સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગગુભાઈ પુનશી/અવળી દોરવણી
આપણા દેશમાં મોટા ભાગના માણસો જ્યોતિષશાસ્ત્રા ઉપર ઘણી શ્રદ્ધા રાખે છે. જ્યોતિષીઓની અવળી દોરવણીથી આજે હિંદુસ્તાનમાં પૂજા ને મંત્રોની પાછળ બેસુમાર વખત ને નાણાંનો ભોગ અપાઈ રહ્યો છે. આપણાં શાસ્ત્રો મુજબ નવ ગ્રહો એ અનંત શક્તિ ધરાવતા દેવતાઓ છે. વળી આ શાસ્ત્રો મુજબ પૃથ્વી સપાટ છે અને સૂર્ય સમેત નવ ગ્રહો પૃથ્વીની આસપાસ ફર્યા કરે છે. પરંતુ આધુનિક વિજ્ઞાને એ સાબિત કરી બતાવ્યું છે કે પૃથ્વી સપાટ નથી પણ ગોળ દડા જેવી છે, અને પૃથ્વી સમેત બધા ગ્રહો સૂર્યની આસપાસ ફર્યા કરે છે. આપણા શાસ્ત્રાકારોએ નવ ગ્રહોની શોધ કીધી છે, પરંતુ વિજ્ઞાને ત્યાર પછી બીજા કેટલાક ગ્રહ પણ શોધી કાઢયા છે — જેમકે યુરેનસ, નેપચ્યુન, પ્લુટો વગેરે. વિજ્ઞાનની શોધ મુજબ બધા ગ્રહો પૃથ્વીની જેમ જડ વસ્તુઓના બનેલા ગોળા છે. આ ગ્રહો દેવતાઓ નથી, એટલું ચોક્કસ છે. આ ગ્રહો સૂર્યની આસપાસ પોતાના પરિઘમાં ફર્યા કરે છે. પણ પોતાની મરજી મુજબ તે પરિઘમાં કશો ફેરફાર કરવાની શક્તિ તેમનામાં નથી. તેઓ ઉતાવળા કે ધીમા થઈ શકતા નથી. તેઓ ઇચ્છે તો પણ થોડો વિસામો લઈ શકતા નથી. તેઓ સ્વતંત્રા નથી, પરતંત્રા છે. કીડી નાની છે છતાં તેમાં જીવ છે, તેથી તે મોટા હિમાલયના માથા પર પગ મૂકી શકે છે. પણ હિમાલય કીડીના માથા ઉપર પગ મૂકી શકતો નથી, કારણ કે તે જડ છે. ઘણા જ્યોતિષીઓ રાશિઓ ઉપરથી ભવિષ્યફળ કહે છે. ઘણાં વર્તમાનપત્રો રાશિઓનાં ફળ છાપે છે. પરંતુ જ્યોતિષીઓનાં ભવિષ્યકથન એ પેટ ભરવાના ધંધા સિવાય બીજું કાંઈ જ નથી. કેટલાક મિત્રો કહે છે કે યુરોપ અને અમેરિકાના માણસો પણ જ્યોતિષમાં માને છે. આ મિત્રોને એટલું જ કહેવાનું કે યુરોપ-અમેરિકામાં કોઈ મૂરખાઓ નથી, એવું માની લેવાની જરૂર નથી. જ્યોતિષશાસ્ત્રા અને તેની રૂખમાં માનનારા લોકોની લાગણી આ લેખથી દુભાશે તે માટે હું તેમની ક્ષમા માગું છું; સાથે સાથે તેમને વિનંતી પણ કરું છું કે સત્ય શું છે તે જાણવા તેઓ પ્રયત્ન કરે. [‘પ્રબુદ્ધ જીવન’ માસિક : ૧૯૬૨]