સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંતરાય આચાર્ય/સોરઠી સંસ્કૃતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          હું કાઠિયાવાડી છું અને મારા જેવા બીજા કાઠિયાવાડી લેખકો પણ છે. અમે સોરઠી સંસ્કાર અને સંસ્કૃતિની આરાધના કરીએ છીએ. અમે સોરઠના ભૂમિજનોની ઊર્મિઓ અને ભાવનાઓને સાદ દઈએ છીએ. કાઠિયાવાડનું રાજકીય, ઔદ્યોગિક અને પ્રજાકીય જીવન એકકાળે શેષ હિન્દથી આગળ હતું. ૧૭૭૦ની આસપાસ દ્વારકાનો એક વાઘેર નામે રામસિંહ માલમ યુરોપના પ્રવાસે ગયેલો. ત્યાંથી એ મીનાકારી, કાચ, લોખંડ અને હથિયારો બનાવવાના ઉદ્યોગો શીખી આવેલો. કેવળ ઉદ્યોગ જ માત્ર નહિ, ફ્રાંસની મહાક્રાંતિનો સંદેશ પણ લાવેલો. અને એના એ સંદેશથી પ્રેરિત થઈને કચ્છની પ્રજાએ ૧૭૮૪માં પોતાના રાજા રાયઘણને પદભ્રષ્ટ કર્યો, કેદ કર્યો અને કચ્છના બાર મહાલના બાર પ્રજાકીય આગેવાનોની કાર્યવાહક સમિતિનો — બારભાયાનો કારભાર પણ સ્થાપેલો. બારભાયાના આ પ્રજાકીય કારભારને તોડી પાડવાને જોધપુર, રાધનપુર, રજપૂતાના ને કાઠિયાવાડનાં બીજાં રાજ્યો અને કંપની સરકારના દળકટક એકઠાં થયાં. કચ્છ કાઠિયાવાડના વાઘેરો, મિયાણાઓ અને ખલાસીઓની મદદથી કચ્છની પ્રજાએ આ એકત્રિત હુમલા સામે વીસ વીસ વર્ષ સુધી ટક્કર ઝીલી. છેવટે બારભાયામાંથી જ ત્રણચાર ‘ભાઈ’ ફૂટયા. પ્રજાતંત્રાનો અંત આવ્યો. અને પ્રજાએ પદભ્રષ્ટ કરીને કેદ કરેલા રાજા રાયઘણને ૧૮૦૪માં કચ્છના રાજા તરીકે ફરીથી સ્થાપવામાં આવ્યો. પ્રજા ફરીથી આવું બળ કેળવી ન શકે, ફરીથી આવો પ્રજાતંત્રાનો પ્રયોગ ન કરી શકે એ માટે બારભાયાના કારભારના અંત પછી તરત જ કાઠિયાવાડના તમામ રાજાઓને બ્રિટિશ સલ્તનત તરફથી પોતાની ગાદી ઉપર સલામત કરવામાં આવ્યા. સુરાજ્ય કરવાની, વસ્તીના જાનમાલની કે ઇન્સાફનાં ધોરણો જાળવી રાખવાની એમના ઉપર કોઈ જવાબદારી રાખવામાં આવી નહિ. કુરાજ્યનાં સર્વ પરિણામો સામે જેમને પરદેશી સેનાનાં સંરક્ષણ હતાં એવાં એકસો નેવ્યાસી રજવાડાં વચ્ચે પ્રજા ફાળવવામાં આવેલી. એટલે પ્રજા કેળવણીથી વંચિત બની; આર્થિક રીતે બેહાલ બની. ખેતી બરબાદ બની; રસ્તાઓ ને નદીઓ બિસમાર થયાં; જાનમાલની બિનસલામતી થઈ; હજાર હજાર વર્ષથી બારે માસ લીલી રહેતી નદીઓનાં વહેણો અદૃશ્ય થયાં ને સદાકાળ હરિયાળી રહેતી ધરતીએ લીલા સાજ ઉતારીને ભૂખરા વાઘા પહેર્યા; કચ્છના ને કાઠિયાવાડના શાહ સોદાગર સુંદરજી શિવજી હીરજી ખત્રી — સુંદર સોદાગરે અનેક હમવતનીઓને ચીન ને યુરોપ મોકલીને તાલીમ અપાવીને કાચ, ચામડાં ને લોખંડનાં કારખાનાં નાખેલાં તે અદૃશ્ય થયાં. આ તમામની અસર લોકજીવન ઉપર પડી. મુત્સદ્દીગીરીનું સ્થાન ખટપટે લીધું. લાયકાતનું સ્થાન મહેરબાનીએ લીધું. ખમીરનું સ્થાન ખમાબાપુએ લીધું. સમજદાર ને સાહસિક માનવીઓએ વતન છોડીને પરભોમમાં વાસ સ્વીકાર્યો. વતનની અસ્મિતાને ભોગે મુંબઈ ને આફ્રિકા, બર્મા ને મધ્યહિન્દ વસવા લાગ્યા. સોરઠી સંસ્કૃતિ લડાયક છે એનું કારણ એ છે કે સોરઠી સંસ્કૃતિ પરચક્રની નઠોરતાનો ભોગ બની હોઈ પોતાના જીવનમરણનો સંગ્રામ ખેલે છે. એટલે જ સોરઠી સંસ્કૃતિમાં લાગણીઓ અને ભાવનાઓ ઉગ્ર સ્વરૂપમાં દેખાય છે. સતત સવાસો વર્ષથી અમારી પ્રજા આ જુલમગારી સહન કરતી આવી છે. એટલે જ સોરઠી સંસ્કૃતિનું સ્વરૂપ લડાયક રહ્યું છે. ઝંડુ ભટ્ટજી, કાળિદાસ શાસ્ત્રી, ગોકળજી ઝાલા, આદિતરામ માસ્તર એ અમારા જ્ઞાનવિજ્ઞાનના વારિધિ. સ્વામી દયાનંદ અને મહાત્મા ગાંધીજી એ સમસ્ત પ્રદેશની પચીસ લાખની વસ્તીની સવાસો વર્ષની પરચક્રે લાદેલી પામરતાનો સોરઠી સંસ્કૃતિએ આપેલો જવાબ. સોરઠી સંસ્કૃતિ એ કેવળ સોરઠ માત્રની નહિ સમસ્ત ગુજરાતની ગૌરવ— ગાથા છે. એનો પૂરો પાર પામવાને એક ઝવેરચંદ મેઘાણી કે એક ગુણવંતરાય આચાર્ય બસ નથી, એમાં તો ઝવેરચંદ મેઘાણીને બીજો અવતાર લેવો પડશે, સેંકડો ગુણવંતરાયો જોઈશે. [૧૯૪૫નો રણજિતરામ ચંદ્રક ગુજરાત સાહિત્ય સભા તરફથી આપવામાં આવ્યો ત્યારે કરેલા ભાષણમાંથી : ૧૯૪૭]