સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગિરીશ ગણાત્રા/જ્ઞાનયજ્ઞનો આચાર્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          છપ્પન વર્ષના મનુભાઈને કોઈ શોખ હોય તો તે એક જ — વાંચવાનો, ખૂબ ખૂબ વાંચવાનો અને શ્રેષ્ઠ સાહિત્યનું આચમન કરવાનો. જગતનાં ઉત્તમ પુસ્તકો એ વાંચતા અને સંઘરતા. આમ જુઓ તો એનો અભ્યાસ કંઈ જ નહિ. એમને જો પૂછો કે મનુભાઈ, કેટલું ભણ્યા છો? તો મરક મરક હસીને જવાબ આપે — ભાઈ, હું તો અંગૂઠાછાપ છું — કંઈ ભણ્યો નથી! પણ આ જવાબ આપતી વખતે એના હાથમાં હોય એક અંગ્રેજી પુસ્તકનું થોથું! અને પછી નિજી જીવનના પ્રશ્નનો સામનો ન કરવો પડે એટલે વાતની ગાડીને ઊંધે પાટે ચડાવતાં સામેથી પૂછે : આ પુસ્તક વાંચ્યું છે? અને એ પુસ્તકનું શીર્ષક-પૂઠું બતાવીને બોલે : વિક્ટર હ્યુગો એટલે શબ્દનો સ્વામી. ‘લા મિઝરાબલ’ એની એક શ્રેષ્ઠ કૃતિ ગણાય છે. મારી પાસે એની આઠમી એડિશન છે. જોઈએ તો તમને એક કૉપી આપી શકું. કિંમત ખાસ નથી. માત્રા ત્રીસ જ રૂપિયા. મનુભાઈનો ધંધો ફૂટપાથ પર બેસી જૂનાં પુસ્તકો વેચવાનો. માત્રા પુસ્તકો જ નહિ, ફોટોગ્રાફી, ફર્નિચર, સંગીત, શિલ્પશાસ્ત્રા, ફિલ્મ, રંગભૂમિ, જ્વેલરી ડિઝાઇન, સાહિત્ય પરિષદો વગેરેના ખાસ ખાસ અંકો કે સ્મરણિકાઓ એની પાસેથી મળી આવે. ભારતમાં મુસ્લિમોના પ્રથમ પ્રવેશ અંગે મારે વિગતવાર માહિતી જોઈતી હતી : મનુભાઈને કહેવાથી એણે એક મહિનામાં દળદાર ગ્રંથ મારી સામે મૂકી દીધો. કૉલેજના વિદ્વાન પ્રોફેસરો પણ મનુભાઈની અવારનવાર મુલાકાત લેતા. મનુભાઈને એના સમવયસ્કો મનિયો કહીને જ બોલાવતા. જે ઉંમરે બાળકોને ભણવા કરતાં રમતમાં વધારે રસ પડે તે ઉંમરે મનિયો કંઈક ને કંઈક વાંચતો બેઠો જ હોય. એની મા ગાંધીની દુકાને ખરીદી કરવા મોકલે ત્યારે પસ્તીના પડીકામાં વીંટળાયેલી વસ્તુને જલદી જલદી થાળીમાં ઠાલવી એ પડીકાનું પાનું રસપૂર્વક વાંચવા લાગે. અરે, જમતી વખતે પણ ક્યાંકથી માગી લાવેલા સામયિકમાં એની નજર હોય. એની મા એને ટોકતી કે, મનિયા, ભાણામાં ધ્યાન રાખ; પણ ભાણામાંથી બટકું ભરી ફરી એની નજર અધૂરા રહેલા ફકરાને પૂરું કરવામાં પરોવાયેલી હોય. મોટા થઈને મનુભાઈ પરણ્યા ત્યારે એની પત્ની મજાકમાં પડોશીઓને કહેતી, કે તમારા ભાઈની થાળીમાં કંઈ પીરસાય નહિ તે ચાલે, પણ જમતી વખતે કોઈ ચોપડી તો જોઈએ જ! મનુને બહુ બહુ ભણવું હતું, પણ એ નવમા ધોરણમાં હતો ત્યારે જ પિતા મૃત્યુ પામતાં ઘરની જવાબદારી એને માથે આવી પડી. વિધવા મા અને માંદાં રહેતાં મોટી બાનો ભાર આવી પડયો મનિયા માથે. પિતાના મૃત્યુ પછી મા કોઈનાં ઘરકામ કરી ઘરનું