સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગિજુભાઈ બધેકા/“આ તે શી માથાફોડ!”

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ‘એ....પણે બાપુ આવે!’ ૧ “એ....પણે બાપુ આવે. હેઈયાં!” “ચાલો ત્યારે, હવે પછી વાંચશું.” “આજે મારે બાપુને મેં ગોઠવેલી જોડાની હાર બતાવવી છે — બાપુ કહેશે, સરસ છે.” “ઊભો રહે, માટીનાં રમકડાં બનાવ્યાં છે તે મેડી ઉપરથી લઈ આવું.” “જો તો જરા, આ બાંય ચડાવી દેને! મારા હાથ શાહીવાળા છે, બાપુનો ખડિયો ને હોલ્ડર સાફ કરું છું.” “પેલી બાપુની ચોપડીમાં નિશાન મૂક્યાં કે? એ ચિત્રો બાપુને બતાવવાનાં છે.” ૨ “એ...પણે બાપુ આવે!” “જા જા, ઝટ ચોપડી લઈને બેસી જા, નહીંતર બાર વાગ્યા સમજજે!” “એલા, આ તારા જોડા રસ્તામાંથી ઉપાડી લે, બાપુ ભાળશે તો લગાવશે!” “કોણ, બાપુ આવે છે કે? ચાલ, મને ઝટ ઝટ હાથ ધોઈ લેવા દે! કહેશે કે, ગારાવાળા કેમ કર્યા?” “એ રુખી, સરખું માથે ઓઢ; જો બાપુ દેખાયા! કાલે કાન ખેંચ્યો હતો, તે ભૂલી ગઈ?” “એલા, મૂકી દે ઈ બાપુની ચોપડી. બાપુએ નો”તું કીધું કે, જો કોઈ અડયા છો તો...!”

તમને હોંશ થઈ તમને હોંશ થઈ કે આપણે બાળકને માટે કંઈક કરવું તો જોઈએ. તમે કંઈક એક જ વસ્તુ કરવા માગો છો. તો શું કરશો? છોકરાંને મારવાં નહીં. ધારો કે તમે કંઈક બે વાનાં કરવા માગો છો. તો શું કરવું? બાળકને વઢવું નહીં; તેનું અપમાન કરવું નહીં. ધારો કે તમારે કંઈક ત્રાણ કરવાં છે. તો શું કરવું? — તો બાળકને બિવરાવવું નહીં; બાળકને લાલચ આપી સમજાવવું નહીં; બાળકને ભા-બાપા કરી ચડાવવું નહીં. ધારો કે બાળકને માટે ચાર કંઈક કરવા ધારો છો. તો શું કરવું? — તો બાળકને વારેવારે શિખામણ દેવી નહીં; વારે વારે હુલાવવું-ફુલાવવું નહીં; વારે વારે વાંક કાઢયા કરવો નહીં; વારે વારે રોફ છાંટવો નહીં. ધારો કે તમે પાંચ કંઈક કરવા હોંશ રાખો છો. તો શું કરવું? — તો બાળકને માગે તે કરી દેવું નહીં, પણ તે કરતાં શીખવવું; બાળકને તે જે કરવા માગે તે કરવા દેવું; બાળકના કામને હલકું ગણવું નહીં; બાળકના કામમાં વચ્ચે પડવું નહીં; બાળકનું કામ લઈ લેવું નહીં.

નાહકનું શું કામ? ૧ હું દેવદર્શને ગયેલો. બાએ છોકરીને કહ્યું : “જે-જે કરો, બેટા, જે-જે કરો!” છોકરી તો દીવા જોતી હતી. છોકરીના હાથ પકડીને બાએ જે-જે કરાવ્યા. છોકરીએ નમીને જે-જે કર્યા. બા ખુશ થઈ. મને થયું : નાહકનું શું કામ? ૨ રામચંદ્રને ત્યાં જઈ ચડ્યો. રામચંદ્રે દીકરાને બોલાવી ઓળખાણ કરાવીને કહ્યું : “પેલું નવું ગાયન ગા જોઈએ!” છોકરાને ગાવું ન ગમ્યું. તે ઊભો રહ્યો. રામચંદ્ર કહે, “કેમ, ગાને? આ તો કાકા છે.” મેં કહ્યું : “જવા દ્યોને! રમવા દ્યો.” રામચંદ્ર કહે : “અરે! એ તો હમણાં ગાશે. સુંદર ગાય છે!” છોકરે ગાયું નહીં. રામચંદ્ર કહે : “કેમ રે, ગાય છે કે? આ શું! મોટાનું માનતો નથી?” મેં કહ્યું : “જવા દ્યોને, છોકરાં છે.” રામચંદ્ર ખિજાઈ ગયા. છોકરાને લગાવી દીધી. “માનતો નથી?” છોકરે ગાવાને બદલે રુદન કર્યું. મને થયું : આ નાહકનું શું કામ?

