સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચંદ્રકાન્ત બક્ષી/ડૉક-મઝદૂર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          પોર્ટ-રેલવેના પાટા ઓળંગીને મસૂદ અહમદ નદી-કિનારાની છોટી સડક પર આવ્યો. ડાબી તરફ રેલવેનો લાકડાનો પુલ હતો. મસૂદ પથ્થરની સીડી ઊતરીને નદીના પથ્થરો પર આવીને ઊભો રહ્યો. એની જૂની છત્રીમાં એક સળિયો કપડું ફાડીને બહાર નીકળી ગયો હતો. હૂગલીની મુલાયમ માટીમાં છત્રી ખોસીને નદી તરફ જોતાં એણે જોરથી બૂમ મારી : “નંબર પચપન…!” નદીના પહોળા પટ પર ધુમાડાથી કાળી પડી ગયેલી ડિંઘીઓ, નાનીમોટી લોન્ચો, પોર્ટ-કમિશ્નરની બોટો ખચાખચ જામેલી હતી. મૅન ઑફ વૉર જેટ્ટીની લગોલગ ત્રણ દિવસ પર આવેલી બ્રિટિશ ક્રુઝર ‘એચ. એમ. એસ. ગૅમ્બીઆ’ પર મસ્ત ગોરા ખલાસીઓ આંટા મારી રહ્યા હતા. સામેની એક નાની હોડીમાં એક ચૂલા પર એલ્યુમિનિયમના તપેલામાં ચાવલ બફાઈ રહ્યા હતા, અને પાસે લાલ લુંગી પહેરેલો એક માઝી મોટા છરાથી મરચાં કાપી રહ્યો હતો. “પચપન નંબ…ર!” સામેથી નદીના પાણી પર ગબડતો હોય એવો ફિક્કો અવાજ આવ્યો : “હાં…!” મસૂદે જોયું કે દૂર એક હોડી પર એક છોકરો હાથ ઊંચો કરી રહ્યો હતો. એણે જવાબમાં હાથ ફરકાવ્યો. દૂરથી હોડી નીકળી રહી હોય એવો ખળખળાટનો અવાજ આવ્યો. મસૂદે ખિસ્સામાંથી બીડી કાઢીને સળગાવી અને આસપાસ નજર નાખી. જરા દૂર રજબઅલીની હોડીમાં તમાકુના થેલા ગોઠવાઈ રહ્યા હતા. રજબઅલી એના જ ગામનો માઝી હતો. સારા પૈસા બનાવતો હતો. પાકિસ્તાનમાં જમીન-જાયદાદ હતી. અહીં પણ એની ત્રણ હોડીઓ ચાલતી હતી. પણ એનામાં એક બડી ખરાબી હતી : બિરાદરીમાં એણે કોઈ દિવસ કોઈને મદદ કરી ન હતી. ગઈ સાલનો જ કિસ્સો : છ નંબરના વેરહાઉસમાં જ્યારે ક્રેઈનમાંથી કપડાની ગાંઠ અસ્લામના પગ પર પડી હતી ત્યારે અસ્લામે ઘેર મોકલવા પચાસ રૂપિયા માગેલા, પણ એ કમબખ્ત એક પૈસો પણ શાનો છોડે? અને અસ્લામની ટાંગ તૂટી ગઈ ત્યારે સરકારે પણ શું આપ્યું? એંશી રૂપિયા આપીને ઘરભેગો કરી દીધો. એની મઝદૂરી ખતમ થઈ ગઈ… જવાન આદમી હતો, હજી પચીસ સાલ મહેનત કરી શકે એમ હતો. પણ તકદીર ગરીબનું લાવ્યો — થાય શું? આજ હવે કપડાની ફેક્ટરીમાં નવા તાકાઓને જિલેટીન પેપર લગાવે છે બેઠો બેઠો. પાણી કાપતી કાપતી હોડી સામે આવી ગઈ. હલેસાં મારતા છોકરાએ પૂછ્યું : “કેમ, મસૂદ?” હોડી કિનારે આવી. મસૂદ ડાબા હાથથી લુંગી ઊંચી કરીને ટેકવેલા પાટિયા પર આસાનીથી ચડી ગયો. અંદર એક સૂકો બુઢ્ઢો માણસ સૂતો હતો. એની સફેદ દાઢી ધુમાડિયા રંગની થઈ ગઈ હતી. બાજુના ખૂણામાં એક જૂનો હુક્કો ઊભો કર્યો હતો, જેના નાળચામાં, તરત મરી ગયેલી ભેંસના મોઢા પર ફીણ સુકાઈ ગયું હોય એમ, રાખ જામી ગઈ હતી. “કેમ છે