સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/એ સન્નારીને મળ્યા છો?

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          હું ટેણિયો-મેણિયો હતો ત્યારે ‘રામરાજ્ય’ ફિલ્મ જોયેલી. એમાં લવ અને કુશને કંઠે ગવાયેલી પંકિતઓ આજે પણ યાદ છે: “ભારત કી એક સન્નારી કી હમ કથા સુનાતે હૈં...” આ ગીતમાં ભારતની એક સન્નારી, તે સીતા. અહીં આજની સન્નારીની વાત કરવી છે જે સતી સીતા નથી, પણ ભારતનાં લાખો ઘરમાં વસનારી ઘરરખુ પત્ની છે. એને ખબર પણ નથી કે દેશ એના જેવી અસંખ્ય છતાં અજ્ઞાત ગૃહિણીઓને કારણે ટકી રહ્યો છે. તમે એ ગૃહિણીને મળ્યા છો? મહાનગરોમાં એ નાનકડા ફ્લેટમાં રહે છે. નાનાં નગરો કે ગામડાંમાં એ ક્યારેક ફળિયામાં હારબંધ આવેલાં ઘરોમાં રહે છે. એનો પતિ પૈસા કમાય છે, પૈસા બનાવતો નથી. મહિનાના છેલ્લા અઠવાડિયામાં એના પરિવારમાં થોડીક ખેંચ રહે છે. આપણે ત્યાં ‘લક્ષ્મી’ એટલે ‘પૈસો’, એવું સમીકરણ રૂઢ થઈ ગયું છે. પણ ‘લક્ષ્મી’ એટલે સમૃદ્ધિ, સિદ્ધિ. નાના ઘરમાં રહેતા કેટલાય પરિવારોમાં સંસ્કારલક્ષ્મી જોવા મળે છે. બાળકો વિનયી હોય અને સહજીવનની સુગંધ હોય ત્યાં ધન ઓછું હોય તોય લક્ષ્મી છે એમ કહેવાય. કોઈ દાણચોર ધનવાન હોઈ શકે, લક્ષ્મીવાન ન હોઈ શકે. હરામની કમાણીનો પૈસો પોતાના પરિવારમાં આવતો રોકવા માટે પતિ સાથે ઝઘડે, તે જ ખરી ગૃહલક્ષ્મી. સંસ્કૃતમાં ‘શ્રી’ શબ્દ સમજવા જેવો છે. ‘શ્રી’ એટલે સમૃદ્ધિ, શોભા, સુંદરતા. શ્રીમતી હોવું એ જેવી તેવી વાત નથી.