સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગિજુભાઈ બધેકા/ગિજુભાઈની વાર્તાઓ
પેમલો અને પેમલી
એક હતો પેમલો ને એક હતી પેમલી.
લાકડાં કાપવાથી થાકીપાકીને એક સાંજે પેમલો ઘેર આવ્યો. તેણે પેમલીને કહ્યું: “પેમલી! આજ તો થાકીને લોથ થઈ ગયો છું. જો મને પાણી ઊનું કરી આપે તો નાહીને પગ ઝારું અને થાક ઉતારું.”
પેમલી કહે: “કઈ નભાઈ ના કહે છે? લો, પેલો હાંડો ઊચકો જોઈએ!”
પેમલાએ હાંડો ઊચક્યો ને કહે: “હવે?”
પેમલી કહે: “હવે બાજુના કૂવામાંથી પાણી ભરી આવો.”
પેમલો પાણી ભરી આવ્યો ને કહે: “હવે?”
પેમલી કહે: “હવે હાંડો ચૂલે ચડાવો.”
પેમલાએ હાંડો ચૂલે ચડાવ્યો ને કહે: “હવે?”
પેમલી કહે: “હવે લો લાકડાં અને સળગાવો.”
પેમલાએ લાકડાં સળગાવ્યાં ને કહે: “હવે?”
પેમલી કહે: “હવે ફૂંક્યા કરો; વળી બીજું શું?”
પેમલાએ ચૂલો ફૂંકીને તાપ કર્યો ને કહે: “હવે?”
પેમલી કહે: “હવે હાંડો નીચે ઉતારો.”
પેમલાએ હાંડો નીચે ઉતાર્યો ને કહે: “હવે?”
પેમલી કહે: “હવે હાંડો નાવણિયામાં મૂકો.”
પેમલાએ હાંડો નાવણિયામાં મૂક્યો ને કહે: “હવે?”
પેમલી કહે: “જુઓ, હવે નાહી લો.”
પેમલો નાહ્યો ને પછી કહે: “હવે?”
પેમલી કહે: “હવે હાંડો ઠેકાણે મૂકો.”
પેમલાએ હાંડો ઠેકાણે મૂક્યો. પછી શરીરે હાથ ફેરવતો ફેરવતો બોલ્યો: “હાશ! જો, શરીર કેવું હળવુંફૂલ થઈ ગયું! રોજ આમ પાણી ઊનું કરી આપતી હો તો કેવું સારું?”
‘લખ્યા બારું’
એક હતો વાણિયો. વાણિયો હતો ભલોભોળો, પણ કાળજાગાંડો.
નાની એવી હાટડી રાખે. તેમાં દાળિયા, મમરા ને રેવડી એવું એવું વેચે ને સાંજ પડ્યે પેટજોગું રળે.
એક વાર રાતે હાટડી બંધ કરી તે ઘેર જતો હતો. ત્યાં રસ્તામાં તેને ચોર મળ્યા.
વાણિયો ચોરને કહે: “અલ્યા, મોડી રાતે કોણ છો?”
ચોરો કહે: “કેમ ભાઈ! અમે તો વેપારી છીએ. ધમકાવી બિવરાવે છે શાનો?”
વાણિયો કહે: “અલ્યા, પણ અત્યારે મોડી રાતે ક્યાં ચાલ્યા?”
ચોરો કહે: “જઈએ છીએ તો માલ ખરીદવા.”
વાણિયો કહે: “રોકડે કે ઉધાર?”
ચોરો કહે: “રોકડેય નહિ ને ઉધારેય નહિ. પૈસા જ દીધા વિના.”
વાણિયો કહે: “ત્યારે એ વેપાર બહુ સારો! મને તમારી સાથે લેશો?”
ચોરો કહે: “ચાલ ને ભાઈ! ખુશીથી ચાલ. તનેય તે લાભ થશે.”
વાણિયો કહે: “એ તો ઠીક. પણ વેપાર કેમ કરવો એ તો સમજાવો!”
ચોરો કહે: “લે, લખ કાગળમાં: કોઈના ઘરની પછીતે...”
વાણિયો કહે: “લખ્યું: કોઈના ઘરની પછીતે...”
ચોરો કહે: “લખ: હળવે હળવે બાકું પાડવું...”
વાણિયો કહે: “લખ્યું: હળવે હળવે બાકું પાડવું...”
ચોરો કહે: “લખ: ધીમે ધીમે ઘરમાં જવું...”
વાણિયો કહે: “લખ્યું: ધીમે ધીમે ઘરમાં જવું...”
ચોરો કહે: “લખ: જે જોઈએ તે ભેગું કરવું...”
વાણિયો કહે: “લખ્યું: જે જોઈએ તે ભેગું કરવું...”
