સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કિશોરલાલ મશરૂવાળા/નબળી સાધુતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          અસત્ય, અનાચાર, દુરાચાર વગેરેના આચરનારાઓ પ્રત્યે સહેજ ઝીણવટથી જોશું તો જણાશે કે સ્વાર્થી અને વિષયી માણસો એકબીજા સાથે હળીમળીને કામ કરી શકે છે; એકબીજા પર મુશ્કેલી આવી પડે તો બચાવી લેવા બધા માર્ગો અજમાવી શકે છે. પણ સાધુવૃત્તિના, શુદ્ધ જીવન ગાળનારા ચાર માણસો સારું કામ કરવા માટે તેમ ભળી શકતા નથી. બીજા માણસની શુદ્ધિનો આદર્શ કાંઈક ઊંચો હોય તો તેની સાથે યે ફાવતું નથી; જરાક ઓછો હોય પણ પ્રામાણિક પ્રયત્ન હોય તોય તેની જોડે પણ ફાવતું નથી. તેમનામાં સાધુતા હોય છે. પણ દુષ્ટતા, પાખંડ, જૂઠ વગેરે સામે ઝઘડવા માટે લાગતો પુરુષાર્થ, ત્યાગ, સહનશીલતા અને બીજા સાથે મળીને કામ કરવામાં લાગતી નિરહંકારતાની ઊણપ હોય છે. તેથી સમૂહનું બળ તેઓ નિર્માણ કરી શકતા નથી. આ નબળાઈ અને કાયરતા સજ્જનોમાંથી દૂર થાય નહીં ત્યાં સુધી સત્ય, અહિંસા વગેરે મહાન ગુણો શક્તિરૂપ થવાને બદલે તેના આચારનારને વિપત્તિરૂપ થઈ પડે છે. માટે હાલ દુષ્ટોનું અને તેમની દુષ્ટતાનું શોધન બાજુએ રાખીએ. ન અટકાવી શકીએ તો ભલે, હાલ એમને ચરવા દઈએ. પણ તે પહેલાં વ્યવહાર શુદ્ધ રાખવા ઇચ્છનાર આડોશીપાડોશીઓ ભેગા થઈએ, થોડામાં થોડા સિદ્ધાંતોને બરાબર સ્વીકારી તે મુજબ શોધીએ. એમાંથી અન્યાય સામે લડવાની શક્તિ પણ પેદા થશે.