સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગાંગજી શેઠિયા/અમૂલ્ય જડીબુટ્ટી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          કુદરતે સમગ્ર જીવસૃષ્ટિમાં કેવળ માણસને જ હસવાની અણમોલ ભેટ આપી છે. હાસ્ય સ્ફૂર્તિતદાયક અને શક્તિદાયક કુદરતી ઔષધ છે. જ્યારે મન મૂંઝાયેલું હોય, તનમાં તકલીફ હોય, કોઈક નિરાશાઓ ને હતાશાથી ઘેરાયેલા હો, ત્યારે તમે હાસ્યરૂપી રામબાણ ઔષધિનો પ્રયોગ કરો. આંખ અને કાન ઉઘાડા રાખી, રોજબરોજ બનતા પ્રસંગોમાંથી આ અદ્ભુત ઔષધિને ગોતતા રહો. એ પ્રસંગોને કલ્પનાના સાજ સજાવી મિત્રો અને સ્નેહીઓમાં એ હાસ્યની લહાણી કરો. વાતનું વતેસર નહીં, પણ હાસ્યનું વાવેતર કરો. મનોવૈજ્ઞાનિકોના મતે રોગો ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ ઘૂંટાયેલી હતાશા છે. હાસ્ય દ્વારા મનનો બધો જ તણાવ દૂર થાય છે. સાથે સાથે શરીરનાં અંગોપાંગો અને માંસપેશીઓને પણ એ બિનજરૂરી દબાણમાંથી મુક્ત કરે છે. થાક ધીરે ધીરે દૂર થવા લાગે છે ને સ્ફૂર્તિનો સંચાર થાય છે. હસવાથી શરીરમાં ઑક્સિજનનું પ્રમાણ વધે છે, રુધિરાભિષરણની પ્રક્રિયા સારી રીતે થાય છે, શ્વાસનળી અને ફેફસાંમાં ભરાઈ રહેલો જૂનો કફ નીકળી જાય છે, ફેફસાંની ઑક્સિજન લેવાની શક્તિ ચારથી છ ગણી વધે છે. હસવાથી છાતી અને પેટ વચ્ચે રહેલ ઉદરપટલ (ડાયાફ્રામ), આંતરડાં, લીવર, પેનક્રિયાઝ, જડબાં, પેટ અને બરડાના સ્નાયુઓ પહેલાં ખેંચાય છે અને પછી સંકોચાય છે. સ્નાયુઓને ઑક્સિજન-યુક્ત શુદ્ધ લોહી મળતાં તેમની કાર્યક્ષમતા વધે છે. હૃદય પણ મજબૂત બને છે. પ્રદૂષિત શહેરી હવામાનમાં ગળા અને ફેફસાંના રોગો સામાન્ય છે. હાસ્ય દ્વારા ફેફસાં તથા શ્વાસનળીને વ્યાયામ મળતાં જામેલો કફ છૂટો થાય છે અને શ્વસનતંત્રા સુચારૂરૂપે કામ કરે છે. અસ્થમાના રોગો માટે હાસ્યની આ નિર્દોષ કસરતો એ રામબાણ ઇલાજ છે. ખડખડાટ હસવાથી લિમ્ફોસાઈટીસ, ઇન્ડોર્ફિન્સ અને એનેફેફેલિન્સ નામનાં હોરમોનનો પિચ્યુટરી ગ્લાન્ડમાંથી સ્રાવ થવા લાગે છે. લિમ્ફો-સાઈટીસથી લોહીની રોગપ્રતિકાર શક્તિમાં વધારો થાય છે. ઇન્ડોર્ફિન્સ અને એનેફેફેલિન્સથી દર્દમાં રાહત મળે છે અને મન પ્રસન્નતા અનુભવે છે. હાસ્યથી યાદશક્તિ સુધરે છે. સાંધા અને સ્નાયુઓના દુઃખાવામાં ઘણી રાહત મળે છે. ચહેરાની