સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કૃષ્ણલાલ મો. ઝવેરી/માઈ, માઈ, કૂતરી વિયાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ‘કંકાવટી’ મળી. તમારી હંમેશની રીત પ્રમાણે પુસ્તક બહુ જ ઉત્કૃષ્ટ રીતે લખાયું છે. એ રીતે જ આપણું જૂનું સાહિત્ય સચવાઈ રહેશે. નાની નાની પાંચ-પાંચ છ-છ વરસની છોડીઓ બોચલા-ઘાઘરા ને ચોળીઓ પહેરી, હું ભાવનગરમાં રહેતો હતો ત્યારે, શેરીમાં કૂતરી વિયાય કે તરત તેના ખાનપાનની વ્યવસ્થા કરવા નીકળી પડતીઓ ને ઘેરઘેર ફરી નીચેનાં મધુર ગીત ગાઈ ખાવાનું ઉઘરાવતીઓ : (૧) કાઠિયા ઘઉં, બાઈ, કાઠિયા ઘઉં, આ ઘેરથી દ્યો તો ઓલે ઘરે જઉં, કાઠિયા ઘઉં, બાઈ, કાઠિયા ઘઉં. (૨) માઈ, માઈ, કૂતરી વિયાઈ, રોટલો દ્યો કે ધાન દાળ દ્યો. શેરીની કૂતરી તે સૌની કૂતરી, તેના તરફ દયાભાવ રાખવો જ જોઈએ, એવું નાનપણથી છોકરાંઓને શીખવવામાં આવતું. તમારાં આગળ ઉપર લખવા ધારેલાં પુસ્તકોમાંથી કોઈને માટે ઉપલી હકીકત કદી કોઈ વખત ઉપયોગમાં આવે એમ ધારી આ કાગળ લખ્યો છે. [ઝવેરચંદ મેઘાણી પર પત્ર : ૧૯૨૭]