ચાચાને?” “હમણાં જ ઊલટી થઈ છે. હું તો કહું છું, મુલક ભેગા થઈ જાઓ, હવા બદલાશે. અહીં તો આખો દિવસ ધુમ્મસ અને ધુમાડો…ને રાતના ધુમાડો નીચે ઊતરે છે ત્યારે અબ્બા ખાંસી ખાતાં ખાતાં એટલા થાકી જાય છે કે વાત મત પૂછ. કાલે હું જરા બેધ્યાન રહ્યો હોત તો પાણીમાં પડી જાત.” નદીમાં થૂંકતાં એણે કહ્યું : “બીમારી ને બૂઢાપો બંને ભેગા થયાં છે; બડા જિદ્દી થઈ ગયા છે.” મસૂદે બુઢ્ઢાના થાકેલા શરીર તરફ જોયું. ખૂણામાં પતરાંની પેટી પર બે નવી લુંગીઓ પડી હતી. બહુ મજૂરીથી સુકાઈને સખત થઈ ગયેલા છોકરાના બદન તરફ જોતાં મસૂદે કહ્યું : “અખ્તર, હું તને કહેવા આવ્યો હતો કે મારી બીબીને આજે સવારે કસુવાવડ થઈ ગઈ છે.” “શું?” અખ્તર ચમકીને બોલ્યો. “સવારે બસ્તીમાં પાણી માટે ભીડ થાય છે. એ પાણી ભરવા ‘ટયુબવેલ’ પર ગઈ હતી ત્યાં ઝઘડો થઈ ગયો. કંઈક મારામારી થઈ હશે; મને તો લોકોએ ખબર આપ્યા. હૉસ્પિટલમાં લઈ ગયો. ડૉક્ટર સા’બ કહે, અહીં રાખ, નહિ તો ઝેર થઈ જશે અને તારી ઓરત મરી જશે. અત્યારે હૉસ્પિટલમાં છે… ખર્ચામાં ઊતરી ગયો છું, ભાઈ!” “બીબીને બચાવવી છે અને ખર્ચની ફિકર કરવી છે, એ કેમ બને? બીબી જશે તો આવી બીજી નહીં મળે.” “સો રૂપિયા તો ઊડી ગયા છે, ને હજી શી ખબર કેટલા થશે!…ઉપર યુનિયન હડતાલ કરીને બેઠું છે.” “પણ તું ક્યાં યુનિયનમાં છે?” “બરાબર છે, હું નથી. પણ એટલે શું? ગોદીઓ પર કામ અટકી ગયું છે. ક્રેનો કેટલાય દિવસોથી કાટ ખાય છે. ફુર્જાઓમાં તેલ પૂરવાવાળા પણ હડતાલ કરી બેઠા છે. જો હડતાલ લાંબી ચાલશે તો —” અખ્તર જોઈ રહ્યો — “રોટીનું શું? મઝદૂર રોટી વિના કેટલા દિવસ બેસી રહેશે?” મસૂદે બીડીની છેલ્લી ફૂંક મારીને પાણીમાં ફેંકી દીધી. ધુમાડો કાઢતાં એ બોલ્યો, “ — ભૂખે મરશે. ત્યાં સુધી યુનિયનના લીડરો રોજ સાંજે મિટિંગો ભરે છે, બેકાર કામદારો માટે ફંડો ઉઘરાવે છે — અને એ પૈસાથી શરાબબાજી ઊડે છે. લીડરો માટે ટૅક્સીઓ દોડે છે અને મઝદૂરને બસ્તીના ભાડાના ત્રણ રૂપિયાય રહેતા નથી.” અને મસૂદ ફરી બબડયો : “મિટિંગોમાં નારા લગાવ્યે પેટ થોડું જ ભરાય છે!” “તું કેટલા દિવસથી બેકાર થઈ ગયો છે?” અખ્તરે પૂછ્યું. “આજે ચોવીસમો દિવસ છે. જોઉં છું; બે-ત્રણ દિનમાં હડતાલ નહિ ખૂલે તો કામે ચડી જઈશ. એક તો ઔરતનો ખર્ચો ચાલુ જ છે, ત્યાં રાતથી બચ્ચાંને તાવ આવે છે. જો હું રોજી પેદા નહિ કરું તો ખવરાવીશ શું — મારું માથું?” મસૂદે તીખાશથી સામેના કિનારા તરફ જોયું. “અત્યારે તારી પાસે કેટલા પૈસા છે?” “આ ત્રણ મહિના સીઝન હતી એટલે સો રૂપિયા બચી ગયા હતા, એ એક જ ઝપાટે સાફ થઈ ગયા. કામે ચડયા સિવાય મારે ઇલાજ નથી.” અખ્તર ચૂપ રહ્યો. એણે ઉપર રેલવેના પુલ પર જઈ રહેલા એક ખૂબસૂરત