સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુલામ મોહમ્મદ શેખ/‘કયા જલમનાં પાપ...’

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ફાઇન આર્ટ્સ કોલેજમાં ભણાવવા જાઉં છું તેના ઝાંપે છેલ્લા ત્રણેક મહિનાથી એક આદિવાસી વૃદ્ધા બેસી રહે છે. કોઈના કહેવા અનુસાર એનો જમાઈ દુકાળને કારણે એને આમ છોડીને નાસી ગયો છે. એમનાં નામઠામનો પત્તો મળતો નથી કારણ કે ડોશી ઝાઝું સાંભળતાં-સમજતાં નથી. તેથી એમને ઘેર મોકલી આપવાની પેરવી પણ થઈ શકતી નથી. ડોશી પાસે થોડા ગાભા, એક જોડ કપડાં, એક પોટલું અને એક પાણીની માટલી છે. રોજ તડકે-છાંયડે, દિવસે કે રાત્રે એ ત્યાં બેઠાં હોય છે, બહુ તડકો પડે તો જરા આઘાં ખસે, નહિતર છાજલી કરીને બેઠાં હોય. શિયાળાની રાતોમાં એમને ટૂંટિયું વાળી પડી રહેલાં કેટલાકે જોયેલાં. આવ્યાં ત્યારે સાવ નંખાઈ ગયેલાં, પણ કૅન્ટીનના નોકરિયાતોએ વિદ્યાર્થીઓના વધેલા ટિફિનમાંથી એમને નિયમિત ખાવાનું પહોંચાડ્યું, ત્યાર બાદ જરા તબિયત સુધરી, હરતાં ફરતાં પણ થયેલ. હવે કોલેજમાં રજાઓ પડી છે, વિદ્યાર્થીઓ ચાલી ગયા છે અને કૅન્ટીન બંધ થઈ ગઈ છે છતાં કોઈકવાર આવતા જતા લારીવાળાઓ એમને ખવડાવે છે. એક મિત્રનું હૃદય દ્રવતાં એણે ડોશી માટે કેળાં ખરીદ્યાં, તો ડોશી કહે : રોટલો આપો, રોટલો. એમને ઘેર નહિ મોકલી શકવાનું પાપ વહોરીને હું ય ફરું છું. ડોશીની છાજલીમાં એમનો ચહેરો અંધારાનું રૂપ લે છે અને આજુબાજુ તડકો જાણે ધડીમ્ ધડીમ્ ઢોલની જેમ ધરુબે છે. આજુબાજુનાં ઝાડ પર પાંદડાં સુકાયાં છે, ઘણાં ખર્યાં છે, ખરે છે. મને ખરતાં પાંદડાંનો જુનવાણી મોહ છે. નાગાં થતાં ઝાડ, ખરતાં કેસૂડાં અને બીજી બાજુ ગરમાળા પર ભરખમ લચતાં ફૂલ જાણે ઉનાળાની જ પ્રતિકૃતિ. ડોશીના ઝાડા-પેશાબને તડકો ક્ષણવારમાં સૂકવી નાખતો હશે. ડોશી સુકાતાં જતાં હોય તો એની માત્રા તપાસી શકાતી નથી, કારણ કે શરીર તો હવે સૂકા ઝાડ જેવું થઈ ગયું છે — વધતું ય નથી અને ઘટતું ય નથી. ડોશી તો ગાભા-લૂગડામાં એક થઈ પડછાયાની પોટલી જેવા ઝાંપે એવાં પડ્યાં છે કે હવે તો આવતા-જતાની નજર પણ એમના પર પડતી નથી.

