સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંતરાય આચાર્ય/નાના નાના ગાંધીઓ...
નાનાં માણસો, ભુલાયેલાં માણસો, સરકાર-દરબારોની ઉપેક્ષાથી અગોચર રહેલાં માનવીઓ, એ સાચું ગુજરાત છે. ગુજરાતનું ગૌરવ વધશે, વધ્યું છે, એક મહાત્મા ગાંધીજીથી નહીં, એક સરદાર પટેલથી નહીં — હજારો ગુજરાતીઓ નાના નાના ગાંધીઓ ને પટેલો થયા હતા તેથી. એક મહાન માનવી તો માત્રા માર્ગ બતાવી શકે, દીવાદાંડી બની શકે. હજારો નાનાંમોટાં સફરી જહાજો એ દીવાદાંડીથી સચેત બનીને ઘૂમે ત્યારે જ દેશ મહાન થાય. માટે જ નાનાં મનાયેલાં માનવીઓની કથાઓ મને વધારે ગમે છે. કોઈ પણ પુસ્તક લખવાનું શરૂ કરતાં પહેલાં હું એક જ ચિંતા કરું છું કે મારું પુસ્તક જો આજના વાચકને પ્રેરક થાય, પોતાના વતનને જરાક વધુ ગૌરવવંતું કરવાની એનામાં થોડીક પણ ઉત્તેજના મૂકે, તો મારો પરિશ્રમ સાર્થક બનશે. આવતાં હજાર વર્ષ ગુજરાતનાં ઉજ્જ્વળ જવાનાં જ છે, એવો કોલ મને ઇતિહાસમાંથી વંચાયો છે. મને મારી શ્રદ્ધા છે. વાચકોને પણ એ શ્રદ્ધા બંધાય, એ મા સરસ્વતી પાસે મારી પ્રાર્થના છે.