ગાડું ગબડાવતી. પણ પછી ઘરમાં પૈસાની ખેંચ વરતાવા લાગી. એક ટંકના જમવાના પણ સાંસા પડવા લાગ્યા. છેવટે મનિયો ભણવાનું પડતું મૂકી નોકરીએ લાગી ગયો. ચૌદ વર્ષના છોકરાને નોકરીએ કોણ રાખે? પણ એના પિતાના ધંધાદારી એક જણને આ કુટુંબની દયા આવી, તે એ તેની સાથે ફેરીએ જવા લાગ્યો. એના પિતા પણ જૂનો ભંગાર, પસ્તી લેવાની ફેરી જ કરતા હતા ને! પિતાના ઓળખીતા ફેરીવાળા જોડે મનિયો પણ બાપની રેંકડી લઈ શહેરની ગલીએ ગલીએ ફરતો થયો અને કાચની શીશીઓ, ખાલી તેલના ડબ્બા, ડુબલીઓ, ગૂણિયા, લોખંડનો ભંગાર અને પસ્તી જોખતો થઈ ગયો. સાંજે તે બધું ઉઘરાવી તે જથ્થાબંધ વેપારીને ત્યાં વેચી આવતો. પસ્તી આપતી વખતે જો સારાં મૅગેઝિન એની નજરે ચડયાં તો એ સેરવી લેતો. મોડી રાત સુધી એ વાંચતો રહેતો. સત્તર-અઢાર વર્ષની ઉંમરે એ બરાબરનું કમાતો થઈ ગયો કે માને કોઈનાં ઘરકામ કરવામાંથી નિવૃત્તિ અપાવી દીધી. સવારના નવ-સાડા નવ વાગ્યે માએ બાંધી આપેલાં રોટલી-શાક લઈ રેંકડી સાથે શહેરમાં રખડવા નીકળી પડતો અને દિવસ આખામાં એકઠા થયેલા ભંગારને વેચી રાત્રો આઠ વાગ્યે ઘેર પહોંચતો, ત્યારે એનું પરિભ્રમણ પંદર-વીસ કિલોમીટરનું તો થઈ જ ગયું હોય. ખાલી રેંકડીમાં હોય બે-ત્રણ મૅગેઝિનો કે કોઈ જૂની ચોપડીઓ. પણ આ વાચતાં વાચતાં મનુને થઈ આવ્યું કે અંગ્રેજીના અભ્યાસ વિના બધું નકામું; અંગ્રેજી તો અનેક ભાષામાં લખાયેલા સાહિત્ય સુધી પહોંચવાનો ધોરી માર્ગ છે. એક શિક્ષકના માર્ગદર્શન નીચે મનુએ રાત્રો એક કલાક સુધી અંગ્રેજીના શબ્દો અને વાક્યરચનાઓ ગોખવાનો કાર્યક્રમ ઘડી કાઢયો. એની રેંકડીએ વેચાવા આવેલાં અંગ્રેજી ભાષાનાં સામયિકો કે પુસ્તકોની તો કમી હતી જ નહિ. એણે મનોમન એક નોંધ લીધી કે રેંકડી લઈને ગલીએ ગલીએ ફરવા કરતાં એક સ્થાયી જગાએ બેસવું સારું. આ સ્થાયી જગા એટલે શૈક્ષણિક સંકુલના પરિસરમાં આવેલો ફૂટપાથનો કોઈ ખાંચો. હવે પસ્તીની લે-વેચ કરવાને બદલે બુક્સ— મૅગેઝિનનો પથારો કરી એનું વેચાણ કરવું. આટલાં વર્ષોમાં હવે એ અંગ્રેજી નવલકથાઓ વાંચતો થઈ ગયો હતો. ક્યારેક પસ્તીની લે-વેચમાં એને સારાં પુસ્તકો મળી જાય તો એ રાખી લેતો. એ હવે માનતો થઈ ગયો કે પુસ્તકો વિના આપણે ભણેલા હોઈએ તો પણ અડધા અભણ છીએ. પચ્ચીસમે વર્ષે મનુ પરણ્યો. પરણતાં પહેલાં વેચવા માટે સારાં પુસ્તકો, સામયિકોના દળદાર અંકો એ વસાવવા લાગેલો. ઉપરાંત, એક શૈક્ષણિક સંસ્થાના વિશાળ સંકુલની પાછલા ભાગની દીવાલ અને એનો એક ખાંચો નજરમાં રાખી લીધેલો. એટલે એક દિવસ શુભ મુહૂર્ત જોઈ એણે આ જગામાં, બત્તીના થાંભલા નીચે મોટી તાડપત્રી પાથરી હાટડી માંડી દીધી. હવે