એ ડોશીનું મોં નીરખવાની મારી હિમ્મત થઈ નથી, પણ ધ્રાંગધ્રામાં સોએક વર્ષનાં એક દૂરના કુટુંબી ડોશી ટૂંટિયું વાળી ખાટલામાં પડ્યા છે એમને નજીકથી નીરખવાનો પ્રસંગ આવે છે ત્યારે ધ્યાનથી એમના ચહેરાની ઊંડી કરચલીઓ જોયા કરું છું. હંમેશના વહેતા પાણીથી પથરામાં લીસી ધારો કોરાય તેમ એમના ચહેરાની કરચલીઓએ પાડેલાં ચોસલાંમાં ચળક ચળક માછલાં જેવી બે આંખો તરે છે. ઘડપણ જોઈને સમયની લીલા યાદ આવ્યા વગર રહેતી નથી. ડોશી કાથીના ખાટલે સૂતાં છે. ખાટલાનો વણાટ અને ડોશીનું મોં; ખાટલાની પહોળાઈ અને ડોશીનું સંકોચાયેલું શરીર-આવું બધું મારા મનમાં વારંવાર અથડાયા કરે છે. ઘેર જાઉં છું ત્યારે મા ખાટલે પડ્યાં છે. છેલ્લા છ મહિનાથી એમણે ઊઠવાનું બંધ કર્યું છે. ખાટલે જ પડી રહે છે. ખાટલે ખાવાનું-પીવાનું અને ખાટલે જ ઝાડા-પેશાબ. ડોક્ટરોએ આશા છોડી દીધી છે, એટલે ભાઈ-ભાભી એમને મનગમતું ખવડાવે છે. એમના ડાયાબિટીક દેહને ઘણા ખોરાક હાનિકારક હોવા છતાં એમને રાજી રાખવા, એમના છેલ્લા દહાડા સુખમાં જાય એ આશાથી, મીઠાઈ કે ભાત પણ પિરસાય છે. આને લીધે તબિયત દિવસે ને દિવસે લથડતી જતી હશે. મા હવે હાડકાંનો ભારો થઈ ગયાં છે, એમને દાંત બરાબર નથી, આંખે મોતિયો છે અને હાથપગ વાથી ઝલાયેલા છે. વધારામાં પૂરું હવે સ્મૃતિછેદ થવા લાગ્યો છે. અમને ઓળખવાનું ભૂલવા લાગ્યાં છે. ઘડી ઓળખાણ પડે, પછી તરત ભૂલી જાય. ઓળખાણ પડે પછી શું કહેવું તે જાણે સૂઝે નહિ તેથી કોઈક રટણ કરવા માંડે. માને માથે ખૂબ વીત્યું છે. ઘર અને કુટુંબને માથે આથિર્ક સંકડાશને કારણે વરસો લગી ખાવાપીવાની ખેંચ અનુભવી તેના પરિણામરૂપ જાણે મા હવે ખૂબ — અને ઝડપથી — ખાય છે અને ખાઈ લીધા પછી તરત ખાધાનો સ્મૃતિલોપ થવાથી ફરી ખાવાનું રટણ કરે છે. માનાં બે લગ્ન થયેલાં. પહેલા લગ્નથી એક દીકરી હતી. એની દીકરી ક્યાંક પરણાવેલી છે પણ એનું એમને ઘણા વખતથી સ્મરણ નથી. મારાથી પણ એને મળાયું નથી. બીજા લગ્ને અમારો બહોળો પરિવાર, પાંચ છોકરા — એમાંથી એકનું બાળપણમાં મૃત્યુ — અને એક દીકરી. બાપુનો ધમિર્ષ્ઠ છતાં આકરો સ્વભાવ, મોટા ભાઈઓનું ભણતર, એની મુશ્કેલીઓ અને છેવટે મોટાં થતાં એક ભાઈનું પલાયન થવું, બીજા બે અને બાપુ વચ્ચે હંમેશના ઝઘડા અને છેવટે કુટુંબનું વિભાજન. એક બાજુ ભાઈ-ભાભીનાં બે જૂથ, બીજી બાજુ એકલાં મા-બાપુ અને તેમની પૂંઠેપૂંઠે ઘસડાતો ઘસડાતો એકલો એકલો હું. જૂના ઘરની પાછળનું ગાયકવાડી મેદાન, બાજુનું કતલખાનું જોયા કરું અને સૂકા ભોગાવે રખડ્યા કરું. બાપુ મસ્જિદે નમાજો પઢતા હોય, સવારના પહોરમાં વહેલા બાંગ દેતા હોય. સુધરાઈની ચૂંટણીમાં ઝુકાવી ઘાંચીવાડ જેવી શહેરની