સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/અનોખી પ્રભાતફેરી
અમારા ગામમાં શ્રીકાંત આપટે નામના સર્વોદય સેવક વર્ષોથી રહેતા હતા. મારા જેવા થોડાક જુવાનિયા એમના પ્રભાવ હેઠળ નાનીમોટી પ્રવૃત્તિઓ કરતા રહેતા. એમણે એક વાર રાંદેરનાં ખાનગી જાજરૂઓનો સર્વે કરવાનું શરૂ કર્યું. એ જમાનામાં માથે મેલું ઉપાડીને હરિજનો દરેક જાજરૂની નીચે રહેલી ડોલ ઠાલવતા. આપટેજી આ સર્વે કરવા માટે ઘરઘરનાં જાજરૂનું નીચેનું ઢાંકણ ખોલીને મેલાની ડોલ કેવી હાલતમાં છે તેની નોંધ કરતા. એક દિવસ આવો સર્વે કરીને આવ્યા પછી આપટેજી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. થોડીક વાતચીતને અંતે એક નિર્ણય લેવાયો. થોડાક દિવસો બાદ ગાંધીજયંતી આવતી હતી. અમે નક્કી કર્યું કે માથે મેલાની ડોલ ઉપાડીને ગામમાં એક નાકેથી બીજા નાકે ચાલતા જવું. જેથી હરિજનોની વિટંબણાનો ખ્યાલ આવે. બીજી ઓક્ટોબર આવી પહોંચી. આવા કામમાં કોણ તૈયાર થાય! આપટેજી, અંબુભાઈ પટેલ, રમણ પટેલ અને હું. એમ ચાર જણા તૈયાર થયા. હું આગલી રાતે પથારીમાં પડ્યો, પણ ઊંઘ જ ન આવે. આંખ આગળ દુર્ગંધ મારતું ગંદું, તૂટેલું ડોલચું જ દેખાયા કરે! ગાંધીજયંતીને દિવસે સવારે અમે ચાર જણા અને ગોલવાડના બે હરિજનો બોરવાડે જવા ઊપડ્યા. એક હરિજનનું નામ હતું ગોવન અને બીજાનું કિશન. અમે પહોંચ્યા બોરવાડાના પબ્લિક જાજરૂ પાસે. જેમ તેમ મેલું ડોલમાં ઠાલવીને પછી ડોલ માથે મૂકીને અમે છ જણાએ ચાલવા માંડ્યું. રસ્તે લોકો કૌતુકથી જુએ અને દાંત કાઢે. મારે માથે વળી બીજી આફત આવી. આપટેજીએ આજ્ઞા કરી કે તું ગીત ઉપાડ અને અમે તે ઝીલીશું. એ દિવસોમાં મારી બા આગળ જૂઠું બોલીને છાનામાના સુરતની મોહન ટોકિઝમાં ‘સત્યવાદી હરિશ્ચંદ્ર’ ફિલ્મ મેં જોયેલી. તેનું એક ગીત મેં ઉપાડ્યું, જે મને આજે પણ પૂરેપૂરું યાદ છે : જગતપિતાની વિશ્વવાડી આ માનવપુષ્પે ખીલી રહી; માનવમાત્ર પ્રભુનાં બાળક, ઊંચ નહીં કોઈ નીચ નહીં.-ઊંચ નહીં.. યમુનાતટ પર સૂર્ય પ્રકાશે પ્રકાશતો અંત્યજ ઘર જઈ, મેઘ વરસતો એક જ સરખો વાડી કે વેરાન મહીં.-ઊંચ નહીં.. વાયુ સઘળે સરખો વાતો સૂર્ય-કિરણમાં ભેદ નહીં, એક જ પ્રભુની જ્યોત જગતમાં વિવિધ રૂપે જલી રહી.-ઊંચ નહીં.. સંસ્કાર વિનાના વ્યર્થ જીવનમાં સેવા વિણ સંસ્કાર નહીં; કર્મ થકી જન મહાન બને છે, જન્મ થકી કોઈ મહાન નહીં.-ઊંચ નહીં.. ચાલતા ચાલતા અમે બજારની મધ્યમાં આવેલી રાંદેર પીપલ્સ કો-ઓપરેટીવ બૅન્કના મકાન સુધી આવી પહોંચ્યા. ત્યાં મારા મનમાં એવો વિચાર આવ્યો કે મુસલમાન લત્તાઓમાં થઈને આપટેજીના ખેતરે પહોંચી જવાય તો સારું, જેથી પારેખ ફળિયાવાળા મારી આ ‘ફજેતી’ જોવા નહીં પામે. આપટેજીને વાત કરી ત્યાં તેઓ તડૂક્યા : “પારેખ ફળિયામાંથી જ જવાનું છે. તારે ગીત ગવડાવવાનું છે અને હિંમત ન હોય તો ડોલ મૂકીને ચાલવા માંડ.” છ જણાનું સરઘસ વળ્યું પારેખ ફળિયા તરફ અને સૌ મિત્રોએ અને સ્વજનોએ અમારી અનોખી ‘પ્રભાતફેરી’ જોઈ અને અમારું ગીત સાંભળ્યું. આ બધું વાંચતી વખતે પણ કોઈને કમકમાં આવે, તો જે આદમી જીવનભર આ જ કામ કરે તેની વેદનાનું શું? કિશન રોજ ખાડી ફળિયાની શેરીમાંથી મળનું ગાડું હાંકીને મોરા ભાગળ વટાવીને ડેપા સુધી જતો. એ ગાડું આસપાસના સો મીટરના વિસ્તારમાં દુર્ગંધનું ભયાનક આક્રમણ ફેલાવી દેતું. દુર્ગંધ એક મિનિટ માટે પણ અસહ્ય બની રહેતી. એ વખતે થતું : આ કિશન પર શી વીતતી હશે? દબાયેલા-કચડાયેલા દલિતોની કેટલીક વ્યથાઓનો ખ્યાલ સવર્ણોને કદી આવી જ ન શકે. ગાંધીજીએ સવર્ણોને જાજરૂ-સફાઈ કરતા કર્યા અને કેટલાક સવર્ણ સેવકોએ લગભગ હરિજન બનીને હરિજનોની એટલી સેવા કરી કે જેટલી આજના કોઈ દલિતવર્ગના નેતાએ એના જ ભાઈભાંડુઓની ન કરી હોય. હવે હાલતમાં ઘણો સુધારો થયો છે, છતાંય હજી ઘણા ગાઉ કાપવાના બાકી છે. દલિતો હવે અવાજ ઉઠાવતા થયા છે. સદીઓથી જેમનો અવાજ રૂંધવામાં આવ્યો હોય તેઓ જ્યારે પહેલવહેલા બોલવા માંડે ત્યારે થોડુંક વધારે જોરથી જ બોલવાના. આ વધારે જોરથી બોલાતા ગરમ શબ્દોથી સવર્ણો અકળાય, તે કેમ ચાલે? જ્યારે પણ આવા કોઈ કારણે ગુસ્સો આવે ત્યારે સવર્ણ કોમના માણસે એક જ વાક્ય પોતાની જાતને સંબોધીને ઓચરવું : “હું એમની જગ્યાએ હોઉં તો શું કરું?” [‘ગાંધીનાં ચશ્માં’ પુસ્તક : ૨૦૦૬]