સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુલામ રસૂલ કુરેશી/બોલવાની જરૂર ન પડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ઇસ્લામના બીજા ખલીફા હઝરત ઉમર સાહેબને જેરુસલેમ આવીને ઇસ્લામનો પયગામ સુણાવવાનું આમંત્રણ તે કાળે ત્યાં વસતા ખ્રિસ્તી આરબો તરફથી મળ્યું. હઝરત સાહેબ એક ઊંટ અને તેનો રખેવાળ લઈને જેરુસલેમ જવા નીકળ્યા. સામાન્ય રીતે ઊંટ પર બે જણ સવારી કરે. પણ હઝરત સાહેબના દિલમાં થયું કે આટલી લાંબી મુસાફરી છે; બે માણસનો બોજો બિચારા મૂંગા પ્રાણી પાસે શા માટે ખેંચાવવો? રખેવાળ દોરી પકડીને આગળ ચાલતો હતો અને હઝરત સાહેબ ઊંટ પર બેઠા હતા. ત્યાં અચાનક એમના દિલમાં થયું : હું ય માણસ છું, ને આ રખેવાળ પણ માણસ છે. ખુદાએ મને પણ બે પગ આપ્યા છે, એને પણ બે પગ આપ્યા છે. અલ્લાહના દરબારમાં ઊંટના રખેવાળ કે ખલીફાનો ભેદ નથી. ત્યાં સૌની કરણી બોલે છે. કયામતને દિવસે તો અહીં આચરેલી ભલાઈ જ કામ આવે છે. “અરે ભાઈ રખેવાળ!” “જી.” “જો, આપણે ઘણી લાંબી મજલ કાપવાની છે. આપણે બે જણ આ મૂંગા પ્રાણી ઉપર ચઢી બેસીએ એ તો બરાબર લાગતું નથી. તેમ તું એકલો જ ચાલે ને હું તો ઊંટ પર બેસી રહું, એ પણ ન્યાયી લાગતું નથી. માટે એમ કર : એક મંજિલ તું ઊંટ પર બેસ ને એક મંજિલ હું બેસું.” “અરે હઝરત સાહેબ! આપ આ શું કહો છો? હું તો આપનો રખેવાળ છું. ઊંટની નકીર ઝાલીને ચાલવું ને આપને જેરુસલેમ પહોંચાડવા, એ મારી ફરજ છે.” રખેવાળે કહ્યું. “તારી વાત સાચી છે. પણ તને ખબર છે? ઇસ્લામમાં એવા ભેદ નથી; સૌ સરખા છે. માટે હવે તું ઉપર આવી જા. હું એક મંજિલ સુધી ઊંટની નકીર લઈને આગળ ચાલું છું.” ખલીફાએ કહ્યું. “હઝરત સાહેબ! આપ આ શું કહો છો? શું હું ઉપર બેસું? અને આપ ઊંટની નકીર ઝાલીને આગળ આગળ ચાલો? એ કેમ બને?” “કેમ નહીં?’ “ક્યાં આપ ને ક્યાં હું? આપ સારીય મુસ્લિમ આલમના ખલીફા છો; હું તો એક મામૂલી ઊંટનો રખેવાળ છું.” “પણ ઇસ્લામ જ મને કહે છે કે ન્યાયનો અમલ કર. ન્યાય કહે છે કે આ દુન્યવી ભેદો સાચા નથી. આખરે તો આપણે સહુ એ જ ખુદાતાલાની ઓલાદ છીએ. સૌ સરખાં છે.” “પણ મારાથી તો ઉપર બેસી જ કેમ શકાય?” “ના શા માટે બેસાય? હું તને કહું છું ને! શું ન્યાયનો અમલ કરવામાંથી તું મને પાછો વાળીશ?” “હઝરત સાહેબ! આપની મોટી મોટી વાતો મને સમજાતી નથી. હું તો આપના જૂતાની રજ બરાબર પણ નથી. શા માટે આપ મને શરમાવો છો?” “હું શરમાવતો