કાંતિ વધે છે. લોહીમાં રક્તકણો વધે છે. ચહેરાની ચામડીના સ્નાયુઓની સ્થિતિસ્થાપકતા વધે છે અને ચહેરો ચુસ્ત થાય છે. હાસ્યથી પેટના નાજુક અવયવોને કસરત મળતાં પાચનશક્તિ સુધરે છે. હાઈબ્લડપ્રેશર, ટેન્શન, ડિપ્રેશન, નર્વસ બ્રેકડાઉન, અસ્થમા અને અનિદ્રા જેવા રોગોમાં હાસ્ય એક અત્યંત ઉપયોગી સારવાર પુરવાર થઈ શકે છે. હાસ્ય ઉપર વિશ્વભરમાં બહોળા પાયે સંશોધનો થયાં છે. નેશનલ કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ(અમેરિકા)ના જર્નલમાં એક રિપોર્ટ છપાયો છે. તે મુજબ ૧૦ દર્દીઓને સતત એક કલાક હાસ્યસભર વિડિયો-ટેપ બતાવવામાં આવી. જેમ જેમ દર્દીઓ હસતા ગયા તેમ તેમ દર્દીઓની રોગનિરોધક કોશિકાઓ વધવા લાગી. એમની લાળમાં સંક્રમણ વિરોધી પ્રોટીનનું પ્રમાણ વધ્યું હતું. ઇન્ટરફેરોન ગામા નામના હોર્મોનનું પ્રમાણ વધ્યું જે હીલિંગ કેમિકલ ગણાય છે. દર્દીઓ જેનાથી તાણ અનુભવે છે તે એપીનેફ્રીન હોર્મોનનું પ્રમાણ ઘટયું અને સાથે સાથે કુદરતી પીડાશામક ઇન્ડોર્ફિન્સ અને એનેફેફેલિન્સનું પ્રમાણ વધ્યું હતું. અમેરિકન પત્રાકાર અને લેખક નોર્મન કઝિન્સને રુમેટોઈડ આર્થરાઈટીસ નામનો અસાધ્ય રોગ થયો હતો. આધુનિક વિજ્ઞાન પાસે એ રોગની કોઈ જ દવા ન હતી. એનાં અંગોપાંગો જકડાવા લાગ્યાં હતાં. પછી એણે સૂતાં-સૂતાં થોકબંધ કોમેડી ફિલ્મો જોઈ, દિવસભર ખડખડાટ હાસ્ય એ કરતા રહ્યા. ફક્ત વિટામિન સીની ગોળી અને ખડખડાટ હાસ્ય દ્વારા એ સંપૂર્ણ સાજા થયા અને એની ફળશ્રુતિરૂપે જગતને બે સુંદર પુસ્તકોની ભેટ એમણે આપી. ‘એનેટૉમી ઑફ એન ઈલનેસ’ તથા ‘બાયૉલૉજી ઑફ હોપ’ હાસ્યચિકિત્સા-પદ્ધતિ અંગે સંશોધનો કરવા વિશ્વને પ્રેરણા આપતાં પુસ્તકો ગણાય છે. જાપાનમાં કહેવત છે કે “હસવામાં જેટલો સમય ગાળ્યો, તેટલો ઈશ્વરની સમીપે વિતાવ્યો.” ખરેખર, ખડખડાટ હાસ્ય કરતી વખતે માણસનાં હૃદય અને મન બાળક જેવાં નિખાલસ હોય છે. એ વખતે કોઈ પણ સારા-નરસા વિચારો મનમાં પ્રવેશી શકતા નથી. ધ્યાન ધરતી વેળા મનને નિર્વિચાર અવસ્થામાં લઈ જવામાં ખડખડાટ હાસ્ય ખૂબ મદદરૂપ થાય છે. ભરતમુનિના કથન પ્રમાણે ‘અથર્વવેદ’માંથી મુખ્યત્વે ચાર રસ — શૃંગાર, વીર, રૌદ્ર અને બીભત્સ આવ્યા છે. શૃંગારમાંથી હાસ્ય, વીરમાંથી અદ્ભુત, રૌદ્રમાંથી કરુણ અને બીભત્સમાંથી ભયાનક રસની ઉત્પત્તિ થઈ છે. આ બધામાં