સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચંદ્રકાન્ત કાજી/ગૂંગળાતા કિશોરો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          કૅન્સરથી મરણપથારીએ પડેલા પિતાનો સમૃદ્ધ વારસો સ્વીકારવાની એક જુવાન દીકરાએ ઘસીને ના પાડી દીધી. એણે કહ્યું, “તમે મને ઘણીબધી વસ્તુઓ આપી છે એ વાત સાચી; પણ મારે ખરેખર જેની જરૂર હતી એ ચીજ તો મને મળી જ નહીં. હું તો હતો કેવળ તમારા પ્રેમનો ભૂખ્યો. પણ તમે પૈસા કમાવા પાછળ એટલા બધા પડેલા હતા કે અમારે જે જોઈતું હતું તે તમે આપી શક્યા જ નહીં. અમારે જરૂર હતી ખુદ તમારી જ.” ઓગણીસ વરસની એક મૂંઝાયેલી કન્યા કહે છે : “જેની સાથે વિશ્વાસથી વાત કરી શકું એવા કોઈ વડીલ મને મળ્યા નથી. મારા તંગ જીવનમાં હું કેવળ ટેલિવિઝન અને સામયિકો મારફત સંતોષ મેળવું છું. મારાં કુટુંબીજનો પાસેથી મને પ્રેમ કે સહાનુભૂતિ સાંપડતાં નથી. સહુ પોતપોતાનાં કામકાજમાં મશગૂલ હોય છે. મારા મનમાં જાતજાતના સવાલો ઊઠે છે. પણ રખેને મારા સવાલના જવાબ આપવા પડે એ બીકે મારી માતા મારી સાથે લાંબો વખત ગાળતી નથી. મને સમજવાનો પ્રયત્ન કરે, મને સાચી સલાહ આપે એવી કોઈક વ્યક્તિની મારે જરૂર છે.” નશીલા પદાર્થોના સેવનને માર્ગે વળી ગયેલો એક કિશોર કહેતો હતો કે, “નશાની ગોળીઓ લેવા હું લલચાયો તે પહેલાં મારે ખરેખર તો જરૂર હતી એ ગોળીઓમાંથી મળે નહીં એવી, બજારમાં ખરીદી શકાય નહીં એવી ચીજની — પ્રેમની.” એક સ્વકેન્દ્રી અને સ્નેહ વગરની સૃષ્ટિમાં આજે આપણે જીવી રહ્યાં છીએ, તેને પરિણામે આવાં કિશોર-કિશોરીઓ અનેક કુટુંબોમાં ગૂંગળાઈ રહ્યાં છે. તેમનાં પોષણ અને વિકાસ માટે સારા ખોરાક, સુંદર કપડાં, તરેહતરેહની ચીજવસ્તુઓ કે મોંઘાદાટ શિક્ષણના કરતાં પણ અનેક ગણું મહત્ત્વ છે પ્રેમનું — એ તેમનાં માબાપોને કોણ સમજાવશે?