યુગલ તરફ જોયું અને નજર ફેરવી લીધી. થોડી વારે એ બોલ્યો : “અત્યારે તું પંદર રૂપિયા લઈ જા. પછી ડૉક પર કામ શરૂ થાય એટલે આપી જજે.” અખ્તરે ઊભા થઈને ભંડકિયામાંથી એક જૂની પેટી કાઢી. પેટી ખોલીને એણે એક મેલા બટવામાંથી પાંચ-પાંચની ત્રણ નોટો કાઢી અને મસૂદના હાથમાં મૂકી. મસૂદ ખમીસના ખિસ્સામાં નોટો મૂકતાં ઊભો થયો. અખ્તરે કહ્યું : “બીબીની દવા બરાબર કરાવજે. આજે તો લૉંચ-સર્વિસ ચાલુ છે એટલે મને ફુરસદ નહિ મળે. કાલે બંધ છે; બનશે તો બસ્તી પર આવી જઈશ.” મસૂદ સિફતથી કિનારા પર ઊતરી ગયો. એણે છત્રી એક પથ્થર પર ટેકવીને હાથ ઊંચો કર્યો : “ખુદા હાફિઝ, અખ્તરભૈયા!” “ખુદા હાફિઝ!” એક મોટા પથ્થરથી હલેસું ભિડાવીને હોડી પાણીમાં ધકેલતાં અખ્તરે કહ્યું.

બે દિવસ બાદ મસૂદ ડૉક્ટરની સલાહ-સૂચનાની ઉપરવટ જઈને એની બીબીને હૉસ્પિટલમાંથી ઘેર લઈ આવ્યો. એને અશક્તિ વધારે આવી ગઈ હતી અને બચ્ચાંને તાવ ચાલુ હતો. રાત્રે ઘેર આવ્યો ત્યારે બચ્ચું સૂઈ ગયું હતું. એણે રજિયાના ખાટલા તરફ નજર નાખી. રજિયા એક ફાટેલી ચાદર ઓઢીને પડી હતી. મસૂદે ખાટલા પાસે બેસીને પાસે પડેલું ફાનસ તેજ કર્યું. રજિયાએ પડખું ફેરવ્યું. મસૂદે એના લુખ્ખા વાળમાં હાથ ફેરવતાં ધીમેથી કહ્યું : “રજિયા!” રજિયાએ આંખો ખોલી. કંઈ પણ બોલ્યા વિના એ માત્ર જોઈ રહી. “કેમ છે?” “સારું.” એક મિનિટ બંને ચૂપ થઈ ગયાં. મસૂદે હલકા અવાજે કહ્યું : “મેં કાલે કામ પર જવાનો વિચાર કર્યો છે.” “કેમ, એકદમ?” “બસ, ક્યાં સુધી બેકાર બેસી રહેવું?…અને પૈસા ક્યાં છે?” રજિયાની સૂકી આંખોમાં તેજ આવ્યું : “પણ હડતાલ ચાલે છે એનું શું? યુનિયનવાળા તમને હેરાન કરી નાખશે.” “મારે અને યુનિયનને શું? હું યુનિયનનો મેમ્બર નથી, યુનિયનના ફંડમાં એક પૈસો પણ ભરતો નથી;” મસૂદ ટટાર થયો. “દરેક મઝદૂરને કામ કરવાનો હક છે. મારામાં મઝદૂરી કરવાની તાકાત અને હિંમત હશે તો કોણ રોકશે?” રજિયા સમજ્યા વિના તાકી રહી. એણે કહ્યું : “પણ હડતાલ તો યુનિયને કરાવી છે ને?” મસૂદ નફરતથી હસ્યો. “યુનિયન?…યુનિયન મારાં બીબી-બચ્ચાંને રોટી આપે છે — કેમ?” એણે બહુ જ તેજ થઈ ગયેલા ફાનસને ઝાંખું કરતાં કહ્યું : “રજિયા, ડૉકના કામદારો તો બિલ્લીનાં બચ્ચાં જેવાં છે. બિલકુલ મૂર્ખ — અભણ. મહમ્મદ ઇઝરાયલ નચાવે છે એમ નાચે છે. હજી સુધી ઇઝરાયલને કોઈ મર્દ મળ્યો નથી. એને ખબર નથી ડૉક-વર્કર એ શી ચીજ છે!” “આપણે ગરીબ રહ્યા, એ છે મોટો માણસ. એની સામે થવાનો વિચાર જ કેમ થાય?” મસૂદ ચૂપ રહ્યો. એના પહોળા, બરછટ હાથની મુઠ્ઠીઓ બિડાઈ ગઈ. ઊભા થઈને એણે એક લોટામાં ઠંડું પાણી ભરીને પીધું. બહાર અંધારું હતું. એલ્યુમિનિયમના કટોરામાં દવા ભરીને એણે રજિયાને પાઈ અને