સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કિશોરલાલ મશરૂવાળા/પરપોટા
સમુદ્રમાં પાણીના આધારે અનેક પરપોટા થઈ આવે છે. એ ઘણા ભેગા થઈ એક મોટું મોજું કે પરપોટો બને છે. એવો કોઈ મોટો પરપોટો ફૂટી જાય, અથવા કોઈ મોજું અફળાઈને તેની નાની નાની લહેરો થઈ જાય, તેથી આપણને કદી શોક થતો નથી. કારણ, આપણે જાણીએ છીએ કે એ આકારોના ઊપજવાથી કે નાશ પામવાથી સાગરના સાગરપણામાં કાંઈ ફરક પડતો નથી. મોજાં અને પરપોટાની સરખામણીમાં જેમ સમુદ્ર વધારે સ્થિર વસ્તુ છે, તેમ આ જગત અને ભૂતપ્રાણીઓની અપેક્ષાએ ચૈતન્યરૂપ આત્મા એ જ સ્થિર અને સદ્ વસ્તુ છે. જેમ એક પરપોટો નાનાથી મોટો થઈને ફૂટી જાય તેથી કાંઈ પાણીનો નાશ થતો નથી, પણ એ પરપોટામાં વપરાયેલું પાણી બીજી જ ક્ષણે અન્ય આકાર નિર્માણ કરવા છૂટું થાય છે; તેમ દેહરૂપી એક આકાશ નાશ પામતાં, ત્યાં વપરાશમાં આવેલો ચૈતન્યનો અંશ બીજો આકાર નિર્માણ કરવા છૂટો થાય છે. આથી મરણ નામની ક્રિયાથી બુદ્ધિમાન પુરુષ મોહ પામતો નથી. [‘ગીતામંથન’ : પુસ્તક]