ચોરો કહે: “લખ: ન ઘરધણીને પૂછવું ને ન પૈસા દેવા...”
વાણિયો કહે: “લખ્યું: ન ઘરધણીને પૂછવું કે ન પૈસા દેવા...”
ચોરો કહે: “લખ: લઈને ઘર ભેગા થઈ જવું.”
વાણિયો કહે: “લખ્યું: લઈને ઘર ભેગા થઈ જવું.”
વાણિયો તો કાગળમાં બધુંય લખતો રહ્યો ને પછી કાગળ ખિસ્સામાં નાખ્યો.
ચોરો એક ઘરમાં ચોરી કરવા ગયા ને વાણિયો બીજાના ઘરમાં ચોરી કરવા ગયો. ત્યાં વાણિયાએ બાકસ સળગાવી કાગળિયું વાંચ્યું:
“કોઈના ઘરની પછીતે
હળવે હળવે કાણું પાડવું;
ધીમે ધીમે ઘરમાં જવું;
ન ઘરધણીને પૂછવું
ને ન પૈસા દેવા;
લઈને ઘર ભેગા થઈ જવું.”
વાણિયાએ તો બરાબર કાગળમાં લખ્યા પ્રમાણે કર્યું. પહેલાં પછીતે કાણું પાડ્યું; પછી એ હળવે હળવે ઘરમાં ગયો; પછી એક કોથળો શોધી તેમાં પિત્તળનાં નાનાંમોટાં વાસણો નિરાંતે ભરવા લાગ્યો. એમ કરતાં કથરોટ નીચે પડી ને અવાજ થતાં ઘરનાં જાગી ઊઠ્યાં.
વાણિયાને પકડ્યો ને સૌ તેને માર મારવા લાગ્યાં.
માર ખાતાં ખાતાં વાણિયાએ પોતાના ખિસ્સામાંનું કાગળિયું કાઢ્યું ને જેમતેમ વાંચી લીધું.
વાણિયો તો કૂદતો જાય ને બોલતો જાય:
“એ ભાઈ, આ તો લખ્યા બારું; એ ભાઈ, લખ્યા બારું છે!”
બધાં વિચારમાં પડ્યાં ને મારતાં અટકી જઈ એને કહે: “એલા, આ શું બોલે છે?”
વાણિયો કહે: “લો આ કાગળિયું. લખ્યું છે એમાં ક્યાંય માર ખાવાનું? આ તો તમે લખ્યા બારું કરો છો!”
વહતા ભાભા
નાનું એવું ગામડું હતું. એમાં બધીય વસ્તી અજડ; કંઈ સમજેય નહિ ને સુણેય નહિ. એકેય ચીજને ઓળખેય નહિ ને કોઈને કોઈનું નામેય ન આવડે. એક વખત ચોમાસામાં એક મહોલ્લામાં દેડકું આવ્યું. જન્મારામાં દેડકું કોઈએ દીઠેલું નહિ, એટલે આખા ગામના માણસો એકઠા મળ્યા. સૌ વાંકા વળીને નીરખી નીરખીને જોવા લાગ્યા. એ શું હશે તે કોઈ કળી ન શક્યું. ત્યારે બહુ વારે એક બોલ્યો: “આ તે શું હશે માળું?”
ત્યારે બીજો કહે: “અરે ભાઈ! એ તો બગલું હશે, બગલું! તમને શી ખબર પડે?” ત્યાં વળી ત્રીજો કહે: “અરે ભાઈ! વગર વિચાર્યે કાં બોલો? એ તો ભાઈ શિયાળ હશે શિયાળ! ચોમાસું છે એટલે વગડામાંથી આવી ચડ્યું હોય!”
ત્યાં તો એકે કહ્યું: “અરે ભાઈ! બોલાવો ને આપણા વહતા ભાભાને! જેવું હશે એવું કહેશે. એ ઘરડું માણસ છે. એમણે ઘણાં ચોમાસાં જોયાં છે. એમણે બધું જોયુંજાણ્યું હશે. આપણે તે શું સમજીએ? એમને જ પૂછીએ.”
એક જણ વહતા ભાભાને બોલાવવા દોડ્યો. વહતા ભાભા તો રાડો નાખતા આવ્યા: “અલ્યાઓ, હવે તો કંઈ શીખો! આખો જન્મારો હું કંઈ બેસી રહેવાનો છું, તે તમને બધું કહ્યા કરીશ? જીવીજીવીને હું હવે કેટલું જીવવાનો? એદીપણું મૂકી દો. કંઈ શીખો.”
પછી દેડકાને જોઈ વહતા ભાભા બોલ્યા: “ઓહો! આમાં તે શું? નાખો ને ચપટી દાણા; ચણે તો ચકલું, નહિ તો મોર તો ખરો!”