સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ખુશવંતસિંહ/નેવુંમે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          [૧] ગયા ઓગસ્ટમાં મને નેવું વર્ષ થયાં. મારાં પત્ની ત્રણ વર્ષ પહેલાં અવસાન પામ્યાં. સાઠ વર્ષનો મારો અપરિણીત પુત્ર મુંબઈમાં રહે છે. મારા જ બિલ્ડંગિમાં રહેતી મારી દીકરી અને રસ્તાની સામી બાજુએ રહેતી એની દીકરી, બંને મારું ધ્યાન રાખે છે. હું એકલો જ રહું છું. પચાસ વર્ષથી મારી સાથે રહેતો મારો રસોઇયો મારી જરૂરિયાતો સાચવે છે. શાળા-કોલેજકાળના મારા મોટા ભાગના સહાધ્યાયીઓનું અવસાન થયું છે. જે થોડા જીવિત છે, તેમનો મોટા ભાગનો સમય પથારીમાં યા તો વ્હીલચેર પર પસાર થાય છે, જ્યારે હું રોજના પાંચેક કલાક લખવા-વાંચવામાં ગાળું છું; ભારતીય અને વિદેશી સામયિકો માટે દર અઠવાડિયે બિલકુલ અલગ પ્રકારનાં લખાણો લખું છુ.ં દર મહિને એક પુસ્તકનો પરિચય લખું છું. આપેલા સમયને હું વળગી રહું છું. આટલી લાંબી જિંદગીમાં ક્યારેય આટલું નથી કમાયો, જેટલું આજે નેવું વર્ષે હું કમાઉં છું. મારા લાંબા આયુષ્યનો જશ હું પોતે લઈ શકું નહિ, કેમ કે એ મારાં માબાપ તરફથી મને મળેલ છે. મારા પિતા નેવું વર્ષ જીવ્યા, માતા ચોરાણું વર્ષ. આપણા લાંબા આયુષ્યનું રહસ્ય આપણાં માતાપિતાના દીર્ઘજીવનમાં રહેલું છે. મારા મોટા ભાઈ ત્રાણું વર્ષના છે, પણ હવે એમના કાન કામ નથી કરતા ને જાગતા હોય ત્યારે એમને વ્હીલચેર પર જ બેસી રહેવું પડે છે. મારા નાનાભાઈની ઉંમર અઠ્યાશી વર્ષ છે, એ પોતાનો અડધો દિવસ કુટુંબના ધંધામાં ગાળે છે. અમારાં એક જ બહેન, જે પંચાશી વર્ષનાં છે તે હવે પથારીવશ છે ને લાંબું નહીં જીવે એમ લાગે છે. અમ ભાંડુઓમાં સૌથી નાનો ટેનિસનો ચેમ્પિયન ખેલાડી હતો અને બધાથી સારી તંદુરસ્તી ધરાવતો હતો. પણ એ સૌથી પહેલો, સિત્તેર વર્ષથીયે ઓછી ઉંમરે વિદાય લઈ ગયો. મારો કહેવાનો અર્થ એ છે કે, કોઈ વ્યકિત કેટલું જીવશે એનાં કોઈ સ્પષ્ટ ચિહ્નો હોતાં નથી. દરેક માટે સૌથી સારો રસ્તો એ છે કે, આરોગ્યવર્ધક ખોરાક લેવો, શિસ્તમય જીવન જીવવું, કામ અને આરામ માટે યોગ્ય સમય ફાળવવો તથા વિવાદથી દૂર રહેવું. અશાંત મન અને ખરાબ સ્વભાવ જીવનરેખાને ટૂંકાવનારાં છે. વર્ષો વીતે તેમ જીવનપદ્ધતિ બદલતા જવી એ પણ એટલું જ જરૂરી છે. નવ વર્ષ પહેલાં સુધી હું રોજ સવારે ટેનિસ રમતો ને સાંજે એક કલાક ચાલતો; હવે હું એ નથી કરી શકતો. ગયા વર્ષ સુધી, ઉનાળામાં હું રોજ એક કલાક સ્વિમિંગ પુલમાં તરવામાં ગાળતો. હવે જો કે બહુ થોડું તરી શકું છું. પણ થોડું તર્યા પછી પણ તાજગી અનુભવું છું અને સાંજના હળવા ભોજનની રાહ જોતો હોઉં છું! જે દિવસે સ્વિમિંગ પુલમાં એક કલાક ગાળ્યો હોય એ રાતે મને ખલેલ વિનાની, શાંતિપૂર્ણ ઊઘ આવે છે. લાંબી