zoom in zoom out toggle zoom 

< સમગ્ર અરધી સદીની વાચનયાત્રા

સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગિજુભાઈ બધેકા/પુસ્તકાલય એટલે મહાશાળા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

         

પુસ્તક સ્વતઃ શિક્ષાગુરુ છે અને પુસ્તકાલય એ શાળા છે. શાળામાં માણસ જ્ઞાન લેવાનું સાધન માત્રા મેળવે છે, પણ પુસ્તકાલયમાં જઈને તો તે ખુદ જ્ઞાન મેળવે છે.

એક સારું પુસ્તકાલય શિક્ષકોની ગરજ સારે છે. શિક્ષકની જેમ પુસ્તકાલય વિદ્યાર્થીઓને ધમકાવતું નથી, શિસ્ત પળાવતું નથી, ખોટી સ્પર્ધામાં ઉતારતું નથી, પરીક્ષાનો ભય પેદા કરતું નથી. તે પ્રેમથી, વિનયથી, રસ વડે તેમાં આવનારને ભણાવે છે.

હરેક શાળામાં પુસ્તકાલય એક અધિક શિક્ષણ તરીકે ગણવું જોઈએ અને શિક્ષકે પોતે બધો વખત શીખવવાનો મમત રાખવા કરતાં વિદ્યાર્થીઓને પુસ્તકાલયમાં વધારે ને વધારે છૂટા મૂકવા જોઈએ.

પુસ્તકાલયરૂપી શાળા ગામેગામ અને લત્તેલત્તે સ્થપાવી જોઈએ. શિક્ષકને ભણાવવાની મહેનત લેવી પડે છે. જ્યારે પુસ્તકોને જ્ઞાન આપવાની મહેનત લેવી પડશે નહિ, માત્રા વારંવાર વંચાઈને ફાટવું પડશે. શિક્ષકની ચોક્કસ હાજરી સિવાય ભણતર સંભવિત નથી. તેને બદલે પુસ્તકાલયનાં બારણાં ચોવીસ કલાક ઉઘાડાં રાખીશું તો ચોવીસેય કલાક શિક્ષણ ચાલશે.

વ્યવસ્થા, શાંતિ, સભ્યતા તથા વિનયનું શિક્ષણ આપવાનો પ્રબંધ પણ પુસ્તકાલય કરી શકશે. પુસ્તકો કેમ વાપરવાં, કેવી રીતે વાંચવું, વાંચનારા પ્રત્યે કેમ વર્તવું, આવ-જા કેમ કરવી, વાતચીત કેમ કરવી વગેરે શીખવવામાં આપોઆપ ઘણી કેળવણી આવે છે.