સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કીર્તિદા શાહ/ગાગરમાં સાગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          સામયિકો અને વર્તમાનપત્રોમાં પ્રકાશિત થયેલી રચનાઓનું જીવન ટૂંકું હોય છે. એમાંની ઉત્તમ રચનાઓને ગ્રંથસ્થ કરી લેવી એ સંપાદનપ્રવૃત્તિનો હેતુ છે. ૨૦૦૦ અને ૨૦૦૧ એ બે વર્ષ દરમિયાન ૫૮ જેટલાં સંપાદનો પ્રકાશિત થયાં છે. એ સમયગાળામાં કવિતાનાં ૧૫ જેટલાં સંપાદનો મળે છે. ‘ગુજરાતી કવિતાચયન: ૧૯૯૯’ (૨૦૦૦): ઉષા ઉપાધ્યાય દ્વારા સંપાદિત આ ચયનમાં સંપાદિકાએ કવિઓને ટકોર કરી છે કે તેમણે સારી રચના સિદ્ધ કરવા માટે સંવેદનની સાથે ભાષાનાં સામર્થ્યને જાણવા-સમજવાનો પુરુષાર્થ કરવો જરૂરી છે. સામયિકોના સંપાદકો માટે તેમણે નોંધ કરી છે કે સંપાદકો જો કસ્તર-કાંકરા વીણીને સામયિકોમાં રચનાઓ લેશે તો તેમની એ ખાંખત નવી પેઢીની કલમને ઘડવામાં મોટો ફાળો આપશે. ‘અમર ગીતો’ (૨૦૦૦) ૨૨૫ કવિઓનાં ૩૯૦ જેટલાં ગીતોનું ચંદ્રકાન્ત શેઠ દ્વારા થયેલું સંપાદન છે. આ ચયનમાં મધ્યકાલીન તેમજ અર્વાચીન ગીતકારોની રચનાઓ છે. ધરતીકંપને વિષય કરતાં ૫૫ કાવ્યોનું ‘ધરતી થર થર ધ્રૂજે’ (૨૦૦૧) પ્રફુલ્લ ભારતીય દ્વારા થયેલું સંપાદન છે. ગુજરાતમાં આવેલા ધરતીકંપે અનેક કવિહૃદયોને ઝણઝણાવ્યાં. કવિઓએ ધરતીકંપને વિષય બનાવી કવિતા કરી, તેનું આ સંપાદન છે. હરીન્દ્ર દવેની અનુવાદશકિતનો સાંગોપાંગ હિસાબ આપતું ‘અનુસ્પંદન’ (૨૦૦૧) સુરેશ દલાલનું સંપાદન છે. બંગાળી, અંગ્રેજી, ઉર્દૂ, કાશ્મીરી, પંજાબી, મરાઠી, સંસ્કૃત, આફ્રિકન, ઇટાલિયન, ગ્રીક, ચીની, જર્મન, જાપાની, ડચ, ફ્રેન્ચ, રશિયન, સ્પેનિશ, સ્વિડિશ ભાષાઓમાં રચાયેલાં કાવ્યોના હરીન્દ્ર દવેના અનુવાદનું સંકલન અહીં થયું છે. આ બે વર્ષ દરમિયાન નવલિકાનાં ચયન સાત મળ્યાં છે. ‘ગુજરાતી નવલિકાચયન—૧૯૯૭’ (૨૦૦૦’) : રવીન્દ્ર પારેખ દ્વારા સંપાદિત આ સંચયમાં ૧૯૯૭માં પ્રકાશિત થયેલી વાર્તાઓમાંથી ૨૪ વાર્તા પસંદ કરેલી છે. સંપાદકીયમાં પસંદ કરેલી વાર્તાઓના આસ્વાદ આપ્યા છે. ‘ગુજરાતી નવલિકાચયન—૧૯૯૮’ (૨૦૦૦): બિપિન પટેલ દ્વારા સંપાદિત આ સંચયમાં ૧૬ વાર્તાઓ છે. સંપાદકીયમાં પસંદ કરેલી વાર્તાઓના આસ્વાદ છે. ‘ગુજરાતી નવલિકાચયન—૧૯૯૯’ (૨૦૦૧) યોગેશ જોષી દ્વારા સંપાદિત ૧૯૯૯માં પ્રકાશિત વાર્તાઓનો સંચય છે. ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રકાશિત આ ત્રણેય સંચયોના સંપાદકોની સંપાદકીય સજ્જતાથી સંતોષ થતો નથી. આ ગાળામાં નિબંધનાં ચયનો ત્રણ મળ્યાં છે. ‘અમર હાસ્યનિબંધો’ (૨૦૦૦) વિનોદ ભટ્ટ દ્વારા થયેલું સંપાદન છે. નવલરામ પંડ્યાથી નિર્મિશ ઠાકર સુધીના હાસ્યક્ષેત્રે નોંધપાત્ર સર્જન કરનારા સર્જકોની ૨૪ નિબંધરચનાઓ આ સંચયમાં છે. સંપાદકની વિષયની સૂઝ, જાણકારી તથા સર્જકદૃષ્ટિનો લાભ આ સંચયને મળ્યો છે. ‘અમર પ્રવાસનિબંધો’ (૨૦૦૦) ભોળાભાઈ પટેલ દ્વારા થયેલું સંપાદન છે. ગુજરાત અને બૃહદ ભારત, મધ્ય એશિયા, પૂર્વ એશિયા, આફ્રિકા, દક્ષિણ અમેરિકા તથા યુરોપનાં દેશ-શહેરોના પ્રવાસ-ગ્રંથોમાંના નિબંધોનું આ ચયન સંપાદનકલાના નમૂનારૂપ છે. આ સમયગાળામાં વ્યકિતવિશેષને કેન્દ્ર કરીને થયેલાં ૧૧ ચયનો મળે છે. વિશ્વનાથ ભટ્ટના મહત્ત્વના વિવેચનલેખો સમાવતું ‘વિશ્વનાથ મ. ભટ્ટનો પ્રતિનિધિ વિવેચનસંગ્રહ’ (૨૦૦૦) યશવંત શુક્લ અને સાવિત્રીબહેન ભટ્ટ દ્વારા થયેલું સંપાદન છે. વિશ્વનાથ ભટ્ટના વિવેચનસંગ્રહો અત્યારે અપ્રાપ્ય જેવા છે ત્યારે આ સંચય અભ્યાસીઓને ઉપયોગી થશે. ‘વિજયરાય ક. વૈદ્ય જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ’ (૨૦૦૦): જયંતી ગોહેલ દ્વારા થયેલા આ સંપાદનમાં વિજયરાયના સાહિત્ય અને જીવનને લગતા ૩૦ લેખ છે. સાથે વિજયરાયના પસંદ કરેલા લેખ પણ પુનર્મુદ્રિત કર્યા છે. વાર્તાકાર જયંત ખત્રીના વ્યકિતત્વનાં અનેક પરિમાણો પ્રગટ કરી આપતું ‘મરુભૂમિનું મેઘધનુષ’ (૨૦૦૦) નીપા ઠક્કર દ્વારા થયેલું સંપાદન છે. અહીં સંપાદિત લેખોમાંથી સંગીતના શોખીન, નવલિકાકાર, નાટ્યકાર, ચિત્રકાર, વત્સલ પિતા, પ્રેમાળ પતિ, તબીબ જેવા ખત્રીના અનેક દિશામાં વિસ્તરતા વ્યકિતત્વનો પરિચય મળે છે. ખત્રીએ દોરેલાં ચિત્રો, તેમના લાક્ષણિક મુદ્રાના ફોટોગ્રાફ, તેમનાં કુટુંબીજનોના પત્રો જેવી સામગ્રી આ ચયનમાં છે. ‘લીલુડી ધરતીથી’ (૨૦૦૦) ચુનીલાલ મડિયાના વ્યકિતત્વનો પરિચય આપતું અમિતાભ મડિયાનું સંપાદન છે. સંચયમાં મડિયાની ત્રણ નવલકથા ‘ઈંધણ ઓછાં પડ્યાં’, ‘લીલુડી ધરતી’, ‘વેળા વેળાની છાંયડી’ના સંક્ષેપ, બાર