સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કિશોર વ્યાસ/દીપશિખાઓથી ઓપતું પત્રકારત્વ
મેઘાણીનો એક પગ સાહિત્યમાં, તો બીજો પગ પત્રકારત્વમાં હતો. એ બંને ક્ષેત્રોએ પરસ્પર પૂરકની ભૂમિકા ભજવી છે, એમ મેઘાણીએ જ કબૂલ્યું છે. અમૃતલાલ શેઠ દ્વારા શરૂ થયેલી પત્રકારત્વની નાની શી પાઠશાળા રાણપુર જેવા ગામડામાં ટાંચાં સાધનોની વચ્ચે પણ ‘સૌરાષ્ટ્ર’ અઠવાડિકને ભાષાવૈભવ, ઊર્મિરંગો અને કલ્પનાયુક્ત કલાવિધાનથી શોભાવતી હતી. પત્રકારત્વને દેવમંદિરની તુલનાએ મૂકતા ‘સૌરાષ્ટ્ર’ મંડળીના આદર્શમય પ્રવાહમાં મેઘાણીનું આગમન થયું હતું. રોજબરોજની ઘટનાઓના, હરકોઈ ક્ષેત્રના અલ્પજીવી બનાવોનું કસબકામ ‘સૌરાષ્ટ્ર’માં મેઘાણીના હાથે બની આવ્યું છે. ‘સૌરાષ્ટ્ર’ની વિલક્ષણ ભાષામાં પ્રકાશિત થતા પત્રકારત્વમાં સાહિત્યરંગી તોરના મેઘાણી એ રીતે પુરસ્કર્તા બન્યા હતા. રોજિંદા બનાવોની સનસનાટીમાંથી નવનીત વલોવવું અને સંસારના પ્રકટ-અપ્રકટ રહેલા પ્રવાહોમાંથી શુભ તત્ત્વોને વીણવાનું મેઘાણીને સહજસાધ્ય હતું. ‘લાવ લાવ’ કહેતા યંત્રરાક્ષસનું પેટ ઠારવા બેઠેલા મેઘાણીએ કાર્ટૂન પર પણ હાથ અજમાવેલો. ભાંગેલો ખડિયો, તૂટીફૂટી કાતર, કાગળના કટકા ને ચિત્રોના કુથ્થાની પથરાયેલી સામગ્રી વચ્ચે મેઘાણી બેઠા હોય. કાગળ પર આડી-અવળી લીટીઓ ખેંચતા જાય, પીંછીથી ન ફાવ્યું તો હોલ્ડરની ટાંકથી લીટીઓ ખેંચે અને આખરે કાર્ટૂન તૈયાર થાય ત્યારે સાથીમિત્રોને મેઘાણી જે વાત કહે છે એ આપણાં સાહિત્યિક સામયિકોને પણ બરાબર લાગુ પડે છે. જુઓ એ શબ્દો: ‘અહીં તો ભાઈ, કોણી મારીને કૂરડું કરવાની વાત છે. અહીં તો તંત્રીયે આપણે ને ખબરપત્રીયે આપણે બનવું પડે. કવિયે થવું પડે ને સમાલોચક પણ બનવું પડે..આપણું પત્રકારત્વ તો છે કોણી મારીને કૂરડું કરવાની કળા.’ મેઘાણીએ જાત નિચોવીને પત્રકારત્વના ક્ષેત્રને ખેડ્યું હતું. ‘ફૂલછાબ’ની કાળી મજૂરી કરવામાં એમણે પાછું વાળીને કદી જોયું નથી. ‘ફૂલછાબ’ બંધ હતું ત્યારે એના માણસોને નિભાવવા નાની પુસ્તિકાઓનાં પ્રકાશનો કરવા પુસ્તકોનાં અઢારસોથી બે હજાર જેટલાં પાનાં વાંચીવિચારી તેનું દોહન કરી છાપખાના માટે કામ તૈયાર કરી નાખવામાં મેઘાણીએ પોતાની લેખિનીનું સાર્થક્ય જોયું હતું. એટલે જ નવસર્જકોને પ્રસિદ્ધિને માટે અધીરા ન થવાની અને અપ્રસિદ્ધિના કાળ દરમિયાન પોતાની રચનાઓ પર વધુ ને વધુ સમારકામ કરતેકરતે નિજાનંદની ખુમારી સેવવા એ હાકલ કરે છે. મેઘાણીના ‘ફૂલછાબ’ માટેના પરિશ્રમ માટે એક જ ઉદાહરણ પૂરતું થશે: “મેઘાણીભાઈ લખતા હોય ત્યારે મેટરની