ગંદામાં ગંદી ગલીની મરામત કરાવતા હોય કે જાજરુ બંધાવવા માટે માથાકૂટ કરતા હોય. ભાઈઓ સાથે ઝઘડામાં તપીને લોહી બાળતા હોય. પગના ખરજવે ‘જર્મ્સકટર’ જેવો મલમ ઘસતા હોય કે ઘરનું પૂરું કરવા ગામના વાણિયા, ઘાંચીવાડના વેપારી ઘાંચી કે સુધરાઈના સભ્યો પાસે વારંવાર લેણું કરવા જતા હોય-ત્યારે મા તો ઘરની અંદરની ઓશરીના રસોડિયા કાળા ઓરડે રોટલા કરતા હોય. માના ચહેરા કરતાં ઓરડાની કાળાશમાં ભળી જતી માની હયાતીનું મને વધારે સ્મરણ છે. છાણગારાના ચૂલામાં લાલ ઝાળ કે કોલસા અને એમાંથી ઊડતા તિખારા, એના ઉપર કાળી તાવડીમાં શેકાતો રોટલો કે તપેલીમાં ફફડતું શાક — અને માનો હાથ, જાણે આટલું જ વધારે યાદ રહ્યું છે. મા હાંકો પાડે, જલદી ખાઈ લેવા ધમકાવે તે પણ યાદ છે. પછી તો એ મોહલ્લાનાં બૈરાં સાથે બેઠાં હોય પણ એમને મન મૂકીને ઉલ્લાસમાં હસતાં જોયાનાં સંસ્મરણો બહુ ઓછાં છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી એમની લથડતી તબિયત અને મોતિયો આવ્યો એ કારણોસર મારું એમના તરફ વધારે ધ્યાન ઢળ્યું છે. મા અને દીકરાના સંબંધોની સમીપતા કેવી હોય એનો ખ્યાલ કેટલાક ભાઈબંધોને જોઈને મોડો મોડો આવ્યો તેથી, થોડા દુઃખ સાથે અને થોડા ગુમાવેલાં વર્ષોની નિરાશા સાથે, મા તરફ વળતો ત્યારે એમને ખુશ રાખવા પ્રયત્નો કરતો. મા મૂળ ગામડાનાં, અભણ. એમને ઝાઝી ધર્મ-પ્રીતિ યે નથી. સીધા સાદા ખેડૂતનાં દીકરી. માને ધર્મક્રિયાઓ અને નમાજ શિખવાડતાં ખૂબ વાર લાગી હતી. બાપુ એ જોઈ ગુસ્સે થતા, કારણ કે એ પોતે આપબળે ખૂબ શીખ્યા હતા. હવે સ્મૃતિચ્છેદ થયો છે ત્યારે માને અલ્લાનું નામ યાદ આવતું નથી-ભાઈઓ વારંવાર યાદ દેવડાવે છે છતાં. એને બદલે માને ક્યાં કયાંનાં સ્મરણો જાગે છે-આજનું તો ભુલાયું પણ કાલનું તો જાણે ફરી ઊગે છે, કોઈક વાર કહે છે કે, મને ઘેર લઈ જાવ, હજી બકરાં દોવાનાં બાકી છે. કોઈક વાર કહે છે, સામે કાંઠે લઈ જાવ. કોઈક વાર કોઈને ઓળખીને ભળતું જ બોલવા લાગે છે. એક વાર કહેતાં હતાં કે મહંમદની (મારી) દીકરીને મેં જ ઉછેરીને મોટી કરી છે. પણ આમ જુઓ તો સમીરાને ઓળખે ય નહિ કદાચ. ભૂતકાળનું અને વર્તમાનનું, શારીરિક અને માનસિક, દર્દ એકબીજામાં સેળભેળ થઈ ગયાં છે, એથી ત્રાસીને ‘મારી નાખ્યા માબાપ, કયા જલમનાં પાપ’ એવું રટણ રાતદિ’ કરે છે. એમને આવું રટણ કરતાં રોકવા ભાઈ કે પોતાને ગામથી મને મળવા આવેલ બહેન ઘાંટો પાડી સમજાવે છે અને અલ્લા અલ્લા કરવાની શીખ આપે છે. મા બે ઘડી રોકાય છે અને ફરી પાછાં એ જ રટણ શરૂ કરે છે. માને જોઈને મારું હૃદય હિજરાય છે, છતાં ય સામો બેસું છું, વાત કરવા પ્રયત્ન કરું છું, હાથ ઝાલું છું (જરાક