બે છોકરા પુનો અરધે ઉઘાડે ડિલે તડકામાં આથડે છે ને ટાઢ ઉડાડે છે... ઉષાકાન્ત શરીરને ગરમ કપડાંથી લપેટીને સગડી પાસે બેઠો છે. પુનો પાસે આવેલા કૂતરાને ઝટ કરતો હાથમાં પથરો લઈને હાંકી કાઢે છે... ઉષાકાન્ત કૂતરો જોઈ રડતો રડતો પાછો ભાગી બાને બોલાવે છે. પુનો ખોબો વાળી ઉપરથી રેડાતું પાણી ઘટક ઘટક પી જાય છે... ઉષાકાન્ત પાણી પીતાં પીતાં પ્યાલું ઢોળે છે ને લૂગડાં પલાળે છે. પુનો સવારે અડધો રોટલો ને છાશ શિરાવે છે, ને બપોર પહેલાં ભૂખ્યો થાય છે... ઉષાકાન્તને દૂધ ભાવતું નથી, ને ચહાનો એક પ્યાલો લીધા પછી બપોર સુધી ભૂખ્યો થતો નથી. પુનો દોડાદોડ સાત ટાપલીઓ દાવ રમે છે ને કેમેય કરી હાથમાં આવતો નથી... ઉષાકાન્ત રમવાની જ ના પાડે છે, કહે છે : “હું તો પડી જાઉં.” પુનો કરોળિયા જાળાં ક્યાં બાંધે છે તે શોધવા જાય છે. તે કાબરનાં ઈંડાંને શોધી જાણે છે. આંબે ચડીને કેરી ઉતારતાં એને આવડે છે; ભેંશે ચડીને ઢોરને પાણી પાવા જતાં આવડે છે; અંધારામાં તારાને અજવાળે ચાલતાં આવડે છે... ઉષાકાન્ત ઘરમાં બેઠો બેઠો કરોળિયાની ને કાબરનાં ઈંડાંની વાતો વાંચે છે; આંબાના ને તારાના પાઠોની નકલ કરતાં તેને સારી આવડે છે; તેના અક્ષર સારા છે.

બે રીતો ૧ કેમ બા, રમીને આવી કે? આજ શેની રમત રમ્યાં? લે, જરા કામમાં મદદ કરીશ કે? આ એક એંઠવાડ પડયો છે તે તું કાઢ, ત્યાં હું શાક સમારું; ને પછી આ ધોયેલાં કપડાં સંકેલી નાખ, એટલે આપણે બેય ફરવા જઈએ. આજ તને કાંઈ લેસન આપ્યું છે? આજે વાળુ કરીને લેસન વહેલું કરી લેજે; પછી આપણે સવાર માટે દાળ વીણી કાઢશું. પહેલું લેસન કરી લે એટલે પછી નિરાંત. ૨ આ રખડીને આવી! કામ નહીં, કાજ નહીં, ને દી આખો રખડ રખડ! લ્યો, હવે એંઠવાડ કાઢો. આ સવારની સંજવારી પડી છે, તે કોણ કાઢશે? આ લૂગડાં તો બધાં રખડે છે! જરાક ભેગાં કરીને તો મેલ! એક ભણતાં આવડયું છે, ને એક પટપટ જવાબ દેતાં આવડયું છે! મારે ઇ ભણતર નથી જો”તું. જઈશ મા કાલથી ભણવા; ને જાવું હોય તો પહેલું કામ ને પછી ભણતર!

૧ “એ છોકરા! આ વાળ તો સરખા રાખ! વાઘરા જેવો લાગે છે.” “સુશીલા! અત્યારમાં આ ક્યાં આદર્યું? મૂક કોરે! બીજો ધંધો છે કે?” “જોને! ઘરમાં સૌનાં કપડાં રખડે છે. આ તે ઘર છે કે ધોબીની દુકાન છે?” “એ છોકરા! અત્યારે આ રડવા ક્યાં લાગ્યો? — આ બપોર ટાણે તેં તો માથું પકવ્યું!” “જોને, માથું ઓળતાં આવડયું છે?” “જોને, હાથ કાંઈ ધોયા છે! — આ ધૂળ તો ચોંટી છે.” “જોને, ખાતાં ખાતાં કાંઈ એઠું પાડ્યું છે!” “આ ચોપડીઓ તો ઊંધી ગોઠવી છે — જો ચોપડીઓ ગોઠવી!” “જોને, ચાંદલો કરતાં આવડયો છે? ક્યાં જાતો ઊંચો કર્યો છે!” “વાળ્યું ખરું — પણ પગે તો ધૂળ ચોંટે છે!” “ચોખા બધા દઝાડી દીધા! ધ્યાન રાખે છે?” ૨ “બચુ, વાળ તો કોઈએ સરસ કાપ્યા છે! હવે એ ઓળવાથી વધારે સરસ લાગશે.” “ચાલ તો, આ કપડાં ઉપાડી લઈએ. બધાં ધૂળે ભરાય છે; જરા મૂકી દઈએ.” “અરે ભાઈ, આમ આવ. જો, સંગીત તો સાંજે કે સવારે શોભે; અત્યારે બપોરે જરા વાંચીએ-લખીએ.” “માથામાં તેલ સરસ નાખ્યું છે!” “કાલે તો આના કરતાં વધારે પડ્યું હતું; હવે ખાતાં આવડતું જાય છે!” “વાહ! આ ગોઠવણ તો સારી થઈ છે. આ ચોપડી જરા આમ મૂકું?” “હવે ચાંદલો તું હાથે કરતાં શીખી. હવે ઠીક થશે.” “ઠીક વાળ્યું છે; બીજી વાર વાળશો એટલે બધી ધૂળ વહી જશે.” “ઠીક થયું, ચોખા વહેલા ઉતાર્યા. નહીંતર સાવ દાઝી જાત! કાલથી વધુ ધ્યાન રાખજે.” [‘આ તે શી માથાફોડ!’ પુસ્તક]