અમને ભારે નિરાંત. રાજકોટ સત્યાગ્રહ પહેલાં તંત્રીવિભાગમાં માણસ થોડા હતા. નવ-નવ ફરમા[૩૬ પાનાં]નું કામ ચાલતું. બોટાદથી વહેલી સવારે ટ્રેન પકડીને રાણપુર આવે ને પૂછે: કેટલું મેટર જોઈએ? અમે બે ફરમાનું પૂરું મેટર માગીએ. બસ, લખવા બેસી જાય. અમે કારીગર વધારતા જઈએ. એ એકલા ને બીબાં ગોઠવનાર કારીગર પંદર-વીસ, બધા કારીગરને મેટર પહોંચી વળે. વધારામાં ગેલીઓનાં પ્રૂફ સુધારતા જાય, પેજ પાડતા જાય, હેડિંગ આપતા જાય ને એ પણ સુધારતા જાય.” પત્રકારત્વને એમણે સાહિત્યરંગે રંગ્યું અને પત્રકારત્વના દરજ્જાને તેઓ ઊચા આસને લઈ ગયા. ‘ચિતાના અંગારા’ની ટૂંકી વાર્તાઓ, ‘જેલ ઓફિસની બારી’ જેવી સ્મરણમાળા અને ‘સોરઠને તીરે તીરે’ જેવાં પ્રવાસ-કથાનકો તેમજ ‘ફૂલછાબ’ના ભેટપુસ્તક સ્વરૂપે લખાયેલી ‘વેવિશાળ’, ‘તુલસીક્યારો’, ‘સમરાંગણ’, ‘રા’ ગંગાજળિયો’, ‘પ્રભુ પધાર્યા’, ‘ગુજરાતનો જય’ આદિ નવલકથાઓએ તારવી આપ્યું છે કે પત્રકાર કાંઈ સાહિત્યનો દુશ્મન નથી. મેઘાણીએ સ્વીકાર્યું છે કે પત્રકારત્વ જેમ સાહિત્યને ખાઈ રહ્યું છે, તેમ તેના દબાણ હેઠળ કેટલુંક સાહિત્ય જે કદી ન સરજી શકાત તે સરજાઈ પણ રહ્યું છે. મેઘાણીએ નોંધ્યું છે: “પત્રકાર જીવને જ મારી માનવસંપર્ક તેમજ માનવલીલાની માહિતી લીલીછમ રાખી છે. એ જીવનસામગ્રીની વિપુલ પ્રાપ્તિ જો ન થતી હોત તો એકલી વાણીનો સંગ મને કંગાલ કરી મૂકત.” પત્રકારમાં હોવી જોઈતી ખુમારી અને નીડરતાનાં મેઘાણીમાં ભારોભાર દર્શન થાય છે. ૧૯૩૯-૪૦માં ‘ફૂલછાબ’ની ઘણાં દેશી રજવાડાંમાંથી હદપારી થયા પછી જ્યારે કોઈ રજવાડાએ અંગત રીતે મેઘાણીને બોલાવ્યા, ત્યારે મેઘાણીએ એ રજવાડાનાં માનપાનને ગણકાર્યાં નહોતાં. આ સંબંધે તેઓએ લખ્યું છે: “‘ફૂલછાબ’ની નીતિ, દૃષ્ટિ, વિચારણા એ સમગ્રને માટે હું જવાબદાર છું. હું ‘ફૂલછાબ’ સાથે જ ચડું છું ને પડું છું. ‘ફૂલછાબ’ જે દ્વારે અપમાનિત હોય તે દ્વારે હું પણ અપમાનિત જ છું. તે દ્વારને ઉંબરે મારાથી ચડાય નહીં. હું કે ‘ફૂલછાબ’ તો બેશક સ્વલ્પ છીએ, પણ મારે અને ‘ફૂલછાબ’ને માથે એક ઓઢણું છે—સમસ્ત પત્રકારત્વની ઇજ્જતનું.” નિરંજન વર્મા અને જયમલ્લ પરમારને પત્રકાર મેઘાણીનો નવીનતાનો ગુણ આકર્ષક લાગ્યો છે. દર સપ્તાહે ‘ફૂલછાબ’માં કશુંક ને કશુંક નવીન મૂકવા મેઘાણી તત્પર રહેતા. એ લેખકોનું સંસ્મરણ જ તપાસીએ: “જો કોઈ પણ જાતની લેખસામગ્રી એકધારી બે-ત્રણ અઠવાડિયાં ચાલે તો એ તરત કહેતા: આને બદલીએ તો, ભાઈ? કાંઈક નવીન આપીએ. પરંતુ આ નવીનતાના આગ્રહમાં ક્યારેય પણ પ્રજાને છેતરવાનું, પ્રજાની અધમ વૃત્તિઓને