સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગંગાસતી/મન નો ડગે

મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે
મરને ભાંગી રે પડે ભરમાંડ રે;
વિપદ પડે પણ વણસે નહિ,
ઈ તો હરિજનનાં પરમાણ રે.
ભાઈ રે! હરખ ને શોકની ના’વે જેને હેડકી ને
શીશ તો કર્યાં કુરબાન રે,
સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,
જેણે મેલ્યાં અંતરનાં માન રે.
ભાઈ રે! નિત્ય રે’વું સતસંગમાં ને
જેને આઠે પો’ર આનંદ રે,
સંકલપ-વિકલપ એકે નહિ ઉરમાં
જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ રે.
ભાઈ રે! ભગતિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ!
રાખજો વચનુંમાં વિશવાસ રે,
ગંગાસતી એમ બોલિયાં
તમે થાજો સતગુરુજીનાં દાસ રે.
[ઝવેરચંદ મેઘાણી — સંપાદિત ‘સોરઠી સંતવાણી’ પુસ્તક]