એ મોડી રાત સુધી અહીં બેસતો. ઘરાકી ન હોય ત્યારે એનું વાંચનકાર્ય ચાલુ જ રહેતું. છ મહિનામાં એની આ હાટડીએ ધ્યાન ખેંચી લીધું. બપોરના ભાગમાં એ જ્યાં મળે ત્યાંથી જૂનાં પુસ્તકો સસ્તા ભાવે ખરીદી લાવતો. કેટલીક વખત તો માંદી લાઇબ્રેરીનાં પુસ્તકોનો ઢગલો પણ ખરીદી લેતો. શિક્ષિત વર્ગનું ધ્યાન ખેંચવા એણે દીવાલ પર ‘વર્લ્ડ ક્લાસિક્સ’ જેવું કાગળનું પૂઠું લગાવી જગતના સાહિત્યનો શ્રેષ્ઠ ખજાનો અલગ પાડી દીધો. હેરીએટ બીચર સ્ટોની ‘અંકલ ટોમ્સ કૅબિન’, એલેકઝાન્ડર ડુમાની ‘ધ કાઉન્ટ ઑફ મોન્ટે ક્રીસ્ટો’, ડેનીઅલ ડીફોની ‘રોબીન્સન ક્રુઝો’, શેલી-બાયરન-કીટ્સની કૃતિઓ, પર્લ બકની ‘ધ ગુડ અર્થ’, ચાર્લ્સ ડિકન્સની ‘એ ટેલ ઑફ ટુ સીટીઝ’, ગુસ્તાવ ફ્લોબેરની ‘માદામ બોવરી’ અને જવાહરલાલ નેહરુની ‘ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ જેવાં પુસ્તકો અલગ તારવીને ગોઠવ્યાં. કૉલેજનાં છોકરા-છોકરીઓને ગમતી એલીસ્ટર મેકલીન, અર્લ સ્ટેનલી ગાર્ડનર, આગાથા ક્રિસ્ટી, ઇવાન હન્ટર, હેરોલ્ડ રોબીન્સ કે એન્ડરસન સ્કોટની કથાઓ તો ઢગલાબંધ ખડકાયેલી રહેતી. મનિયામાંથી મનુ તો એ બની ગયેલો, પણ હવે એના જ્ઞાનને કારણે મનુભાઈના માનાર્થભર્યા નામથી એ ઓળખાવા લાગ્યા. કૉલેજના પ્રોફેસરો એની વારંવાર મુલાકાત લેવા લાગ્યા. “મનુભાઈ, કાર્લ માર્ક્સનું ‘ડાસ કેપિટલ’ મળે તો મારે માટે રાખી મૂકજો.” વળી કોઈ તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક ‘વિઝડમ ઑફ કૉન્ફ્યુશિયસ’ની માગણી કરતા. ઇતિહાસના પ્રાધ્યાપકો ‘ડિક્લાઇન ઍન્ડ ફોલ ઑફ ધ રોમન એમ્પાયર’ કે ‘ધ ફ્રેંચ રેવોલ્યુશન’નો ઓર્ડર મૂકતા, તો ગુજરાતીના પ્રાધ્યાપકો આનંદશંકર ધ્રુવ, નર્મદ, મેઘાણી કે મુનશીનાં પુસ્તકોને ઘરમાં વસાવવા લઈ જતા. મનુભાઈની સાહિત્યયાત્રા તો લંબાતી જ ગઈ. વિશ્વનાં શ્રેષ્ઠ પુસ્તકોની એણે પોતાના જ ઘરમાં લાઇબ્રેરી બનાવી હતી. શેક્સપિયરનાં તમામ નાટકો, ટોમસ હાર્ડી, મોંપાસા, એડગર એલન પો, સમરસેટ મોમ કે જેમ્સ જોયસથી માંડી સાર્ત્રા સુધીના તમામ લેખકોની કૃતિઓ એના પોતાના પુસ્તકાલયમાં મોજૂદ હતી. આ તમામ પુસ્તકો મનુભાઈએ વાંચ્યાં હતાં અને એનું મૂલ્ય તે સમજતા હતા. મનુભાઈના જીવનમાં એક ઘટના એવી બની કે વાચન તરફ એ વધુ ને વધુ ઢળતા ગયા. મનુભાઈનાં પત્ની ભાનુબહેનની પહેલી પ્રસૂતિ કસુવાવડ નીવડી, તો બીજી પ્રસૂતિમાં ગર્ભાશયમાં જ બાળક મૃત્યુ પામ્યું. એનું ઝેર એના શરીરમાં વ્યાપી જતાં ભાનુબહેને જીવ ગુમાવ્યો. ત્રીસ વર્ષની ઉંમરમાં મનુભાઈએ પત્ની ગુમાવી. માતાએ એને ફરી પરણાવવાનો પ્રયત્ન કર્યો, પણ મનુભાઈએ તો આયખું