સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/—આવી પજવણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          હું થોડો વિચારશીલ ખરો, પરંતુ ખરા અર્થમાં કર્મશીલ નથી. દસ વર્ષ વહેલી નિવૃત્તિ લીધી ત્યારે કર્મશીલ થવાનો વિચાર કરેલો, પરંતુ કર્મશીલતા અંગેની મારી કલ્પના એટલી ઊચી હતી કે મને મારો પનો ટૂંકો પડતો જણાયો. મારી મર્યાદાઓને ધ્યાનમાં રાખીને મેં પંચશીલ આંદોલન શરૂ કર્યું. પદયાત્રાઓ દરમિયાન ૩૫-૩૭ કિલોમીટર પ્રતિદિન ચાલવાનું બનતું. શિબિરો તથા રેલીઓ દરમિયાન પંચશીલના સંકલ્પો ૬૦,૦૦૦ જેટલાં યુવક-યુવતીઓએ લીધેલા. શેરી-નાટકો દ્વારા દહેજ, વસ્તીવધારો અને ગુટખા વિરુદ્ધ ઝુંબેશ ચલાવેલી. પ્રાધ્યાપક બન્યા પહેલાંના જીવનમાં માથે મેલું પણ ઉપાડેલું. પંચશીલમાં કોઈનું દાન સ્વીકારેલું નહીં. આમ છતાં કર્મશીલ હોવાના આદર્શથી દૂર હોવાની વેદના ગઈ નથી. યુવાની સર્વોદય અને ભૂદાન સાથે જોડાયેલી હતી, તેથી ગરીબોની સેવા કરનારા મિત્રો પ્રત્યે ઊડો આદર રહેતો. મને પ્રવચનો માટે તગડા પુરસ્કારો મળતા રહ્યા છે. એની બધી રકમ ગામડાંમાં કામ કરનારાં કર્મશીલોને સીધી પહોંચાડી દેવાની તાલાવેલીમાં મારા પક્ષે કેવળ પ્રાયશ્ચિત્તનો ભાવ છે. હું તો ગરીબોની સેવા ન કરી શક્યો, પરંતુ જે મિત્રો ગામડે બેઠા છે તેમને દૂરથી ટેકો તો કરું! ગોધરા પછી કેટલાય મુસ્લિમોનો પ્રેમ મળ્યો છે. મારા પર અસંખ્ય પુસ્તકો ભેટરૂપે આવે છે. મને ખાસ ખપનાં ન હોય એવાં બધાં પુસ્તકો વડોદરાની મુસ્લિમ લાઇબ્રેરીમાં ભેટરૂપે જાય છે. એક મૌલવી સાહેબ હજ કરીને પાછા આવ્યા ત્યારે ઘરે અવંતિકાને રૂ. પાંચ હજાર આપવા લાગ્યા. મેં મક્કમ ના પાડી ત્યારે મૌલવીજીએ કહ્યું: “ગુણવંતભાઈ! હજ કરીને આવીએ ત્યારે આવી ભેટ સ્વજનોને અપાય, તેને અમારામાં હદિયો કહે છે.” એ રકમ ક્યાંક દાનમાં આપીને રસીદ મોકલવાની વાત મેં કરી ત્યારે મૌલવી સાહેબે કહ્યું: “સાહેબ! હદિયાની રસીદ ન હોય.” એ રકમમાંથી ‘કબીરા ખડા બાજારમેં’ પુસ્તકની ૪૩ નકલો ભેટરૂપે મોકલી, તે પણ વાસ્તવમાં મૌલવી સાહેબની ભેટ ગણાય. કાવી ગામના યુવાન મિત્ર જુનેદના ઉસ્માનચાચા હૃદયરોગમાં સપડાયા પછી હોસ્પિટલથી સીધા મારે ઘેર આવીને બોલ્યા: “૧૯૯૨થી તમને વાંચ્યા પછી મેં એક પણ નમાઝ એવી નથી પઢી કે તમારી લાંબી ઉંમર માટે અલ્લામિયાં પાસે દુઆ નહીં માગી હોય.” કવિ વર્ડ્ઝવર્થના શબ્દો છે: “A Presence that disturbs me with the joy of elevated thoughts.” ઉન્નત વિચારોની આવી પજવણી હું પામ્યો છું, તે મારું સદ્ભાગ્ય છે. [‘નયા માર્ગ’ પખવાડિક: ૨૦૦૪]