રસરાજનું માન તો હાસ્યરસને જ અપાય. કારણ કે હાસ્યરસ જન્મથી મૃત્યુ પર્યંત સાથ આપે છે, જ્યારે બીજા રસોનું એમ નથી. હાસ્ય ફક્ત આપણને પોતાને જ નહીં પરંતુ આપણા સંપર્કમાં આવનારા બધા લોકોને પ્રફુલ્લિત કરે છે. હાસ્ય દ્વારા ઉમંગ, આશા, ઉત્સાહ, સ્નેહ અને સૌમ્યતાનું સુમધુર વાતાવરણ સર્જાય છે. માનવમન મધુર કલ્પનાઓ, પાવન વિચારો અને સદ્ભાવનાથી સભર થાય છે. માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. નકારાત્મક વિચારો દૂર થતાં એનો પ્રભાવ આરોગ્ય પર પડે છે. અમેરિકામાં એ.ટી. એન્ડ ટી. ટેલિફોન કં., કોડાક કેમેરા કં. તથા આઈ. બી. એમ. કમ્પ્યુટર કં. પોતાની ઑફિસોમાં ખાસ હ્યુમર રૂમ રાખે છે. ભારતમાં લાફ્ટર ક્લબ ઇન્ટરનેશનલે પુણે નજીક આવેલી લીટાકાફાર્મા લિ.નાં ૧૫૦ કામદારોમાં હાસ્ય-કસરતો શરૂ કરાવી. તેવી જ રીતે મુંબઈમાં ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટસ ઑફ ઈન્ડિયાની ફેક્ટરીમાં આ હાસ્ય — કસરત કર્યા પછી ઉત્પાદનમાં વધારો થયો. કામદારો પ્રસન્ન ચિત્તે કામ કરવા લાગ્યા. મેનેજરથી કારકુન ને પ્યૂન સૌ સાથે હસીને દિવસ શરૂ કરતાં, તેથી કુટુંબભાવનાનો વિકાસ થયો, સ્ટાફના અંગત સંબંધો સુમેળભર્યા થયા. આટલા બધા લાભો છતાં જેમને નીચે મુજબ તકલીફો હોય તેમણે આ હાસ્ય— કસરતો કરવી નહીં : (૧) ઝામર, (૨) સારણગાંઠ, (૩) દૂઝતા હરસ, (૪) છાતીમાં દુઃખાવો, (૫) ગર્ભવતી મહિલાઓ, (૬) ગર્ભાશય નીચે આવી ગયું હોય અથવા પેશાબ પર નિયંત્રાણ ન રહેતું હોય, (૭) શરદી, ફ્લુ કે વાયરલ ઇન્ફેક્શન હોય. ભોજન પછી ઓછામાં ઓછા બે કલાક હાસ્યની કસરતો ન કરાય. આવો, આપણે સૌ એ હાસ્યદેવતાને, શિવાનંદ આશ્રમના સ્વામી અધ્યાત્માનંદજીની પ્રાર્થના દ્વારા પ્રણામ કરીએ : ।।श्री हास्य देवाय नम: ।। हास्यं ब्रह्मा, हास्यं विष्णुर, हास्य देवो महेश्वर:। हास्यं साक्षात पर ब्रह्म, तस्मै श्री हास्याय नम:।। या देवी सर्वभूतेषू हास्यरूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै हास्य देव्यै नमो नम:।। ॐ श्री स्मिताय नम:, श्री हसिताय नम:। श्री विहसिताय नम:, श्री अवहसिताय नम:।। ॐ हास्य सम्राट पुरुषोत्तमाय नम:। ॐ हास्यमद: हास्यमादाय हास्यमेवाव शिष्यते।। ॐ शान्ति: शान्ति: शान्ति:। [‘પ્રબુદ્ધ જીવન’ માસિક : ૨૦૦૦]