સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચંદ્રકાન્ત કાજી/મમીરો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          “ટિયાં તો વેગરે આવેલો એક બેટ, ને ટિયાં મારો નન્નો દીકરો રેએ. ઈને થોરી પૂંજી આપીને હુંએ મોકઈલો, અને ટિયાં આવટાં જટાં વહાણોને બટ્ટીથી ખબર આઇપા કરે; અને જવારે ટન-ચાર મહિના થવાના ટવારે ઈ હોડીમાં ઈંયાં આવવાનો અને બીજો મોટો દીકરો ટો ડીટરાનો ડરિયો ખૂંધે જો.” કોની છે આ ભાષા? એ છે આલમમહૂશર, સાહસશૂર, ભોળા ભડવીર, ભીમપોરના ખારવાઓની. અને ભીમપોરનો ખારવો એટલે દરિયાલાલ— એ-એ-એકવાર, એકવાર, એકવાર, એ…એક વાર ભીમપોર જાજો રે ઘેરિયા, ઘૂમવા દરિયાલાલ, ઘેરિયા ભીમપોરિયા, રે…ઘેરિયા ભીમપોરિયા. નવરાત્રિમાં કેડે ઘૂઘરા બાંધી, ગળે ગલગોટાના હાર પહેરી, એકાદ જણ ‘બિલાડી’ બની ઘેરિયા રમવા આવે, ત્યારે જાતજાતનાં ગીતો ગાય. સુરતથી ભીમપોર ચૌદ જ માઈલ દૂર, અને એ રસ્તે શ્રાવણ મહિનામાં અસલ બળદના એક્કા દોડાવવાની શરતો થતી તે જોઈ હતી. સુરતમાં ઘર રંગવા આવતા ત્યારના ખારવાઓને તો હું ઓળખું, અને એમની ભાષા પણ જાણું. મંછી ખારવણ અમારે ત્યાં લગનસરામાં કાં કાં કામ કરવા જતી. એની ફા ભીમપોર, અને આની ફા ડુમ્મસ, અને સામે કોર દેખાય એ હજીરાની દીવાદાંડી. ભીમપોરના એક બુઢ્ઢા ખારવાનો જવાન દીકરો તાં નોકરીએ રહેલો, અને બીજો ટો ડીટરાનો ડરિયો ખૂંધે. ‘ડીટરો’ એટલે ‘મેડીટરેનિયન’, ભૂમધ્ય સમુદ્ર. વર્ષો સુધી પી. એન્ડ ઓ.ની સ્ટીમરમાં ખલાસીઓ મોટે ભાગે ભીમપોર-ડુમ્મસના ખારવા જ રહેતા. ‘ડરિયો ખૂંધવો’ એ તો એના હાથની નસમાં. જિબ્રાલ્ટર અને માલ્ટા એની આંખ નીચે. રાતો દરિયો તો આમ કુદાવી જાય. આગળ ઉપર ‘સિંધિયા’ના અફસરો ઘણી વાર કહેતા કે સરસમાં સરસ સેઇલરો ચટગાંવના, મદ્રાસના, અને ભીમપોર-ડુમ્મસના. ‘ડીટરાનો ડરિયો’ વારંવાર ખૂંદી આવેલો મમીરો, તે ઉપરનાં વાક્યો બોલનારનો જ ‘ડીકરો’. એ મમીરાના બાપને હું ડુમ્મસમાં મળેલો. બ્લૂ પહેરણ, પટ્ટાવાળી ટોપી, ગળે રંગીન રૂમાલ, ને હાથમાં બાસ્કેટ, એમ દુનિયા ફરતા દરિયાના ડુંગરા એણે કંઈ વાર ઓળંગેલા. જગન કારા, ઇસબ માલમ, આંબો ટંડેલ અને ઈશર ગોવન, એ ચાર જણ જ્યારે ડુમ્મસના બજારને ચોતરે વાતે વળગે ત્યારે વિશાળ દિક્કાલમાં વિસ્તરેલા જગપગથારના ઓટલા ખંડાતા. જગન કારા મમીરાનો બાપ, જમાનાનો ખાધેલ, કંઈક દરિયાનો ખૂંદનારો હતો. ભલભલા ટંડેલો અને માલમો