સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગિજુભાઈ બધેકા/મૂળ નાનપણમાં
મને અંકગણિત ગમતું નથી. મહેનત કરીને શીખ્યો હતો તેટલું પાછું ભૂલી ગયો છું.
એક વાર ગુજરાતી બીજા ધોરણમાં ગણિત શીખવાતું હતું. શિક્ષક પાટિયા પર દાખલો શીખવતા હતા; છોકરાઓ મોં ફાડી સામે જોઈ રહ્યા હતા. એક છોકરો ઝોકે ગયો ને શિક્ષકે ચાકનો ઘા કર્યો. તેને ચાક લાગ્યો. એ છોકરો તે હું.
ગણિતના અણગમાનું દૂર દૂરનું અને પહેલું કારણ આ શિક્ષા તો નહિ હોય? પછીથી તે વિષય ગમાડવાના પ્રયત્નોની સામે આ મૂળ વિરોધ કામ નહિ કરતો હોય? મને તો એમ લાગે છે. કારણ ગણિત સામે મારે બીજી રીતે વેર નથી. અક્ષરગણિત અને ભૂમિતિ મને પ્રિય છે; પણ શિક્ષકે જ મને અંકગણિતનો દ્વેષ્ટા બનાવ્યો છે.
આપણી અત્યારની પસંદગી-નાપસંદગી અગર ગમા-અણગમા પાછળ નાનપણના કેવા કેવા કડવા-મીઠા અનુભવો હશે, તે આપણે ખોળવા જોઈએ. આપણે અત્યારે છીએ તેનાં મૂળ નાનપણમાં છે. નાનપણમાં આપણે બંધાઈએ છીએ. બાળકોને કડવા-મીઠા અનુભવો કરાવીએ તે પહેલાં વિચારીએ કે તેની કેવી દૃઢ અસર આખર સુધી રહી જાય છે.
[‘શિક્ષક હો તો’ પુસ્તક]