સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચંદ્રશંકર પ્રા. શુક્લ/ગરીબાઈને પણ ટપી જનાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          આળસ એ હિંદનો એક મોટો ને જૂનો રોગ છે. ગરીબાઈ એ પણ મોટો વ્યાધિ છે જ; પણ ગરીબાઈના મૂળમાં આળસ એક અગત્યનું કારણ છે. હિંદની ગરીબાઈના એક ઇલાજરૂપે ગાંધીજીએ રેંટિયો ને ખાદી બતાવ્યાં. એનો પ્રચાર કરતાં ૧૯૨૪-૨૫ના પ્રવાસોમાં તેમને લોકમાનસનો જે અનુભવ થયો, તે પરથી તેમણે કહ્યું કે આપણી પ્રજાનું આળસ એ ગરીબાઈને પણ ટપી જાય તેવું છે. શરીર આળસ કરી નવરું પડી રહે, ત્યારે મન કંઈ નવરું પડતું નથી. નિરુદ્યમી માણસનું મન બૂરા વિચારો કરે છે ને પોતાનું તેમજ બીજાનું સત્યાનાશ વાળે છે. તેથી આપણામાં કહેવત પડી છે કે “નવરો બેઠો નખોદ વાળે.” અંગ્રેજીમાં પણ કહેવત છે કે “નવરું મન શેતાનનું કારખાનું છે.” દુનિયામાં થતાં કેટલાં બધાં તોફાનો ને ગુના પાછળ નવરા બેકાર માણસોનો હાથ હોય છે, એ વિચારવાજોગ છે. પ્રાચીન રોમનું સામ્રાજ્ય દેશપરદેશમાં ફેલાયું, ને ત્યાંથી ખંડણીરૂપે આવતું ગાડેગાડાં અનાજ રોમનાં પ્રજાજનોને મફત વહેંચી આપવામાં આવતું. જે લોકો અગાઉ ખેતીની મહેનત-મજૂરી કરતા ને જોરાવર હતા, તેમને મફત અનાજ મળવાથી તેઓ બેઠાડુ થયા. તેથી રોમમાં એ વર્ગનાં તોફાનો ચાલુ થયાં. મહેનત છોડવાથી પ્રજા વિલાસી ને નબળી બની; એ વસ્તુએ રોમની પડતીમાં ઘણો ફાળો આપ્યો ને જંગલી પણ બળવાન પ્રજાએ ઉત્તરમાંથી આવીને રોમ જીતી લીધું. આપણા દેશમાં પણ મધ્યયુગના આરંભમાં વૈભવ, વિલાસ ને આળસ વધ્યાં, તેને લીધે જ આપણે લડાઈઓમાં હાર્યા ને પરાધીન બન્યા. મહેનત વિના બેઠેબેઠે ખાવાનું મળે, એ વ્યક્તિ તેમ જ આખી પ્રજા — બન્નેને માટે શાપ સમાન છે. નિંદાકૂથલી એ પણ આળસનું જ એક પરિણામ છે. આપણા દેશમાં ભણેલાં ને અભણ સહુ, સમાજમાં કે રાજકાજમાં, અંગત નિંદાકૂથલી પાછળ કેટલો બધો વખત બરબાદ કરે છે તે વિચારી જોજો. પાકા પુરાવા વિના કોઈનું પણ ભૂંડું બોલવું, એ નૈતિક ને સામાજિક ગુનો છે. જે માણસને સમયની કિંમત નથી, તેને શબ્દની કિંમત પણ ક્યાંથી હોય? એટલે માણસો ગમે તેવી બેફામ ટીકા કરતાં પણ અચકાતાં નથી. યુવાની અને આળસ એ બે એકબીજાના વિરોધી શબ્દો હોવા જોઈએ. યુવાની એ જીવનની વસંત છે. વસંતઋતુમાં કુદરત પોતાની નવરચનાનું કેટલું બધું કામ કરે છે! એમ સમાજની, દેશની કે જીવનની નવરચના કરવી હોય તો તેને માટે પણ એવું જ અવિશ્રાંત કામ કરવું જોઈએ. દેહરખો ધર્મ પાળીને દુનિયામાં કોઈ કશું ભારે કામ પાર પાડી શક્યું નથી. જગતના સર્વ મહાપુરુષોમાં જો કાંઈ સમાન ગુણ હોય, તો તે અવિરત પરિશ્રમનો જ છે. આળસના અનેક પ્રકાર હોય છે. માણસ મહેનતુ ભલે