ફાટેલી જાજમ પાથરીને એ સૂઈ ગયો. બીજી સવારે મસૂદે બગલમાં કાણાં પડી ગયેલું પટ્ટાવાળું બ્લુ ટીશર્ટ અને તેલના ડાઘાવાળો પૅન્ટ પહેરી લીધો. પૅન્ટના ખિસ્સામાં નાનો લાલ કાંસકો અને ડૉક-વર્કરનું પીળું કાર્ડ નાખ્યાં. ગળામાં પાનના ડાઘાવાળો રેશમી રૂમાલ બાંધી લીધો. બચ્ચાના તાવથી ગરમ ગાલ પર બચી ભરીને એણે એનો હથોડો ઉપાડયો ને ડૉક તરફ ચાલી નીકળ્યો. રસ્તામાં ચાંદની હોટલની બહાર બે માણસોને એણે કોકા-કોલા પીતા ઊભેલા જોયા. એક હતો ડૉક-વર્કર્સ યુનિયનનો સેક્રેટરી મહમ્મદ ઇઝરાયલ. એના ઠીંગણા, વજનદાર શરીર પર મોટું માથું ભયંકર લાગતું હતું. એની દેડકા જેવી બે ગંદી આંખો બહાર ધસી આવી હતી, અને કાનની નીચેનો ગાલ બળી જવાથી એક મોટો ડાઘો ત્યાં પડી ગયો હતો. બીજો એનો શાગિર્દ હતો — બિસુ ચેટરજી. ઇઝરાયલે મસૂદ તરફ આંખો ફેરવતાં પૂછ્યું : “મસૂદ, ક્યાં જાય છે?” મસૂદ ઊભો રહી ગયો. કતરાતી આંખે એણે બંનેને માપ્યા. હથોડો નચાવતાં એ ઠંડકથી બોલ્યો : “ડૉક પર!” “ઓહો! હડતાલ પૂરી થઈ ગઈ…!” ઇઝરાયલ જોરથી હસ્યો. પોતાના સાથી તરફ આંખ મારતાં એણે કહ્યું : “બિસુ, મસૂદ સા’બને હવે યુનિયનના મેમ્બર બનાવો, બીજું શું?” બિસુ સુસ્તીથી હસ્યો. એના ઊંટ જેવા સડેલા, પીળા દાંત જોઈને મસૂદ ઘૃણાથી જમીન પર થૂંક્યો અને કદમ ઉઠાવીને ચાલવા માંડ્યો. બિસુ દોડતો આવ્યો. મસૂદનો ખભો પકડીને એણે કહ્યું : “બેવકૂફ! શું કરી રહ્યો છે? મઝદૂર થઈને મઝદૂરના પગ પર કુહાડો મારે છે?” મસૂદે ખભાથી એક જોરનો ધક્કો માર્યો : “દૂર હટ!” મસૂદ એક કદમ આગળ ચાલ્યો અને કોકા-કોલાની એક ખાલી બોટલ એના પગ આગળ જોરથી અવાજ કરતી ફૂટી. મસૂદે ચમકીને આગળ જોયું : મહમ્મદ ઇઝરાયલ ધીમું ધીમું હસી રહ્યો હતો. બિસુ એક ખાલી રિક્ષાની પાછળ ઊભો રહી ગયો હતો. મસૂદના હાથની લીલી નસો ફૂલી ગઈ. એણે ધ્રૂજતો હથોડો ઊંચો કર્યો અને ફાટેલા અવાજે કહ્યું : “ઇઝરાયલ, બેટા! મને ડરાવવાની કોશિશ કરી છે તો યાદ રાખજે, આ જ હથોડાથી તારું કપાળ ફાડી નાખીશ!” હોટલના દરવાજામાં ત્રણ-ચાર માણસો આવીને ઊભા રહી ગયા હતા. ઇઝરાયલ પલકારામાં હોટલની અંદર અદૃશ્ય થઈ ગયો. બિસુ સહેજ ધ્રૂજી રહ્યો હતો. એના તરફ એક સળગતી નજર નાખીને મસૂદ ઝપાટામાં ડૉકને રસ્તે વળી ગયો. બે દિવસ પછી મસૂદ નદી-કિનારે અખ્તરને મળ્યો અને કહ્યું : “હું કામે ચડી ગયો છું. યુનિયન પણ હાલી ગયું છે. બે દિવસ મને એકલાને કામ પર જતો જોઈને બીજાય ત્રણ-ચાર વર્કર કાલે આવવાના છે.” “પણ યુનિયને તને રોક્યો નહિ?” “યુનિયન તો મને ડરાવવાની ઘણી જ કોશિશ કરે છે, પણ મેં ઇઝરાયલને પરખાવી દીધું કે બચ્ચા, આ બીજી માટી છે.” અખ્તરે ગંભીર થઈને કહ્યું : “મસૂદ, મારી વાત માનીશ? તું યુનિયનનો