ
સંત કબીરને ઘેર ઓચિંતાના વીસ-પચીસ ભૂખ્યા ફકીરો આવી ચડયા. તે દિવસે ઘરમાં કશું ખાવાનું ન મળે. સંત વિમાસણમાં પડ્યા. લોઈ નામની રૂપવતી વેરાગી કન્યા સાથે કબીરનાં લગ્ન થયેલાં હતાં. તેણે એક ઉપાય બતાવ્યો કે, હું અમુક શાહુકારને ત્યાંથી થોડા રૂપિયા લાવી શકીશ. કબીરને આશ્ચર્ય થયું ને એમણે પૂછ્યું, શી રીતે? લોઈ કહે, એ શાહુકાર મારા રૂપ ઉપર મોહિત છે, એટલે હું કહીશ ને તરત જ એ રૂપિયા આપશે. બીજો ઉપાય ન સૂઝયો, એટલે લોઈને શાહુકારને ઘેર જવા દીધી. એ ગઈ અને રાતે ફરી આવવાનો વાયદો કરી રૂપિયા લઈ આવી. ફકીરોને જમાડવામાં દિવસ વીતી ગયો. રાત પડી. અંધારાનો પાર નહીં, અને વરસાદે તો માઝા મૂકીને વરસવા માંડયું હતું. કબીર બેચેન હતા. લોઈએ આપેલા વચનની એમને ખબર હતી, એટલે વરસાદ ને ઝંઝાવાતને ન ગણકારતાં, લોઈને એક કામળો ઓઢાડી, ખભે ઊંચકીને એ તો શાહુકારને ઘેર પહોંચ્યા. શાહુકાર રાહ જોઈને વલવલી રહ્યો હતો. લોઈને જોઈને એનો હર્ષ શમાયો નહીં. પરંતુ લોઈનાં કપડાં જરાય ભિંજાયેલાં નહોતાં ને ધોધમાર વરસાદમાં આવી છતાં એના પગ કોરા હતા, તે જોઈને એ ચકિત થયો. એણે પૂછ્યું, “અરે, પણ તું આવી કઈ રીતે?” લોઈએ જવાબ આપ્યો, “મારા સ્વામી મને ઊંચકીને અહીં સુધી મૂકી ગયા.” સાંભળીને શાહુકાર થડક થઈ ગયો. એના અંતરમાં કામના અંધકારને બદલે પશ્ચાત્તાપનો પુણ્યપ્રકાશ રેલાયો. એ લોઈના પગમાં પડયો અને બોલ્યો, “આજથી તમે મારી માતા છો. કબીર સાહેબે મારી આંખનાં પડળ દૂર કર્યાં છે.” પછી એ શાહુકાર કબીરનો શિષ્ય બની રહ્યો. [‘કબીર સંપ્રદાય’ પુસ્તક]