હોય; પણ તે જો પોતાને કરવાનાં કામ નીમેલે વખતે ન કરે, તો એ પણ આળસ કહેવાય. આળસનો આ પ્રકાર સામાન્ય છે. એવા માણસને ઘણાં કામમાં દોડધામ થાય છે, ઘાંઘા થઈ જવાય છે, કામ સુઘડ ને વ્યવસ્થિત થતું નથી. જ્યારે વ્યવસ્થિત રીતે કામ કરનારને ઘણાં કામ કરવાનાં આવે ત્યારે પણ તેના જીવને ટાઢક રહે છે. રોબર્ટ લુઈ સ્ટીવન્સને કહ્યું છે કે બહાર ભારે વાવાઝોડું ચાલતું હોય ત્યારે પણ જેમ ઘડિયાળ પોતાની એકધારી ગતિએ ચાલ્યા કરે છે, તેમ દુનિયાની ઊથલપાથલોની અસર મન ઉપર થવા દીધા વિના ધીર પુરુષે પોતાનું કામ ચાલુ રાખવું જોઈએ. મનુષ્યમાં ફૂવડપણું એ આળસનું જ પરિણામ હોય છે. ચોપડીઓ ને કાગળિયાં અસ્તવ્યસ્ત પડ્યાં હોય, તેના પર ધૂળના થર જામ્યા હોય, ટેબલ પર એકે ચીજ તેને ઠેકાણે ન હોય, એવી સ્થિતિ કેટલાય સુશિક્ષિત માણસોની હોય છે. ફૂવડપણાને ભણતર કે અભણપણા જોડે સંબધ નથી, એ મુખ્યત્વે આળસનું જ પરિણામ છે. ઉદ્યમની બાબતમાં આપણે સહુએ લશ્કર પાસેથી ઘણું શીખવા જેવું છે. લશ્કરનો સૈનિક માન પામે છે તેનું મુખ્ય કારણ એ તો છે જ કે તે જીવ હથેળીમાં લઈને સામે મોઢે મોતને ભેટવા જાય છે. પણ તેને વિશેના આદરનું એક બીજું કારણ તેનું નિયમબદ્ધ ને શિસ્તવાળું જીવન પણ છે. લશ્કરની છાવણી જુઓ તો સ્વચ્છતાના નમૂનારૂપ હોય. એનો પાઠ અમને એક વાર ગાંધીજીએ શીખવેલો. ૧૯૩૪ની હરિજનયાત્રા દરમિયાન અમે કુર્ગમાં હતા, ત્યાં એક સવારે ઉતારો છોડી નીકળવાને વખતે તેઓ અમારા ઓરડામાં આવ્યા. જુએ તો ઠેરઠેર કચરો ને કાગળના ટુકડા વેરાયેલા. એ જોઈ એમની આંખ ફરી ગઈ. તેમણે કહ્યું : “આવું મૂકીને અહીંથી જવાય જ કેમ? લશ્કરે જે જગ્યાએ પડાવ નાખ્યો હોય ત્યાંથી મુકામ ઉઠાવતી વખતે જગા બિલકુલ સાફ કરી નાખીને જ જવું, એવો નિયમ હોય છે. એ નિયમ આપણે પણ પાળવો જોઈએ. એટલે હવે રોજ જે જગા છોડો તે વાળીઝૂડી સાફ કરીને જ નીકળજો. હું જોઈશ, ને એમાં ચૂક્યા તો સખત ઠપકો આપીશ.” આવું જીવન યુવાનીમાં શરૂ કરી શકાય છે. એનો પાયો નાખવાનો ખરો વખત જ એ છે. આ સવાલનો જરા બીજી રીતે પણ વિચાર કરવા જેવો છે. આળસનો તો બચાવ થાય એવો નથી જ. પણ નરી દોડધામ એ જેમ ઉદ્યમ નથી, તેમ ફુરસદ અને વિશ્રાંતિને હંમેશાં આળસ કહી શકાય નહીં. આજની પશ્ચિમી દુનિયા જોઈએ, તો તેને આળસ સામે નહીં પણ અતિશય દોડધામ સામે ચેતવણી આપવી પડે. આપણે ત્યાંના શહેરી જીવનની પણ એ જ દશા થતી જાય છે. આપણે આપણાં કામ ને તેના વિચારોમાં જ એટલાં મશગૂલ રહીએ છીએ કે બીજાઓ તરફ ધ્યાનથી જોવાની અથવા સૂર્યોદય-સૂર્યાસ્ત કે સમુદ્રની ભરતીઓટ આંખ ભરીને નિહાળવાની, કે એ અદ્ભુત લીલાના સરજનહારનો વિચાર કરવાની આપણને ફુરસદ કે નિરાંત હોતી નથી. તેથી ધાંધલ વધી છે ને ચિંતન ઘટ્યું છે.