મેમ્બર થઈ જા.” “કેમ?” “જો તું યુનિયનમાં જોડાઈશ તો તને યુનિયનના ફંડમાંથી આ બેરોજગારીના દિવસોના પૈસા મળશે…” “જો, અખ્તર, હું યુનિયનની ભીખ પર જીવતો નથી. મને રોજી મળે છે મારી મઝદૂરીની — યુનિયનની કે ઇઝરાયલની ઇબાદત કરવા માટે મળતી નથી. ઇઝરાયલ મઝદૂરોના ફાયદા માટે હડતાલ કરાવી રહ્યો છે, કેમ? ડૉક-વર્કરોને એ ડરથી કાબૂમાં રાખી રહ્યો છે. એની પાસે પૈસા છે. છ મહિના હડતાલ ચાલશે તોપણ એને વાંધો નહિ આવે. મારી હાલત જુદી છે. હું મારા હક્કનું કમાઉં છું. હક્કનું ખાઉં છું. મઝદૂરી કરું છું — પણ ઇજ્જતથી…” મસૂદે સફાઈથી ઉમેર્યું : “ઇઝરાયલની સામે કોઈકે માથું ઊંચકવું જ પડશે. એ ડૉક-લેબરની જાન સાથે રમી રહ્યો છે.” “સરકાર…” “સરકાર શું કરવાની હતી? સેક્રેટરીને બોલાવશે, સલાહમશવરા કરશે, ચા- પાણી ઉડાવશે, જરૂર પડશે તો થોડા પૈસા ખવડાવશે અને હડતાલ સંકેલાઈ જશે!… અને ડૉક-વર્કરોના લીડર મહમ્મદ ઇઝરાયલ સા’બની છાતી પર ચાર ચાંદ લાગી જશે!… રોજી કોની જશે, ખબર છે? મારા-તારા જેવા મઝદૂરોની!” મસૂદ ગરમ થઈ ગયો. અખ્તર ચૂપ થઈ ગયો. એણે વાત બદલતાં પૂછ્યું : “મસૂદ, તે દિવસે તો હું આવી શક્યો નહીં; હવે બીબીની તબિયત કેમ છે?” “ઠીક છે.” “બચ્ચાંને તાવ ઓછો થયો?” “હા.” મસૂદે કહ્યું : “કાલથી ઊતરી ગયો છે.” થોડી વાતો કરીને મસૂદ છૂટો પડી ગયો.

સૂર્યનાં પહેલાં કિરણ આવતાં પહેલાં સાંકડી બસ્તીમાં ચહલપહલ મચી ગઈ હતી. રોતાં બચ્ચાં અને ટયૂબવેલ પર ઝઘડતી ઔરતોના અવાજે મસૂદને જગાડી દીધો. તેણે ઊભા થઈને બચ્ચાંના કપાળ પર હથેળી મૂકી. તાવ ન હતો. રજિયા હજુ સૂતી હતી. એની ઓઢેલી ચાદર ખસી ગઈ હતી. મસૂદે ચાદર સરખી કરી અને એક કમરાવાળી એની નાની દુનિયામાં સંતોષની નજર નાખીને એ બહાર નીકળી ગયો. બહારથી આવ્યો ત્યારે રજિયા હજુ સૂતી હતી. એણે ડૉક પર જવા માટે ચુપચાપ કપડાં પહેર્યાં — ખાખી પૅન્ટ અને નવું કથ્થાઈ ટીશર્ટ. ડૉક-વર્કરનું ચૂંથાઈ ગયેલું પીળું કાર્ડ એણે સીધું કરીને પૅન્ટના ખિસ્સામાં નાખ્યું ને હથોડો લઈને એ તૈયાર થઈ ગયો. મસૂદને થયું, રજિયા સાથે થોડી વાત કરે. પણ રજિયા ઘસઘસાટ સૂતી હતી. એને જગાડવી ઠીક ન લાગી. ધીરેથી બહાર નીકળી એણે બારણું બંધ કર્યું. મસૂદ બસ્તીમાંથી નીકળીને સડક પાર કરી ડૉકને રસ્તે આવ્યો. દૂર ઝાડ નીચે ચાંદની હોટલની એક બૅંચ પર બે મઝદૂરો બેઠા હતા. બાજુમાં પાનવાળાની દુકાનમાં રેડિયો શાંત હતો. મસૂદ હોટલ તરફ જોયા વિના ડૉકની દિશામાં આગળ વધ્યો. ત્યાં પાછળથી એક હાથ મસૂદના ખભા પર ધીરેથી પડ્યો : “કેમ દોસ્ત, ડૉક તરફ?” મસૂદે જોયું : બિસુ સફેદ કુરતું અને ધોતી પહેરીને ઊભો હતો. એક મિનિટ બંનેની આંખો સવાલ-જવાબ કરતી રહી. “આવ, મસૂદ, ચા