નવલિકાઓ, ત્રણ નાટક, છ કાવ્ય અને સાહિત્યના છ અભ્યાસલેખો છે. ‘મુનશીનો વૈભવ’ (૨૦૦૦) મુનશીના સર્જક વ્યકિતત્વનો પરિચય આપતું દીપક મહેતાનું સંપાદન છે. મુનશીની ‘પૃથ્વીવલ્લભ’ નવલકથા સાથે અહીં ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’, ‘રાજાધિરાજ’ તથા અન્ય નવલકથાઓનાં કેટલાંક પ્રકરણો સંકલિત કરીને સંપાદકે મૂક્યાં છે. બે ટૂંકી વાર્તા ‘ગૌમતિદાદાનું ગૌરવ’ અને ‘શામળશાનો વિવાહ’, પૌરાણિક નાટક ‘તર્પણ’ અને સામાજિક નાટક ‘વાહ રે મેં વાહ’, આત્મકથા ‘અડધે રસ્તે’ તેમજ ‘સીધાં ચઢાણ’માંના કેટલાક ખંડો પણ અહીં સમાવ્યા છે. આ સંપાદન વાચકને મુનશીના સઘળા સર્જનમાં પ્રવેશવા ઉત્સુક બનાવે તેવું છે. વિનોદ ભટ્ટ—સંપાદિત ‘હાસ્યેન્દ્ર જ્યોતીન્દ્ર’ (૨૦૦૦) જ્યોતીન્દ્ર દવેની ૩૮ રચનાઓનું તેમનાં ૧૭ પુસ્તકોમાંથી કરેલું ચયન છે. ‘ધૂમકેતુનું આકાશ’ (૨૦૦૧): સુરેશ દલાલ દ્વારા સંપાદિત આ ચયનમાં ધૂમકેતુનાં હજારો પાનાંના સાહિત્યમાંથી ૨૫ ટૂંકી વાર્તા, ‘ચૌલાદેવી’ નવલકથા, ‘પોસ્ટઓફિસ’ નાટક, ત્રણ નિબંધ, પાંચ આત્મકથનાત્મક લેખો છે. ‘નમું તે હાસ્યબ્રહ્મને’ (૨૦૦૦): વિનોદ ભટ્ટનાં ૨૭ પુસ્તકોમાંથી રતિલાલ બોરીસાગર દ્વારા થયેલું હાસ્યનિબંધોનું આ ચયન છે. ૧૫ લેખકોની સત્તર નવલકથાઓના સઘન અભ્યાસલેખો સંપડાવતું ‘જ્ઞાનપીઠ પુરસ્કૃત નવલકથા’ (૨૦૦૧) ભરત મહેતા દ્વારા થયેલું સંપાદન છે. ‘ગણદેવતા’ના સર્જક તારાશંકર બંદોપાધ્યાયથી ‘હજાર ચુરાસિરમા’નાં લેખિકા મહાશ્વેતાદેવી, આ બે સીમાચિહ્નો વચ્ચેના બીજા દસ નવલકથાકારોની પ્રમુખ કૃતિઓના વિશેષો સંપાદકીય લેખમાં આપવામાં આવ્યા છે. અન્ય ભાષાની ઉત્તમ રચનાઓ વિશે મહત્તમ વિગતો આપતું આ સંપાદન નોંધપાત્ર છે. ‘અમર બાલકથાઓ’ ૧-૨ (૨૦૦૦): પાંચથી દસ વર્ષની વયનાં બાળકોને લક્ષમાં રાખીને શ્રદ્ધા ત્રિવેદી દ્વારા થયેલાં આ સંપાદનમાં ૧૮૩૧થી ૧૯૯૫ સુધીના ગાળામાં રચાયેલી બાલકથાઓમાંથી આજનાં બાળકને પસંદ પડે એવી ૮૫ રચનાઓ છે. ‘અમર રેખાચિત્રો’ (૨૦૦૦) મણિલાલ હ. પટેલ દ્વારા થયેલું સંપાદન છે. આપણા મહત્ત્વના ગદ્યલેખકોનું પ્રતિનિધિત્વ સચવાય તે રીતે વૈવિધ્ય, ગદ્યસમૃદ્ધિ, ગુણવત્તા આદિને લક્ષમાં રાખીને થયેલું આ સંપાદન અનોખું છે. [‘પરબ’ માસિક: ૨૦૦૪] {{Poem2Close}