એની સલાહ પૂછવા આવતા. વહાણની બાંધણી જોઈને એની સાલવારી અને બંદરબારું કહી આપતો. દરિયાના તાગ પારખી લેતો, અને કંઈક આવતી જતી ફતેહમારીની જન્મોત્રી ઉકેલી આપતો. જગન કારાએ ‘બે સો આંટા ગલાસગોના મારેલા’, અને તિયાં નજીકમાં હિન્દી ખારવા ખલાસીઓએ વસાવેલા નાનકડા કસ્બાના લોકોની વંશાવળી લલકારી આપતો. એણે આગબોટો ડૂબતી-ડુબાડતી જોઈ હતી, બળતી ખાંગી થતી નિહાળી હતી, ખડકે અથડાતી ડૂબેલી પાછી કઢાતી પણ ભાળી હેતી. એના મોટા દીકરાએ ’૧૪-’૧૮ પહેલી લડાઈમાં હિન્દના કાંઠાને રંજાડવા આવેલી જર્મન સ્ટીમર એમડનની પૂંઠ પકડવામાં ભાગ લીધો હતો. એ જગન કારાએ ‘ગીરીન લેન્ડ’ની સફર કરી હતી. “તિયાંના તરતા ડુંગરા એવા તો સફાઈથી છુપા રહીને તરે જો! એક વાર અડફટે ચભઈડા તો તરિયે જામી જવાના. બરી મોટ્ટી ઇસ્ટીંબર ટિટેનીક તિંયા એમ જ ડૂબી ગીએલી” કહેતો, તે સાંભળવાની મઝા આવતી. કેપ ઓવ ગુડ હોપની તો કેટલી પ્રદક્ષિણા કરી હશે. “તિંયાના વાયરાને તો એવો આફરો ચડે અને ફીકરી ખાઈને ફૂંકાય કે ભલભલા વહાણે તમરી ખાઈ જાય, અને પાણીના મોટા જુવારમાં તો મોજાં એવાં ફાટે કે ઉપરની ફુમકી જોતાં આપણે ધરાઈએ જ ની!’ રોશિયા ટાપુઓ ને મોરીશસ, આણીગમ મલાયા-જાવા, પેલી ફા માલ્ટા-સિપ્રો, અંગ્રેજ કોસ્ટાની દીવાદાંડીઓ બધું એની નિગાહબંધીમાં. અલકમલકના ઊછળતા દરિયાને સુકાનના ચક્કરે એણે વીંધેલા. એની એક બેટી પરણાવેલી મસ્કતમાં, દીકરા માટે વહુ આણેલી પોરબંદરથી, ને જાત-વ્યવહાર વેરાવળ, માંડવી, બસરા, વગેરેથી છેક એડન સુધીના ખારવાઓ સાથે બાંધેલો. એક સાંજે અમે સૂર્યકુમારીના સંગમ આગળ ઊભા હતા. સૂર્યની દીકરી તપતી-તાપી, તે અહીં આવીને સમુદ્રમાં ભળી. એ દૂર દેખાય હજીરાની દીવાદાંડી, અને પેલી કોર ભાઠું. કેવો વળાંક ખાઈને નદી અહીં મળે છે! જરાક દૂર નર્મદા, અને પછી મહિસાગર, ભૃગુકચ્છ, કાવી, સ્તંભતીર્થ, જ્યાં વૈદિક સરસ્વતી સાગરને ભેટવા આવી હતી! આમ ઉભરાંટ અને આમ ઓરપાડ, સામે કાઠિયાવાડ અને પણે દૂર દીવ, એક પછી એક જાણે જમીનમાંથી ઊપસી ઊપસી નજર સામે વિલીન થવા માંડે છે. અહીંથી, આ જ નદીમુખેથી સુરતથી વહાણમાં બેસી નર્મદ મુંબાઈ જવા ઊપડ્યો હશે. અહીંથી જ ત્રણસોએક વર્ષ પર હિંદનો પાદશાહ ઔરંગઝેબ સુરતના લકડી પુલ ઉપરથી નીકળી જહાજમાં બિરાજી મક્કે હજ કરવા ઉપડ્યો હશે. અને હા! આ જ બારણામાંથી ફરાંસિયા, વલંદા, પોર્ટુગીઝિયા ને અંગ્લીસીયા વેપારીઓ પોતાનાં