જિંદગીનું સૌથી મહત્ત્વનું પાસું કદાચ એ હોઈ શકે કે, બીજા દિવસનાં કાર્યો તમે અગાઉથી ગોઠવી રાખી શકો તથા વળતર આપે તેવા કોઈ ઉત્પાદક કાર્યમાં તમારી જાતને પ્રવૃત્ત રાખી શકો. મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારામાં જવાને હું ઉત્પાદક પ્રવૃત્તિ ગણતો નથી અને પ્રાર્થના કે પૂજાના કોઈ સ્થળે હું જતો નથી. એ પ્રવૃત્તિઓને હું કીમતી સમયનો બગાડ સમજું છું ને કામમાં લાગી જાઉં છું. મારા જીવનનું સૂત્ર છે: કાર્ય એ ભકિત છે, પણ ભકિત એ કાર્ય નથી. જો કે મારી ઉંમરના મોટા ભાગના લોકો કરતાં મારી શારીરિક અને માનસિક સ્થિતિ સારી છે, પણ વૃદ્ધાવસ્થાની ઘણી બીમારીઓથી હુંયે પીડાઉં છું. મારું બ્લડપ્રેશર વધઘટ થતું રહે છે, દિવસો જાય છે તેમ મારી સાંભળવાની શકિત ઘટતી જાય છે, મને ‘પ્રોસ્ટેટ’ની તકલીફ છે. શરીરને કાબૂમાં રાખવા હું રોજની અઢારેક ગોળીઓ લઉં છું. હું બરાબર જાણું છું કે જો મેં એ ગોળીઓ નિયમિત ન લીધી, તો મને હૃદયરોગનો હુમલો આવી શકે અને મારા બાકીના દિવસો મારે પક્ષઘાતના દરદ સાથે વિતાવવા પડે. મારે માંદા પડીને મરવું નથી, પણ મારાં બધાં અંગો સક્રિય હોય ને મારા હોઠ પર સ્મિત હોય, એમ જવું છે. ઘરડેરાંઓને આદત હોય છે કે તેઓ એકબીજાની સંગત શોધે છે, પોતાની માંદગી વિશે વાતો કરે છે અથવા તો પોતાનાં સંતાનો તથા એમનાંયે સંતાનો એમનું પૂરતું ધ્યાન કે માન રાખતાં ન હોવાની ફરિયાદ કરતાં રહે છે. અવસ્થાની સાથેના પ્રશ્નોનો ઉકેલ શોધવાની, મને લાગે છે, આ ખોટી રીત છે. ઘરડાંઓની સંગતથી હું મારી જાતને દૂર રાખું છું. ઊલટું, યુવાનોની સંગત મને વધુ માફક આવે છે; ખાસ કરીને યુવાન સ્ત્રીઓની, કે જે મારામાં વિશ્વાસ મૂકીને તેમના પ્રેમીઓ કે પતિઓ સાથેના પ્રશ્નો વિશે મારી સાથે વાતચીત કરે છે. એ બધી સ્ત્રીઓ દેખાવડી જ હોવી જોઈએ એમ નથી; ફક્ત આંખને ગમી જનારી સ્ત્રી કરતાં આનંદી અને ઉત્સાહી સ્ત્રીઓની સંગત હું વધુ પસંદ કરું છું. એ સ્ત્રીઓનું આનંદીપણું મારી જાતને સ્પર્શી જઈને મારી ઉંમર કરતાં મને નાનો હોવાની સ્ફૂર્તિ અપાવે છે. મારા સારા નસીબે આવી સંગત મને રોજ સાંજે મળે છે. પણ હું થાકી જલદી જાઉં છું અને કોઈને પણ અર્ધા કલાકથી વધુ બેસવાની રજા આપતો નથી. સૌથી વધુ, હું મારી જાતની સંગત માણવાની રાહ જોતો હોઉં છું—મારા વર્લ્ડ સેટેલાઇટ રેડિયો પરથી પશ્ચિમી શાસ્ત્રીય સંગીત સાંભળવું, ટીવી જોવું અથવા તો શાંતિથી વાંચવું. સામાજિક કાર્યો હું ઓછાંમાં ઓછાં કરું છું. હકીકતે, મેં મારા ઘરમાં જ ‘સંન્યાસ’ લીધેલો છે, જ્યાં મને બધી સગવડો મળી રહે છે અને મારા સમયનો હું માલિક રહું છું. અગાઉથી સમય લીધા વગર મને મળવાની કોઈ હિંમત કરી શકતું નથી. મૃત્યુ વિશે હું ઘણું ચિંતન કરતો રહું છું. હું જાણું છું કે વધુમાં વધુ આવતાં ચારપાંચ વરસમાં એ મને ભેટવાનું છે. મૃત્યુને હું સતત મનમાં ઘોળ્યા નથી કરતો કે નથી મૃત્યુની દહેશત રાખતો. પણ મને લાગે છે કે મારી પાસે જે કાંઈ છે તે દરેક વસ્તુ તેનો યોગ્ય ઉપયોગ કરે એવા લોકોના હાથમાં સોંપી દેવી. જે લોકો સાથે હું લાગણીથી જોડાયેલો છું એ સૌથી મારી જાતને અલગ કરવા હું પૂરતો પ્રયત્ન કરું છું. હું મારી જાતને સતત યાદ આપતો રહું છું કે મારી અંતિમ સફર વેળા હું કાંઈ જ સાથે લઈ જઈ શકવાનો નથી—આખી જિંદગી દરમિયાન મને જે પ્રેમ અને હૂંફ મળ્યાં, એ પણ નહિ. [૨] લેખન એ એકાકી વ્યવસાય છે. એકાંતમાં રહેવાની તાલીમ માણસે પોતાની જાતને આપવી પડે છે. એક નક્કી કરેલા નિત્યકર્મને હું ગુલામની જેમ વળગી રહું છું. કેટલીક વાર તો સળંગ અઠવાડિયાંઓ સુધી હું કોઈને મળ્યો નથી કે કોઈની સાથે વાતચીત કરી નથી. (માત્ર મારા રસોઇયાને શી રસોઈ કરવી તે જણાવ્યું છે.) સરેરાશ દિવસ આખો, છેક સવારના ૫ વાગ્યાથી, હું વાંચતો-લખતો રહું છું અને પછી રાતના ૭થી ૮ના ગાળામાં મિત્રોને મળું છું. વરસોના અનુભવે મને સમજાયું છે કે મૌન રહેવાથી કેટલી બધી શકિત માણસમાં પેદા થાય છે, અને મળવાહળવામાં ને ફોગટ ટોળટપ્પાંમાં તે કેટલી વેડફાય છે. ગમે તે બન્યું હોય, પણ હું મારા નિત્યક્રમને વળગી રહું છું અને દિવસ દરમિયાન જે કાંઈ કામનું આયોજન મેં કરેલું હોય તે પૂરું કરું છું. આ વસ્તુ બહુ અગત્યની છે અને માણસે પોતાના કામની આડે બીજા કશાને આવવા દેવું ન જોઈએ. પ્રત્યેક દિવસ માટે મેં ઠરાવેલું કામ પૂરું કરું નહિ ત્યાં સુધી રાતે હું સૂઈ જતો નથી. અને તેમાં રોજ આવતી સરેરાશ ૩૦ ટપાલના જવાબ જાતે લખવાની કામગીરી આવી જાય છે. પંજાબી, અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂ, એ ચાર ભાષામાં મારી પર પત્રો આવે છે; તેમાંના કેટલાક ગાળાગાળીવાળા હોય છે, પણ લખનારે તેનું સરનામું જણાવેલું હોય તો તેવા પત્રોના જવાબ પણ હું લખું છું. બપોર થાય એટલે હું મારું લેખનકાર્ય શરૂ કરું છું, તે સાંજના ૭ સુધી ચાલે છે; વચમાં એક ટૂંકી નીંદર કરી લઉં છું. જેને લેખક થવું હોય તેણે સતત મથામણ કરતા રહેવું પડે છે; બીજો કોઈ રસ્તો નથી. ખૂબ વાંચવું—પછી એ શિષ્ટમાન્ય ગ્રંથો હોય કે પરીકથાઓ હોય કે જોડકણાં હોય. તે પછી જ સારા લખાણ ને ખરાબ વચ્ચેનો તફાવત આપણે કરી શકીએ. માણસના વ્યકિતત્વની તેના લેખન પર અસર થાય છે. માણસે પ્રામાણિક બનવું જોઈએ, આડંબર છોડવો જોઈએ. જિંદગીમાં બહુ થોડા પ્રામાણિક માણસોના પરિચયમાં હું આવેલો છું—નિશાળના મારા ઉર્દૂ શિક્ષક શફીયુદ્દીન નય્યર, લાહોરના દિવસોના મારા મિત્ર મન્ઝુર કાદીર અને ત્રીજા મનમોહનસિંહ; જેને હું ઓળખતો હોઉં એવા એક માત્ર પ્રામાણિક રાજકારણી તે છે. (અનુ. [૧] મંજરી મેઘાણી, [૨] મહેન્દ્ર મેઘાણી.)