નથી, મારી ફરજ અદા કરું છું. તું ઉપર બેસી જા. વારા મુજબ બીજી મંજિલે પાછો હું સવાર થઈશ, ને તું આગળ ચાલજે.” સંકોચાતે દિલે રખેવાળ ઉપર બેઠો. એને મન તો માલિકની આજ્ઞા જ સર્વેસર્વા હતી. એણે વિચાર્યું, એમાં પણ કાંઈક હેતુ હશે. આવા મહાન પુરુષ વિચાર્યા વગર કશું ન કરે. યાત્રાની મંજિલો એક પછી એક કપાવા લાગી. હઝરત ઉમર અને રખેવાળ વારાફરતી ઊંટ પર સવાર થવા લાગ્યા. અંતે જેરુસલેમનાં મકાનો દેખાવા લાગ્યાં. હવે છેલ્લી મંજિલ હતી. ખુદાનું કરવું અને ત્યારે જ રખેવાળનો ઊંટ પર બેસવાનો વારો આવ્યો. રખેવાળ તો શહેર નજીક જોઈને ચાલ્યે જ જતો હતો, પણ ખલીફાએ તેને રોક્યો : “ઊભો રહે.” “કેમ?” “તું ભૂલી કેમ જાય છે?” “શું?” “આપણે નક્કી કર્યું હતું તે. અહીં મંજિલ પૂરી થઈ. હવે તારે ઉપર બેસવાનું ને મારે નીચે ઊતરવાનું.” “પણ હવે તો શહેર આવી લાગ્યું.” “તેથી શું?” “આપ મને શા માટે શરમાવો છો? જેરુસલેમના આરબો શું માનશે?” “ભલે એમને જે માનવું હોય તે માને!” “પણ હું ઉપર બેસું ને આપ મારા ઊંટને દોરો એ તો કેમ સહેવાય?” “ભલા માણસ! શું ઊંટની નકીર ખેંચવી એ હલકું કામ છે? આપણે બંનેએ સાથે યાત્રા કરી છે. આપણે ઠરાવ્યા મુજબ હવે મારો ચાલવાનો વારો આવ્યો છે. લોકો મને પગે ચાલતો જોશે તેથી શું? મારે શું મારી ફરજ ચૂકવી? ન્યાય અને સચ્ચાઈને શું જતાં કરવાં?” વળી પાછો રખેવાળ લાચાર બનીને ઉપર બેઠો. હઝરત સાહેબ ઊંટની નકીર પકડી, ખુદાની બંદગી કરતા કરતા આગળ ચાલતા હતા. ત્યાં નગરમાં હઝરત ઉમરના સ્વાગતમાં આરબોએ મોટી તૈયારી કરેલી હતી. મોટી મોટી કમાનો ઊભી કરી હતી. આખું શહેર એમને જોવા, એમને મુખેથી ઇસ્લામની વાણી સાંભળવા અધીરું બન્યું હતું. જેરુસલેમની આ તેમની પહેલી જ મુલાકાત હતી. શહેર આવી પહોંચ્યું. પહેલાં તો હરખઘેલા લોકોએ રખેવાળને જ ખલીફા માની લીધા. પણ પછી થોડી વારમાં એમને સાચી પિછાન થઈ. મામૂલી રખેવાળના ઊંટની નકીર પકડીને આગળ ચાલતા ઇસ્લામના બીજા ખલીફાને નિહાળીને તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. આંખો આનંદ ને ભક્તિનાં આંસુથી છલકાઈ ગઈ. સાંજે લોકોને એ સફરની આખીયે વાતની ખબર પડી. પછી તો શું જોઈએ? નગરની સમસ્ત પ્રજાએ ઇસ્લામનો અંગીકાર કર્યો — જે ધર્મના મહાપુરુષના જીવનમાં આવી સચ્ચાઈ હોય, આવો ન્યાય હોય, મૂંગા પ્રાણી પ્રત્યે આવી સહાનુભૂતિ હોય, તે ધર્મ કેવો મહાન હશે!… હઝરત સાહેબને કશું બોલવાની જરૂર ન પડી.