પીએ. હું તારી સાથે થોડી વાત કરવા માગું છું.” “શી વાત કરવી છે? જે કંઈ કહેવું હોય, અહીં જ કહી નાખ!” મસૂદે સખ્તાઈથી કહ્યું. “વિશ્વાસ રાખ મારા પર. હું મઝદૂર છું — બસ, પાંચ જ મિનિટ, વધારે નહીં. ચાલ.” બિસુએ નરમાશથી મસૂદને હોટલ તરફ ખેંચ્યો. બંને હોટલમાં ઘૂસ્યા. બે માણસો એક ટેબલની આસપાસ બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા. બાકી હોટલ ખાલી હતી. મસૂદે હથોડો સખ્તાઈથી પકડયો. એક ખૂણાના ટેબલ પાસે બંને બેઠા. બિસુએ ચાનો ઓર્ડર આપીને કહ્યું : “મસૂદ, મને ઇઝરાયલે મોકલ્યો છે તારી સાથે વાત કરવા. જો, હું તને ખુલ્લા દિલથી વાત કરું છું. તું, બસ, એક અઠવાડિયું કામ પર જવું મોકૂફ રાખ. સરકાર તંગ આવી ગઈ છે ને હવે બેત્રણ દિવસમાં જ લેબર-કમિશનર ઇઝરાયલને મુલાકાત માટે બોલાવવાનો છે.” મસૂદના ચહેરા પર ખાસ કંઈ જ અસર થઈ નહીં. એ જોઈ રહ્યો. “જો, તું કામ પર જાય છે એટલે બીજા વર્કરો કમજોર પડી જાય છે. તું સમજદાર છે,” બિસુએ આંખો ઝીણી કરતાં કહ્યું : “મઝદૂરના પેટ પર લાત કેમ મારી રહ્યો છે?” “હું?” મસૂદ ઘૂરક્યો : “હું મઝદૂરના પેટ પર લાત મારું છું? તમે લોકો મઝદૂરોને ભૂખે મારી રહ્યા છો — તમારા સ્વાર્થ માટે, તમારી ઇજ્જત માટે, તમારી ટેક્સીઓ દોડાવવા માટે…” “જો, મસૂદ, હોશમાં આવ.” હોટલના છોકરાએ ચાના બે કપ ટેબલ પર ગોઠવ્યા. બિસુએ ચાલુ કર્યું : “પાગલ મત બન. તને તારી બેકારીના દિવસોના પૈસા મળી જશે. બોલ, બીજું શું જોઈએ છે?” મસૂદે મોઢા સુધી આવેલો કપ જોરથી રકાબીમાં મૂક્યો. એનાં ભવાં ખેંચાયાં : “બિસુ, મને ખરીદવા અહીં લાવ્યો છે?” “ખરીદવા નહીં, દોસ્તી બઢાવવા.” બિસુએ સ્વસ્થતાથી કહ્યું. “જા, તારા સેક્રેટરીને જઈને કહેજે કે ડૉક-વર્કરો મુર્ગીઓ નથી કે ઊભી બજારે ખરીદી લેવાય.” મસૂદ ચા મૂકીને ઊભો થયો. એણે હથોડો જમણા હાથમાં લીધો. બિસુએ ઊભા થઈને મસૂદનો હાથ પકડયો : “સાંભળ, સાંભળ! જો તું કામ કરવા માંડીશ અને હડતાલ તૂટી જશે તો મઝદૂરો તબાહ થઈ જશે. અને ખબર છે — મારી અને ઇઝરાયલની શી હાલત થશે? બબ્બે સાલની લાગી જશે!” મસૂદ ખડખડાટ હસ્યો : “બરાબર છે. પછી જેલમાં કોકાકોલા પીજો — તું અને તારો સેક્રેટરી.” મસૂદ પગથી ખુરશીને લાત મારીને આગળ વધ્યો. સામે મહમ્મદ ઇઝરાયલ સિગારેટ પીતો ઊભો હતો. “કેમ બેટા, કોકા-કોલા પીવો છે?” ઇઝરાયલના ચહેરા પર બરફ જેવી ઠંડક હતી. “હટ, બદમાસ!” મસૂદે જોયું કે ઇઝરાયલે આંખ મારી. એ ચેતે એ પહેલાં પાછળથી કોઈએ જોરથી લોખંડનો સળિયો મસૂદના જમણા હાથના કાંડા પર ફટકાર્યો. હથોડો અવાજ કરતો જમીન પર પડી ગયો. મસૂદે ચીસ પાડીને ડાબા હાથથી જમણા હાથનું જોરથી ધ્રૂજતું કાંડું પકડી લીધું. સામેથી એક તગડા