પુસ્તકોને સમર્પિત કરવાનું નક્કી કર્યું. હવે સંસારની કોઈ જંજાળ તો નહોતી રહી. મા એને રોટલા ટીપી દેતી. ક્યારેક એ ઘરમાં એકલી એકલી કંટાળે ત્યારે મંદિરે દર્શન કરી પુત્રની હાટડીએ બેસતી. દીકરો જે રીતે પુસ્તકોમાં રસ લેતો અને એમાં જ એનો જીવ પરોવાયેલો રહેતો, તે જોઈ માને પણ થયું કે આ પુસ્તકભક્ત જોગીને હવે સંસારમાં ખેંચવામાં સાર નથી. જે રીતે બૌદ્ધિકજનો એને માન આપતા એ જોઈને માને થયું કે છોકરાનું જીવનસાફલ્ય આમાં જ છે. જીવનનાં બાકીનાં વર્ષો મનુભાઈએ શ્રેષ્ઠ પુસ્તકો વસાવવામાં જ ધ્યાન આપ્યું. કોઈ પણ લાઇબ્રેરીમાં જો અમૂલ્ય ગણાય એવું પુસ્તક ન મળે તો શોધનારે મનુભાઈનો સંપર્ક સાધવાનો રહેતો. આવા એક પુસ્તકની શોધમાં જ્યારે હું એક સવારે મનુભાઈને ઘેર ગયો ત્યારે એના ઘરમાં બનેલી લાઇબ્રેરી જોઈ હું દિગ્મૂઢ થઈ ગયો! “આ પુસ્તકો હવે ભારતમાં ક્યાંય મળે તો મળી જાય,” મનુભાઈએ એક કબાટ તરફ આંગળી ચીંધી કહ્યું; “પણ એની શક્યતા ઓછી છે. કેટલીય રઝળપાટ પછી મેં આ બધાં મેળવ્યાં છે. મારી મા જીવતી હતી ત્યારે દવાઓ છાંટી છાંટી એની જાળવણી કરતી, પણ હવે આ ઉંમરે મારાથી એટલી બધી કાળજી લેવાતી નથી. આ જુઓ ‘ભગવદ્ગીતા’ની એક નકલ. બહુ જૂની છે, પણ ‘ગીતાજી’માં જેટલા શ્લોકો છે એના કરતાં એક વધારાનો શ્લોક આ નકલમાં છે.” મનુભાઈએ જતનપૂર્વક એ નકલ કાઢી મને બતાવી. મેં પૂછ્યું : “મનુભાઈ, તમે તો જીવનમાં હવે એકલા જ છો.” “એકલો શાનો?” મનુભાઈએ વિરોધનો સૂર કાઢતાં કહ્યું, “જુઓ ને, આટલા બધા મિત્રો તો મારા ઘરમાં છે. પુસ્તકો આપણા સાચા મિત્રો. એ આટલા નજીક હોય પછી હું એકલો શાનો?” “મારો કહેવાનો મતલબ મનુભાઈ, એ હતો કે હવે તમારું વારસદાર કોઈ નથી. તમે નહિ હો પછી આ પુસ્તકો...” “કોઈ સારા એવા પુસ્તકાલયને કે જેનો લાઇબ્રેરિયન મારા આ સાથીદારોને સારી રીતે સાચવે એને આપી દઈશ. મારા વીલમાં એ પુસ્તકાલયનું નામ લખતો જઈશ.” “કોઈ નામ નક્કી કરી રાખ્યું છે?” “ના. પણ એક-બે મારા ધ્યાનમાં છે. પણ કંઈ કહેવાય નહિ. હજુ તો હું જીવું છું. ઓછામાં ઓછો દસકો તો કાઢી નાખીશ એવું લાગે છે, પછી જેવી ઈશ્વરની મરજી.” ક્યારેક ક્યારેક હું આ પુસ્તકઋષિના પથારા પાસે જાઉં છું, ત્યાં રાખેલા મુઢા પર બેસી પુસ્તકો ઊથલાવું છું, ક્યારેક ખરીદી લઉં છું તો કોઈ વખત ત્યાં બેસીને વાંચી લઉં છું. લોકો વાંચે એ માટે તો એણે સાત-આઠ મૂડાઓ ત્યાં રાખ્યા છે. એકાદ કલાક ત્યાં બેઠા હોઈએ તો એની પાસે વેચાવા આવેલાં પુસ્તકોમાં ખાંખાંખોળા કરતા, એ કાર્યમાં મગ્ન જ હોય. જાણે જ્ઞાનયજ્ઞનો આચાર્ય. [‘જન્મભૂમિ-પ્રવાસી’ અઠવાડિક : ૨૦૦૩]