સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/‘સ્ટોપ હીયર, ઓર જેન્ટલી પાસ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          અંગ્રેજી કવિ વર્ડ્ઝવર્થ પોતાની બહેન ડોરોથી સાથે સ્કોટલેન્ડ ગયા ત્યારે ફરવા નીકળ્યા. ખેતરમાં એક કિસાન કન્યા લણણી કરતી જાય અને ગીત ગાતી જાય. એ ગીતની ભાષા ગૈલિક ભાષા હતી, અંગ્રેજી નહોતી. સ્કોટલેન્ડમાં ગૈલિક ભાષા છે. એટલે વર્ડઝવર્થને ગીત બિલકુલ સમજાયું નહીં. પણ જે મસ્તીથી એ કિસાન કન્યા ગીત ગાતી હતી એનાં સ્પંદનો કવિના સંવેદનશીલ ચિત્તને અસર કરી ગયાં ભાષાનો અંતરાય ખરી પડ્યો અને વર્ડ્ઝવર્થે એ લણણી કરનારી કન્યા ઉપર એક કવિતા લખી જે પ્રખ્યાત છે. એ કવિતાનું મથાળું છે : ‘સોલિટરી રીપર.’ એકલી કિસાન કન્યા, લણણી કરનારી કિસાન કન્યા. એમાં વર્ડઝવર્થ કહે છે કે, એ કિસાન કન્યાની મર્યાદા જાળવજો, એને કોઈ ડિસ્ટર્બ કરતાં નહીં. એ એની મસ્તીમાં મસ્ત છે. ગાતી જાય છે, કામ કરતી જાય છે. એને તમારી હાજરીથી ખલેલ પહોંચાડશો નહીં. પછી વર્ડઝવર્થ એમાં એક પંક્તિ લખે છે : “સ્ટોપ હીયર, ઓર જે ન્ટલી પાસ. કાં તો અહીં થોભો અદબપૂર્વક, કાં તો શાંતિથી ખલેલ પહોંચાડયા વિના પસાર થઈ જાવ.” [‘સામ્પ્રત’ ત્રિમાસિક : ૨૦૦૬]