વહાણો સુરત બંદરે લાંગરવા પેઠા હશે. આ એ જ હજીરાની દીવાદાંડીએ એમને રસ્તો બતાવ્યો હશે. પછી તો સફેદ સઢવાળા બગલાથી માંડીને મોટી મનવારોમાં સર ટોમસ રો અને કંઈક અંગ્લીસ-વલંદા અફસરો હિંદ દ્વારે ઊભરાવા માંડ્યા. બેચાર વાર ફરાંસિયા તોપોએ વલંદા તોપોને પડકારી, અને અંગ્લીસિયા પોર્ટુગીઝિયા સામે ઝઘડ્યા, અને આખરે અંગ્લીસિયા તોપોના ધડાકા હિંદ ભૂમિ પર વછૂટ્યા : અહીં જ, આ અહીં જ… જગન કારાએ ચારેકોરની દુનિયા ખૂંદી હતી, અને સાતે સમંદર ડહોળેલા. પણ એ કહેતો કે, નોર્વેના એક બંદર પાસે બે ઊંચી મોટી પથરાળ ભેખડો વચ્ચે, વરસમાં એક ચોક્કસ દિવસે બરાબર મધરાતે, કાળજું ચીરી નાખે એવી એક ચીસ સંભળાય છે એવી વાત સાંભળી હતી. એ જ્યારે જ્યારે અંગ્લીસ ખાડી ઓળંગી જતો કે એને એ વાત યાદ આવતી, અને મનમાં ચણચણાટ થયા કરતો. આખરે એક વખત તો તે બાજુના આંટામાં એક ફેરો ચુકાવી ત્યાં જ રજા લઈ એણે નોર્થ સી ઓળંગી નોર્વે જવા ઠરાવ્યું. એ જમાનામાં ત્યાંથી નોર્વે જવા માટે એમ ચાલુ સ્ટીમરો તો મળે નહિ, પણ એક ફિશીંગ બોટમાં, ત્યાં જ કોઈ સંગાથે ઓળખાણ પાડી, એ ને એક એવો જ બીજો આયર્લેન્ડનો ધૂની ખલાસી હામ ભીડી નોર્વે પહોંચ્યા. જગન કારો કહે કે, ઠંડી તો એવી પડે કે ગાતર થીજી જાય, અને મૂછોમાં બરફ બાઝે! પણ હવે “નીકઈળા એટલે નીકઈળા. માથે અલ્લા બેલી.” ભાઈ, પેલો આયર્લેન્ડનો પીટર અને આપણો કારો, બંને ત્યાંના ખલાસીઓને મહા મથામણે પોતાનો મનસૂબો સમજાવી શક્યા, અને એ દિવસને તો હજી બે મહિનાની વાર, એમ જાણતાં ખૂબ જ નિરાશ થઈ પાછા આવવા મંછા કીધી. પણ તરત વહાણ ન મળ્યું, અને પછી તો દા’ડા ઢુંકડા રહ્યા કરી જેમતેમ બે મહિના ત્યાંના ખલાસીઓ ભેગા રોજના સાતઆઠ કલાક કંઈ કામ કરી પેટિયું કાઢી પૂરા કીધા. જગન કહે, તે રાતે કુતૂહલના માર્યા કંઈ ખાધું નહિ અને ભેખડની ટોચે ચડી મધરાતની રાહ જોતા બેઠા. ત્યાંના લોકોએ બહુ વાર્યા કે અલ્યા એવું સાહસ કરો ના; કોઈ ત્યાં જતું નથી. ઊલટાના નજીકમાં જે કોઈ રહેતા હોય છે તે પણ આઘાપાછા થઈ જાય છે! એ મધરાતની કિકિયારી એટલે શું? એક વાર સાંભળ્યા પછી જીવતા રહેવું જ મુશ્કેલ. ના માન્યું ’લ્યા! અને બંનેય જણા ધાબળા લપેટી દુનિયાને કાંગરે ટૂંટિયું વાળીને બેઠા! પવન તો ચારે ગમથી સૂસવાટા કરે, અને ઘુમરડી ઘાલી ખીણ સોંસરવો પેસે અને કાં નો કાં અલોપ થઈ જાય. પણ એટલામાં એનો ભગલાનો ભાઈ રઘલો બીજો ઘૂંઊં ઘૂંઊં