પોષીને પત્રને લોકપ્રિય બનાવવાનું વલણ તેમણે દાખવ્યું નહોતું.” પ્રજાની રસરુચિને સંવર્ધે એવા સાહિત્યની સરજતને પ્રાધાન્ય આપવા એમણે દાખવેલી જાગૃતિ સામયિકો-અખબારોને માટે આદર્શરૂપ છે. વ્યવહારમાં ફરી વળેલી વ્યાપારી વૃત્તિઓથી દૂર હટીને જીવનના પ્રાણરૂપ શુદ્ધ સાહિત્યને આરાધવાનો મેઘાણીએ યજ્ઞ માંડેલો. એ જ રીતે જીવનમાં ખોખલાં સૂત્રો દર્શાવવાને બદલે મેઘાણીએ અગ્રલેખોમાં જેવું જોમ દાખવ્યું એવા જ જોમ સાથે જીવવાની શૈલી અપનાવી હતી. રાણપુર નજીકના નાગનેશ ગામ ઉપર બહારવટિયા ચડી આવ્યા ત્યારે મેઘાણી બહારવટિયાઓને ભીંસમાં લેવા પોલીસોની સાથે આખી રાત ખાઈઓમાં પડી રહ્યા હતા. બંદૂક લઈને નીકળી પડેલા મેઘાણીને ખ્યાલ હતો કે ગામને પાદર બહારવટિયા આવે ને આપણે સામનો ન કરીએ, તો બીજાને શું કહી શકીએ? આજે પણ આ પ્રસંગ રોમાંચ જગાવનારો છે. ‘જેવું લખવું એવું જ જીવવું’ના મંત્ર સાથે મેઘાણી જીવેલા. જીવનમાં તેમ સાહિત્ય અને પત્રકારત્વમાં ચોકસાઈનો આગ્રહ મેઘાણીનો વિશેષ ગુણ હતો. ‘ફૂલછાબ’ જ્યારે લોકપ્રિયતાની ટોચ પર હતું ત્યારે એને વાંચવા માટે લોકોની આતુરતા અને અધીરાઈ દર્શાવતું લખાણ કોઈ પત્રકારે ‘જૂનાગઢનું બયાન’ નામે લખેલું. માંદગીના બિછાને પડેલા મેઘાણીની જાણ બહાર એ લખાણ છપાઈ પણ ગયું, પરંતુ બીજે દિવસે આ લખાણ મેઘાણીની નજરે પડતાં જ આત્મપ્રશંસાથી રત એવા એ લખાણના છપાયેલા ફર્માઓને એમણે રદ કરાવ્યા હતા. આત્મરતિથી દૂર રહેવાની, છપાયેલી અસંખ્ય નકલોનો નાશ કરવાની એમની આ કાર્યપ્રણાલિથી ગાંધીજી તરત જ યાદ આવે! ગોખલેના ભાષણોના કોઈ વિદ્વાને કરેલા રેઢિયાળ અનુવાદની છપાયેલી નકલોનો નાશ કરવા ગાંધીજીએ સૂચવ્યું હતું. મેઘાણીના સર્જનમાં જેમ પ્રબળ અનુકંપાભાવ વરતાય છે તેમ પત્રકારત્વમાં પણ એમનો વ્યાપક સમભાવ, માનવતાવાદ ઊપસી રહે છે. એ રીતે તેઓ મિશનરી પત્રકાર છે. માનવમૂલ્યોનો હ્રાસ થતો એમણે જ્યારે જ્યારે પણ અનુભવ્યો છે, ત્યારે તેની કલમે પ્રબળ આક્રોશ ઠાલવ્યો છે. કશાથી ડર્યા વિના જેહાદ ઉઠાવી છે. અમદાવાદના કોમી રમખાણ વખતે ‘મુખડા ક્યા દેખો દર્પણ મેં’ જેવું ‘ફૂલછાબ’માં છાપેલું ઠઠ્ઠાચિત્ર અને મુંબઈમાં રોજબરોજ થતાં રમખાણો અંગે તેમણે લખેલો ‘વાઘ-દીપડાઓને વીણી કાઢો’ તંત્રીલેખ એ દિશાના દ્યોતક છે. માણસાઈનો આગ્રહ મેઘાણીને નાનામાં નાના સમાચારને સુરુચિભરી પસંદગીના ધોરણે ચકાસવા સુધી લઈ જાય છે. વર્તમાનપત્રોનું ધંધાર્થી લેખનકાર્ય પોતાને માટે આશીર્વાદરૂપ ગણ્યું હોવા છતાં મેઘાણીએ રોજિંદા પત્રકારત્વને આ યુગનું એક મોટું પાપ ગણ્યું