દબાતાં, વાને લીધે એમની રાડ નીકળી જાય છે) અને મારું મોઢું ઓળખાવવા એમની નજીક જાઉં છું. એમની આંખો પાણીનાં ખાબોચિયાં જેવી લાગે છે. ઘણી વાર ઝરણા નીચે લીલમાં જીવ ફરતા દેખાય એમ કીકીઓ ફરે છે. એમનો ચહેરો સુકાઈ ગયો છે. કપડાં નિયમિત બદલી શકાતાં નહિ હોવાથી મેલાં થયાં છે. વારંવાર ઝાડા વગેરે થતા હોવાને કારણે ગોદડી પણ જરા મેલી રહે છે. ભાઈના નવા બાંધેલા પાકા ઘરના ઓરડામાં (પાછળના મકાનને કારણે) બારી નથી એટલે ચારેકોર અંધારું છે-માત્ર એક દરવાજેથી ભખભખ કરતું અજવાળું આવે છે અને એને વીંધતા ઓળા આવે તે માની પાણીસરી આંખમાં ઝબકતા હશે. મા રાત ને દિવસ બોલ્યા કરે છે, જે રટણ ચડી જાય તે કર્યા કરે. ઊંઘ તો વેરણ થઈ છે. તેથી એ લગભગ હંમેશાં જાગતાં જ હોય છે. ભાભી રાતના એમની નજીક સૂએ છે. ધીમે ધીમે બધાં માના રટણથી ટેવાઈ ગયાં છે. કોઈકને વાત કરું છું ત્યારે લોકો એવા અને એથી વધારે વેદના-જનક દાખલા ટાંકે છે. સરખામણીથી શાતા વળતી હશે, દુઃખ ઓછું થતું હશે. ભાઈ પણ કેટલું કરે, શું કરે? બનતું બધું કરી ચૂક્યા છે. ભાભી રાત ને દિવસ માને ખવડાવે-પિવડાવે અને સાફ કરે છે. બસમાં ધ્રાંગધ્રા જાઉં છું ત્યારે પણ તડકો એવો જ રમરમે છે. સાંજના પાછો ફરું છું ત્યારે સૂરજ સામેના થાળે બેસવાની તૈયારીમાં છે. બહેન અને હું બસમાં બેઠાં છીએ ત્યારે અચાનક મારા મનમાં માનું રટણ જાગે છે. બહાર ફૂંકાતી હવામાં ધૂળ ઊેડે છે. ધૂળિયા વંટોળમાં તડકો ઢીલો પડતો જાય છે અને વચ્ચે માંજેલા પિત્તળના ઘડા જેવો સૂરજનો કાઠો દેખાય છે. પૂરપાટ બસ ચાલી જાય છે ત્યારે સાંજનાં ચકલાંનો અવાજ ઓગળી જાય છે. વચ્ચે વચ્ચે આવતા લીમડાની ડાળીઓ અને લીલાં પાંદડાંની નરવાશ, વંટોળ અને ધૂળમાં મળી કોઈ અનિવાર્ય ક્ષણની એંધાણી આપે છે. ઠરતી સાંજનાં હજી ઇંધણની ઝાળ અને તિખારા છે, આકાશની આછરતી સપાટીમાં ભૂખરવાં કણ ચોંટ્યાં છે, રસ્તાની રાતી ધૂળ હવે બળીને કાળી થવા આવી છે. હું અને બહેન જાણે સડસડાટ ભાગતી બસમાં બેસીને ક્યાંક નાસી જતાં હોઈએ એવું લાગે છે. ગામ પાછા ફરતાં બસ ઊભી રહે છે ત્યાંથી દેખાતા એક ઘરના રસોડામાં ઇંધણ સળગી રહ્યું છે. અમે ચાલીને ઘેર પહોંચીએ છીએ. ઘેર પહોંચતાં જ માનું રટણ સાંભળું છું. વાળુ કરી રાતે ધાબા પર ખાટલે પડું છું. ખાટલે લીમડાનો મ્હોર વેરાયો છે. સમીરા અને કબીરના વિચારે ઢળું છું ત્યારે લીમડો હવામાં હલે છે. તાપ શમ્યો છે, અડધી પડધી ઠંડક છે. તડકા અને વિચારોથી પાકેલું મારું મગજ લીંબોળી જેવું ઝૂલે છે. નીચે મા રટે છે : “કયા જલમનાં પાપ…” [સુરેશ હ. જોષી સંપાદિત ‘ગુજરાતી સર્જનાત્મક ગદ્ય : એક સંકલન’ પુસ્તક : ૧૯૮૧]