માણસે આવીને મસૂદના પેટમાં એક મુક્કો જમાવી દીધો. મસૂદનું મોઢું ખૂલી ગયું. કોઈએ એના મોઢામાં કપડાનો એક મોટો ડૂચો ફસાવી દીધો. મસૂદનું માથું ચક્કર ખાઈ રહ્યું હતું અને હાથમાંથી બધી જ તાકાત ઓસરી ગઈ હતી. પાછળથી કોઈએ આંટી મારી. મસૂદ લથડયો અને ચત્તોપાટ પડી ગયો. સેકંડોમાં લાતોનો વરસાદ વરસી ગયો. થોડી વારે મસૂદનું શરીર હાલતું બંધ થયું ત્યારે ઇઝરાયલે સફાઈથી કહ્યું : “બસ, દોસ્તો, મસૂદસા’બને માટે આટલો પ્યાર કાફી છે!” બિસુએ હાંફતાં હાંફતાં કહ્યું : “ઇઝરાયલ, તું પણ કેવો આદમી છે? તારા દોસ્તને કોકાકોલા પાવો ભૂલી ગયો?” “ઓહો!” ઇઝરાયલે તગડા માણસ તરફ જોયું : “લખન! એક કોકાકોલા આ સાહેબના મોઢામાં રેડી દેજે… અને પછી એમને સંભાળીને નદી-કિનારાની ઠંડી હવામાં મૂકી આવજે.” ઇઝરાયલ બિસુનો હાથ પકડીને આગળ ચાલ્યો. એણે અટકીને કહ્યું : “અને જો, પેલો હથોડો પણ સાથે મૂકી આવજે. ઇઝરાયલનું કપાળ ફોડવા માટે જોઈશે ને?” “…અને જરૂર પડશે ત્યારે કોફિનમાં ખીલા ઠોકવાય કામ આવશે!” બિસુ બોલ્યો. બધા હસ્યા — લીલામમાં ઊભેલા કસાઈઓની જેમ…

ખાટલામાં બેઠી બેઠી રજિયા કાળા બુરખાની જાળીમાંથી જોઈ રહી હતી. સામે મસૂદનું પાટા બાંધેલું શરીર પડ્યું હતું. ખોળામાં રોતાં રોતાં સૂઈ ગયેલું બચ્ચું હતું. નાની ખોલીમાં ત્રણચાર માણસો આવી જવાથી ભીડ થઈ ગઈ હતી. માણસો અરસપરસ વાતો કરી રહ્યા હતા. “કરવી મઝદૂરી, અને ખુમારી રાખવી લાટ સા’બની — એ કેમ ચાલે?” રજબઅલી કહી રહ્યો હતો. “ડૉકમાં તો યુનિયન એ જ સરકાર. લેબર-કમિશનર પણ યુનિયનથી ગભરાય છે, પછી સાધારણ મઝદૂરનું શું ગજું? મેં તો મસૂદને કહ્યું હતું કે ભલો થઈને યુનિયનનો મેમ્બર બની જા અને ઇઝરાયલનો મર્તબો રાખ. ઇઝરાયલ ધારે તો માલામાલ કરી નાખે. જોતો નથી બિસિયાને? મહિનામાં પચાસ રૂપિયા પણ મુસીબતથી મળતા હતા. આજ આરામથી પાંચસો રૂપિયાની આમદાની કરતો હશે, ઇઝરાયલે જરાક હાથ આપ્યો એમાં.” અખ્તરે કહ્યું. એક મિનિટ શાંતિ છવાઈ ગઈ. એક બૂઢો અવાજ આવ્યો : “એ બધું બરાબર છે, બેટા, પણ છોકરો મર્દ હતો. એકલે હાથે એણે ઇઝરાયલનો મુકાબલો કર્યો. ઇઝરાયલને એની જિંદગીમાં આવો જિગરવાળો નહિ મળ્યો હોય!” અખ્તરના બાપે થાકેલા અવાજે કહ્યું. ચોળાયેલા બુરખાની પાછળથી આવતાં ડૂસકાંઓના અવાજે બધાંનું ધ્યાન ખેંચ્યું અને ફરી ચુપકીદી છવાઈ ગઈ. થોડી વારે માણસો ઊભા થયા. અખ્તરના બાપે રજિયાની પાસે આવીને કહ્યું : “ગભરાવાની જરૂર નથી, બેટી. એ થોડો વખત બેહોશ રહેશે. ડૉક્ટરે કહ્યું છે કે માર લાગ્યો છે એ તો અઠવાડિયું — દસ દિવસ આરામ કરશે એટલે મટી જશે. પણ હાથ તૂટી ગયો છે. મહિનો-દોઢ મહિનો લાગી જશે… ખેર, શુકર ખુદાનો — જાન બચી ગઈ.” ધીરે ધીરે બધા