સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચંદ્રકાન્ત કાજી/એકડે એકથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          પુનર્નિર્માણ કરવાનો વિચાર કરતાં દરેક વખતે એક જ પ્રશ્ન થાય છે કે શરૂઆત ક્યાંથી કરવી? આપણે એક જ દૃષ્ટિબિંદુ લઈએ, આ એક ક્ષેત્રા વિશે વિચારીએ : વહેમ, ભૂત-ડાકણ, ખોટા રિવાજ, એ જાણીતા વિષયમાં નવેસરથી રચના કરવાની હોય તો ક્યાંથી કરવી? એકડે એકથી. એટલે કે નર્મદ, નવલરામ, દુર્ગારામ મહેતાજીના જમાનામાં જે રૂઢિ, વહેમ વગેરે હતાં, તેવાં જ આજે છે. ના, મારા નમ્ર મતે વધારે બલવત્તર થયાં છે. ત્યારે ભૂત આવતાં, પણ ખૂનો નહોતાં થતાં. ત્યારે માતા દેખાતાં, પણ ગળેફાંસો નહોતો દેવાતો. આજે પણ વહેમ એટલો જ પ્રબળ છે. નર્મદના જમાનામાં કોઈએ પૃથ્વીનો પ્રલય થશે એવું જાહેર કરેલું, એટલે લોકોએ જાગરણ કર્યાં હતાં. ૧૯૬૦માં એવી જ અફવા ચાલી હતી, ત્યારે ડાકોરમાં અને બીજાં શહેરોમાં લોકો પાદર ઉપર નાસી ગયાં હતાં. કંઈક પંચગની જેવા હિલસ્ટેશન પર દોડી ગયાં હતાં. સો-દોઢસો વરસના સુધારા પછી પણ અફવાઓ આપણે એટલી જ શ્રદ્ધાથી માનીએ છીએ. ભૂત-માતાના કિસ્સાઓમાં સાસુ-નણંદ-ભાભી, વર-જેઠ-સસરો સૌ પોતપોતાનાં મમત્વ કબૂલ કરાવવા, સ્વાર્થ સાધવા ખૂનરેજી સરજવા સુધી પાછી પાની કરતાં નથી. વહેમના માર્યા ખૂન નહીં તો આપઘાતની પરંપરા પણ એટલી છે. દર વરસે સ્ત્રીઓએ કરેલા આપઘાતની સંખ્યાએ પણ આપણી બુદ્ધિને જાગૃત નથી કરી. બે જુદી ન્યાતનાં પરણી જતાં, એક જ વર્ણમાં પેટાજાતિમાં લગ્ન થતાં, ‘ઊહાપોહ’, ‘હાહાકાર’ મચી જતો હજી ચાલુ છે. હજી સ્ત્રીઓની પાનીમાંથી કંકુ ખર્યાના દાખલા નોંધાયા જાય છે. એક-બે જણને આવી વાત કરી, તો કહે છે કે બીજા દેશોમાં પણ આવા વહેમના દાખલાઓ તો બને જ છે. બીજા દેશમાં વહેમનાં મૂળ ઊંડાં હોય, એટલે આપણે પણ રાખવાં! બાળલગ્ન-પ્રતિબંધ કાયદો છે, છતાં બાળલગ્નો દર સાલ થાય છે, ઉઘાડે ચોક થાય છે, સમાજ આવું થવા દે છે. એટલે, સમાજને સુધરવું નથી. એવા સમાજને સુધારવાનો છે. સમાજ જે હતો તેવો જ છે; થોડાંક ઘરોમાં સુધારો દેખાય છે, પણ ભીતરમાં તો એવી જ પરિસ્થિતિ પ્રવર્તે છે. એટલે કામ કરનારાએ એકડે એકથી જ શરૂઆત કરવાની છે. ઘણાંએ ઘણું કર્યું છે, તેની ઉપર પાણી ફરી વળ્યું છે એમ સમજીને જ નવેસરથી શરૂઆત કરવાની છે. તટસ્થ રીતે, આવેશ વગર, રૂઢિથી પર, તાર્કિક રીતે, સમતોલપણે, ધર્મ-કોમ— ન્યાત વગેરેથી પર જઈ સારાસારનો, સમસ્ત સમાજની પુનર્રચનાનો વિચાર કરતાં ક્યારે થઈશું? થઈશું ખરાં?