સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત પંડ્યા/આ તે કેવું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઉરનું આ તે કેવું પંખી!
વર્ષામાં રિબાય તૃષાથી, ઝાકળને રહે ઝંખી :
ઉરનું આ તે કેવું પંખી!
આગ જલે ભીતરમાં એની, બહાર સદા યે હસતું;
મૃગજળને માની જળબિન્દુ નિત વેરાને ધસતું;
અણદીઠાંની આંખમહીં પણ નેહ રહે એ ઝંખી :
ઉરનું આ તે કેવું પંખી!
વસંતના વૈભવમાં એનું બળતું અંતર ઝાળે,
પાનખરે એ થઈને કોકિલ ગુંજે ગીત સહકારે,
પ્રીતો એની કંટક સાથે, કુસુમો રહેતાં ડંખી :
ઉરનું આ તે કેવું પંખી!
ચિરપરિચિત છોડી મારગ, અણદીઠા પથ ધાતું;
અંધારે અટવાતું, ઠોકર ખાતું — ખાઈ મલકાતું;
મારગ ક્યાંના? જાવું ક્યાં? શીદ? જાણે નહિ પણ પંથી!
ઉરનું આ તે કેવું પંખી!