છે. અસત્ય અને અર્ધસત્યના પગ ઉપર ઊભા રહેલા દૈનિકપત્રની દેકારા જેવી સ્થિતિ પ્રત્યેનો એમનો અણગમો આ શબ્દોમાં વ્યક્ત થયો છે: “રાજદ્વારી છમકલાં છાપવાથી અને લીંબરડી-પીપરડી ગામોની ખળાવાડોના હવાલદારની ખબર લઈ નાખવાથી જ લોકો લોભાય છે, એવી માન્યતા પત્રકારત્વની ચેતનાવિદ્યુતને કેવળ સંહાર માટે, તમતમાટને માટે, ભજિયાં તળવાના તાવડા તપાવવા માટે સેવાય છે. એ એક વિકૃત અને વિઘાતક માન્યતા છે.” પત્રકારત્વની સસ્તી સનસનાટી પ્રત્યે નારાજી દર્શાવીને એમણે રતિભાર સત્ય અને ખાંડીખાંડી પ્રચારવેગને ક્ષણિક આવેશનો ભડકો કહ્યો છે. મેઘાણીનું સાહિત્યિક પત્રકારત્વ ‘જન્મભૂમિ’ના ‘કલમ અને કિતાબ’ વિભાગ અંતર્ગત સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. આ વિભાગમાં પૂર્વગ્રહો, રાગદ્વેષોને સ્થાન ન હતું. સાહિત્યની નાનામાં નાની વિગતોને સમજવાની અને ન્યાય કરવાની સચેત વૃત્તિ એમણે કેળવેલી હતી. આ વિભાગને વાંચીને પુસ્તક ખરીદનારાઓનો એક વર્ગ ઊભો થયેલો. વર્તમાનપત્રોમાં વિવેચનની જરૂરિયાત દર્શાવતાં મેઘાણીએ લખ્યું છે: “સર્જકોને અને સર્જનોને કડક તુલના પર ચડાવનારા જ્ઞાનગંભીર વિવેચકો માટે આજનું પત્રકારત્વ પોતાની કટારોમાં જગ્યા કરે એ પ્રથમ જરૂર છે.” સર્જકો પણ પોતાનાં સર્જનોને કડક ધોરણની કસોટીએ ચડાવવા આતુર રહે, એવા તંદુરસ્ત વલણને તેઓએ ઝંખ્યું છે. નબળાં સર્જનો વિશે પણ પ્રશંસા સાંભળવા ટેવાયેલા સર્જકો સામે આક્રોશ વ્યક્ત કરીને મેઘાણીએ લખ્યું છે: “લેખકો પોતાની કંગાલ કૃતિઓનાં અવલોકન ન લેવાય તેની રાવ કરવામાં સમય ગુમાવે છે. અવલોકન નથી લેવાતાં એટલે પોતાની સામે વ્યવસ્થિત કાવતરું થઈ રહ્યું હોય તેવી તેઓ બૂમો પાડે છે. પોતાની કૃતિને નબળી કહેનારો અવલોકનાર કાં તો લેખકોનો તેજોદ્વેષી છે, કંઈ નહીં તો તુંડમિજાજી છે!” સાહિત્યમાં પ્રવેશેલા નવોદિતોની અપેક્ષાને ચીંધતા ‘નવીનો માગે છે’ લેખનો આ અંશ જુઓ: “તમે તમારી આસપાસ આંટા મારનારા ગ્રહો-ઉપગ્રહો ન માગો. તમને પણ ભૂલ બતાવી શકે એવા દોસ્તો માગો. તમારાં તેજ એમને ઉછીનાં દઈ દઈ ન શોભાવો; એને સ્વલ્પ પણ સ્વયં તેજે ચમકવા દો. તમારા પ્રત્યે અંધ અને મૂંગી વફાદારી ન વાંછો. બુદ્ધિપૂર્વકની બંડખોરી નોતરો. પુત્રથી, શિષ્યથી પરાજય પામવાની મુરાદ સેવો.” નાનામાં નાની ઘટનાને સાહિત્યરંગે રંગીને એની માર્મિકતાને ધાર ચઢાવવાનું કાર્ય મેઘાણીના હાથે થયું છે. મેઘાણી લોકમાન્ય પત્રકાર તો હતા જ, સાથોસાથ સાહિત્યતત્ત્વની ક્ષણેક્ષણે કાળજી લેનારા સાહિત્યધર્મી પત્રકાર પણ હતા. [‘પરબ’ માસિક: ૧૯૯૬]