સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચંદ્રકાન્ત કાજી/તું છે મારી અંદર તેથી —

From Ekatra Wiki
Jump to navigation Jump to search

તું છે મારી અંદર તેથી ભર્યો-ભર્યો હું લાગું!
તું લીલોછમ અંદર તેથી હર્યોભર્યો હું લાગું!
તારું છે પાતાળ, એથી તો ખરા ઉનાળે પાણી;
તારી એવી ફૂંક-વાંસમાં ફૂટે મીઠી વાણી;
તારો છાંયો મળ્યો એટલે ઠર્યોઠર્યો હું લાગું!
તારી આંખે સૂર્ય એથી તો દિવસ થઈ સૌ દેખું;
રાતે તારે દીવે મારું પગલું પડતું પેખું;
તારી છોળે છોળે તટ પર તર્યોતર્યો હું લાગું!
તું છે મારા પર્ણે પર્ણે, તું છે મારા મૂળમાં;
તારો અઢળક રંગ ઊઘડે અહીં આ દરેક ફૂલમાં;
તારી મઘમઘ લ્હેરે બધે જ ફર્યોફર્યો હું લાગું!