બહાર નીકળ્યા. અખ્તરના બાપે કહ્યું : “હું આજે અહીં રહીશ.” દિવસો પસાર થયા. ધીરે ધીરે મસૂદના ઘા રુઝાવા માંડ્યા, અઠવાડિયા બાદ હડતાલ ખૂલી ગઈ. મઝદૂરો કામે ચડી ગયા અને લેબર-કમિશનર દેવરાજ ખન્નાએ કામદારોના યુનિયનના નેતા બિશ્વનાથ ચેટરજી અને સેક્રેટરી મહમ્મદ ઇઝરાયલને ચર્ચા માટે બોલાવ્યા. ચર્ચાઓ ચાલી અને અંતે સમાધાનનો મુસદ્દો તૈયાર થયો. બંને પક્ષોએ ધાર્યું કે પોતાનો વિજય થયો હતો. અખબારોએ સમાધાનના સમાચાર ચમકાવ્યા. છેવટે — હડતાલ ખૂલ્યા બાદ અઠવાડિયે — એક મોટી જાહેર સભા ભરાઈ. ડૉક-વર્કરો અને હાર્બર-વર્કરોની રાહબરી નીચે સભા ભરાઈ હતી. લેબર— કમિશનર ખન્ના એ સભાના પ્રમુખ હતા! મસૂદ હરતોફરતો થઈ ગયો હતો. ફક્ત એનો તૂટેલો હાથ હજી ઝોળીમાં હતો. એ સભામાં પહોંચ્યો ત્યારે સેક્રેટરી ઇઝરાયલે હમણાં જ ભાષણ પૂરું કર્યું હતું. સભાને છેડે ઊભા રહીને એણે જોયું કે મચાન પર લેબર-કમિશનર, બિસુ વગેરે બેઠા હતા. મઝદૂરો દુનિયાના શ્રમજીવીઓની એકતાના નારા લગાવી રહ્યા હતા. એકબે સ્થળેથી ‘મહમ્મદ ઇઝરાયલ ઝિંદાબાદ!’ના નારા ઊઠ્યા. એકાએક શાંતિ છવાઈ ગઈ. લેબર— કમિશનર ખન્ના ઊભા થયા. કોલાહલ શાંત થઈ ગયો. ખન્નાએ ભાષણની શરૂઆતમાં મઝદૂરોને સમાધાનની સફળતા માટે અભિનંદન આપ્યાં. મઝદૂર નેતાઓની બાહોશી અને ખાસ કરીને મહમ્મદ ઇઝરાયલની શ્રમવિભાગ સાથેના સક્રિય સહકારની નીતિની પ્રશંસા કરી. મસૂદના મોઢાનો સ્વાદ કડવો થઈ ગયો. એ સભા છોડીને, હારેલા દેશનો યુદ્ધકેદી વતન પાછો ફરે એમ, ઘર તરફ ચાલ્યો. પાછળ સભા હતી, મઝદૂરો હતા, મઝદૂરોના નેતાઓ હતા, સરકારના પ્રતિનિધિ હતા… લાઉડ-સ્પીકરમાંથી ખન્નાનો કર્કશ અવાજ આવી રહ્યો હતો : “સરકાર ડૉક— મઝદૂરોના હક્કો માટે પૂરી રીતે સતર્ક છે. આવતી કાલની દુનિયા મઝદૂરોની છે. મઝદૂર માલિક બનશે — કામ એનો જન્મસિદ્ધ અધિકાર બની જશે. મઝદૂરને પોતાનું સ્વમાન હશે, પોતાનું વ્યક્તિગત સ્વાતંત્રય હશે — જ્યારે કોઈ મઝદૂરને એની ઇચ્છા વિરુદ્ધ મહેનત નહિ કરાવી શકે, જ્યારે પોતાના ભવિષ્ય પર મઝદૂરનો ખુદનો કાબૂ હશે…” મસૂદ દોડયો. અવાજ પાછળ ડૂબી ગયો. એકાએક એને ખ્યાલ આવ્યો કે સામે જ ઘર હતું — ઘર! એક મિનિટ એ સ્થિર ઊભો રહ્યો. હલકે હાથે એણે બારણું ખોલીને અંદર જોયું. ખાટલામાં રજિયા અને એનું બચ્ચું પડ્યાં હતાં. બચ્ચું રડી રહ્યું હતું. રજિયાએ બચ્ચાને એક થપ્પડ મારી અને ગાળો બબડવા લાગી. બચ્ચું જોરથી રડી ઊઠ્યું. રજિયાએ રોતા બચ્ચાને એની ચુસાઈ ગયેલી છાતી સાથે લગાવ્યું… બચ્ચાનો રૂંધાતો અવાજ ધીરે ધીરે બંધ થઈ ગયો. મસૂદે ધીરેથી બારણું બંધ કર્યું. ચાંદની ખુશનુમા હતી, હવામાં બેફામ મસ્તી હતી — અંધારામાં બેઠેલા કબૂતરની જેમ મસૂદ છટપટી ઊઠ્યો.