સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગાર્ગી વૈદ્ય/બુરખાની અંદર, પણ ઘરની તો બહાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          મુસ્લિમ સ્ત્રીઓ માટે, બુરખામાંથી નીકળવું એ મુકિતનું લક્ષણ મનાયું હતું. કેટલીક મુસ્લિમ સ્ત્રીઓએ બુરખાનો ત્યાગ પણ કર્યો. બુરખામાં હોવા છતાં કેટલીક મુસ્લિમ સ્ત્રીઓ અસરકારક સામાજિક-રાજકીય ભૂમિકા ભજવી રહી હોવાના અહેવાલ મળ્યા છે. ૨૦૦૨ના ફેબ્રુઆરીથી મેની ગુજરાતની કારમી કત્લેઆમના દિવસો દરમિયાનનું હૈદરાબાદ શહેર. માર્ચની ૧૩મી તારીખ. વાતાવરણમાં ભયંકર ધૂંધવાટ. એ ધૂંધવાટ ક્યારેક ભડકો થઈ ઊઠે એવી આશંકા. દિવસ શુક્રવારનો હતો. હૈદરાબાદના વિખ્યાત ચાર મિનાર નજીક મક્કા મસ્જિદમાં મુસ્લિમો નમાજ માટે એકત્રિત થયા હતા. રાજ્યશાસનને ડર લાગી ગયો કે ગુજરાતની કત્લેઆમના માહોલમાં મળેલી આ મેદની કદાચ ‘અનિચ્છનીય’ વળાંક લઈ બેસે. એવા બનાવની ‘અટકાયતરૂપે’ પ્રશાસને ઢગલો એક પોલીસ ખડકેલી. રાજ્યમાં એ વેળા શાસન એવા લોકોનું હતું જેમને ગુજરાતના રક્તપાતમાં હિસ્સો લેનારાઓ સાથે પાકી દોસ્તી. એટલે પેલા નમાઝીઓ બહાર નીકળીને જો લગીરેય કાંકરીચાળો કરે તો પોલીસની ગોળીઓથી સંખ્યાબંધ લાશો ઢળે. કેટલાક ગરમ લોહીના જુવાનો પથ્થર ફેંકવાના મૂડમાં જ હતા. એ પથ્થર ઉપાડતા આગળ વધ્યા. સામે બંદૂકો ઊપડી પણ... પણ એ જ વેળા બાજુની શેરીઓમાંથી બુરખાધારી સ્ત્રીઓનાં ટોળાં નીકળી આવ્યાં. પાંચસો-સાતસો જેટલી સ્ત્રીઓ માર્ગો પર આવી ગઈ અને પોલીસ તથા જુવાનિયાઓની વચ્ચે ખડી રહી ગઈ. એમણે પોતાના દીકરાઓને આદેશ આપ્યો: પથ્થર છોડી દો! થોડી ઘડી આંગળાં પથ્થર પર ચંપાતાં રહ્યાં. થોડી ઘડી તર્જનીઓ બંદૂકના થોડા દબાવવા ચંચળ થતી રહી. પણ પછી... પછી પથ્થર છૂટી ગયા. છોકરાઓ નીરવપણે ઘર ભણી ચાલ્યા ગયા. બુરખાધારી સ્ત્રીઓએ તે દિવસે રક્તપાત અટકાવ્યો હતો. સ્ત્રીઓ ભલે બુરખામાં હતી, પરંતુ એમણે એક નૈતિક વિજય મેળવ્યો હતો. આ બધી બહેનો ‘કોવા’ (Cova-કન્ફેડરેશન ઓફ વોલન્ટરી એસોસિયેશન્સ) નામના સ્વૈચ્છિક સંસ્થાઓના સમવાયની સભ્ય હતી. આટલી સ્ફોટક પરિસ્થિતિમાં સ્ત્રીઓ આટલી મોટી સંખ્યામાં બહાર આવી અને શાંતિ જાળવવા તથા રક્તપાત નિવારવા એમણે જે મક્કમતા દાખવી, તે હૈદરાબાદના મુસ્લિમ સમાજ માટે વિરલ ઘટના હતી. આજકાલ જે કોઈ હૈદરાબાદની મુલાકાતે આવે છે તે એક મુદ્દો નોંધે છે. તેઓ કહે છે કે, હૈદરાબાદના માર્ગો પર આટલી બધી બુરખાધારી સ્ત્રીઓ અમે કદી જોઈ નથી! વધુ ને વધુ મુસ્લિમ સ્ત્રીઓ ઘરની બહાર નીકળી રહી છે! છોકરીઓને, યુવતીઓને, મહિલાઓને જવલ્લે જ ઘરની બહાર નીકળવા મળતું, એને સ્થાને હવે જથ્થાબંધ સંખ્યામાં બહાર નીકળી શકાય છે. સ્કૂલોમાં, કોલેજોમાં, સ્ત્રીઓ માટેની તાલીમ સંસ્થાઓમાં, સ્વૈચ્છિક સેવા સંગઠનોમાં, નોકરીઓમાં... અગાઉ ક્યારેય નહોતી નીકળી એટલી હૈદરાબાદી મુસ્લિમ સ્ત્રીઓ ઘર બહાર નીકળી છે. સમગ્ર શરીરને ઢાંકતો બુરખો કેટલીક સ્ત્રીઓ માટે એક ખાસ પ્રકારે આશીર્વાદરૂપ છે. એવા અસંખ્ય મુસ્લિમ પરિવારો છે જેમના સ્ત્રીવર્ગ પાસે માત્ર થાગડથીગડ કે રંગ ઊતરી ગયેલ વસ્ત્રો છે. એવાં વસ્ત્રોમાં બહાર નીકળવું શરમજનક બની શકે. આવી મહિલાઓ માટે બુરખો એક પ્રકારના ઢાંકણરૂપ બની રહે છે! મુસ્લિમ સ્ત્રીઓ વિશેનું આજનું પ્રોત્સાહક સત્ય એ છે કે એ ભણી રહી છે. તવંગર પણ ભણે છે અને રંક છોકરીઓ પણ ભણે છે. વધારે ને વધારે સ્ત્રીઓ ઘરગથ્થુ અને સામાજિક મામલાઓમાં સક્રિયતા દાખવી રહી છે. આવાં પરિવર્તનો માટેનું એક બળ વિદેશોમાં જઈને કમાણી કરતા યુવકોએ પૂરું પાડ્યું છે. આ યુવકો ઇચ્છે છે કે પોતે પરદેશ હોય એ દરમિયાન ઘેર કાંઈક ગણિત જાણતી, પત્રવ્યવહાર કરતી, બૅન્કોના વ્યવહાર સમજતી પત્ની હોય. વળી, આ જુવાનો પરદેશથી જે કમાણી ઘેર મોકલે છે, એણે પણ પરિવર્તન પ્રેર્યું છે. વિદેશથી મોકલાયેલાં નાણાંએ સ્થાનિક કક્ષાએ ધંધાઉદ્યોગમાં નાણાં રોકવાની ક્ષમતા જગાડી છે. હૈદરાબાદના મુસ્લિમોએ અગાઉ કદી ચંચુપાત પણ નહોતો કર્યો એવા વેપાર-ધંધામાં એમની ગતિ થવા લાગી છે. ધંધાની કમાણી પણ અગાઉ કરતાં જુદા પ્રકારની જીવનશૈલી પ્રેરે છે, જેમાં દીકરીઓના શિક્ષણનો સમાવેશ થાય છે. આંધ્રમાં મુસ્લિમ કન્યાકેળવણીનું પ્રમાણ અવશ્ય વધી રહ્યું છે. વિદેશની કમાણી અને ધંધા-ઉદ્યોગમાં પ્રવેશ પછીનું કન્યા-કેળવણીને પ્રોત્સાહક બળ કોમી શાંતિ છે. કોમી શાંતિનો એક ખાસ અર્થ છે દીકરીઓની સલામતી. આને લીધે માતાઓ પોતાની દીકરીઓને ભણવા મોકલી શકે છે. એ દીકરીઓ ભલેને બુરખામાં જતી—પરંતુ ભણવા જાય છે ને! પચાસના દાયકામાં હૈદરાબાદને હિન્દી સંઘમાં ભેળવવામાં આવ્યું તે અગાઉ અહીં નિઝામશાહી હતી. રાજ્યપલટો થતાં જ અચાનક રાજ્યની નોકરી કરતા ઘણા મુસ્લિમો બેકાર થઈ ગયા. સ્ત્રીઓએ પણ પાઇ-પૈસો રળવો પડે. આજે હૈદરાબાદની બહેનો પણ ઉદ્યોગ-ધંધા-કારીગરીની તાલીમ લઈને આવક કમાવા લાગી છે. એ પોતાનાં સંતાનોને ભણાવવા માગે છે. અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવા માગે છે. આવી બહેનોની દીકરીઓ ભલે બુરખામાં નીકળે, પરંતુ જાય છે આધુનિક શિક્ષણ લેવા. એવું જ વ્યવસાયલક્ષી શિક્ષણનું છે. આ પ્રકારની તાલીમ આપનાર એક શિક્ષકે જણાવ્યું કે ૧૯૭૩માં આવી એક સંસ્થામાં પોતે જોડાયા ત્યારે ઘેર ઘેર ફરીને ખૂબ આગ્રહ કરવા છતાં દીકરીઓને મોકલવા કોઈ તૈયાર થતું નહોતું. આજે એટલી બધી છોકરીઓ તાલીમ માટે પ્રવેશ માગે છે કે ક્યાં સમાવવી એ સવાલ થાય છે. એ દિવસોમાં આવી તાલીમ લેનાર દીકરીઓને ક્યાંય કામ મળતું હોય તોય વાલીઓ બહાર જવા ન દેતાં. આજે એ છોછ તૂટી ગયો છે. દીકરીઓ નોકરીઓ કરવા જાય છે—ભલે બુરખામાં; પણ જાય છે! [‘નયા માર્ગ’ પખવાડિક: ૨૦૦૫]