કરતો દેતોક ને આવ્યો જ છે! અને એમ ઉપરાઉપરી પવનની ઝાપટોં આવ્યા જ કરે. કાળું મશ અંધારું ને ચાંદો-તારો કંઈ શોધ્યો જડે નહિ. કલાક બે કલાક પવન એક સૂર હલાવે, પછી વળી બાજી બદલી નવો અવતાર ધરે, અને જુદા જ પડઘા ઘાલે. અગિયારેક વાગ્યા સુધી તો ઠીક ચાલ્યું. ગજવામાં જ ઘડિયાળ, પણ કોની તાકાત છે કે જુએ? આંગળાં પણ વળવાં તો જોઈએ ને? પછી તો, જગન કહે, એવી થઈ છે! એવી થઈ છે! પવનનો એક ફિરકો આવે ને બીજો આવે. જાણે સામેથી બંદૂકના ગોળા આવતા હોય ને બેવડા જોરે પાછા જતા હોય! અને પછી તો પવનના ચોકિયાતો સામસામા સવાલજવાબ કરવા મંડ્યા! ખૂણેખૂણેથી હોકારા દેવા લાગ્યા! જાણે પવનની આખી ફોજ ડુંગરે ડુંગરે ગોઠવાતી ના હોય! આ તો પવનની માંડી; પણ નીચે સાગરિયો જો ભરખ્યો ભમે છે! જેમ જેમ પવન ડચકારા બોલાવે તેમ તેમ એ હીબકાં ખાઈ, આફણીઓ થઈ ફુમતાં મરોડે, અને ખીણ સોંસરવાં ધસી ધમપછાડ કરી, માતંગ કિલ્લાના દરવાજા સામે અફળાય એમ, ડુંગરાનાં મૂળિયાં હચમચાવવા અથાગનાં માથાં અફાળે. ઘડીભર તો અમને થતું કે ડુંગરો ડોલવાનો અને અમે હોમાવાના. એટલામાં મધરાત થઈ હશે, ને દૂર દૂર કંઈ તાપણા જેવું સળગતું દેખાયું. પણ એટલામાં તો એ હોલવાઈ ગયું કે અલોપ થઈ ગયું કે શું થયું, કોણ જાણે! અને પછી, મારી જિંદગીમાં નહિ અનુભવેલો એવો એક પવનનો વજ્જર ધૂમરો, ખૂબ દાબીદાબીને ઢાંકી રાખેલા કાનના પરદા પણ ફાડી નાખે એવો, સાગરના જુવાર હંગાથે ઊપડ્યો. આખી ખીણને જાણે ખાઉં ખાઉં કરતો અંદર ધસતો આવ્યો ને ઘડીભર તો અમને થયું કે પૃથ્વી ફરતી થંભી ગઈ! બેત્રણ ધબાક ધબાક એવા ભીષણ-ભયંકર અવાજો સંભળાયા, ને ભાઈ, ખરું કહું? એ જ વખતે પૃથ્વીનાં પેટાળ ચીરતી હોય એવી એક કારમી ચિચિયારી સંભળાઈ! મેં એવી ચીસ અગાઉ કદી સાંભળી નહોતી; ફરી કદી સાંભળી નથી. અમે બે તો સડક થઈ ગયા, એકબીજા સામે જોવાની ગમ પણ ભૂલી ગયા. પછી કલાકેક મોતનાં ખપ્પર જોખાયાં, પણ ચીસ તો એ એક જ. ત્રણેકને શુમારે જરા પવન થાક્યો, અને દરિયો ટાઢો પડતો લાગ્યો; પણ અમે ત્યાંથી નીચે ઊતરવા જિકર કેમ કરીએ? એક તો કંઈ દેખાય નહિ, અને દિલમાં બધે પેલી ચીસ ભરાઈ રહેલી, તે પગ જ ના ઊપડે. કપડાંમાંથી જે ગરમાવો મળ્યો એ મેળવી, ભેગા થઈ પડી રહ્યા, ને અલપઝલપ ઝોકાં ખાતા રહ્યા. માથે અલ્લાબેલી! અને મારી જાતના કસમ, એ ચીસ ને એની ભડક દિલ સોંસરવી જે પેઠેલી તે હજી નીકળી નથી. [‘બાંધ ગઠરિયાં’ પુસ્તક : ૧૯૭૨]