સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચંદ્રહાસ ત્રાવેદી/તર્કની તલવારથી...

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ભારતના અધ્યાત્મજગતમાં રામકૃષ્ણ પરમહંસનું નામ ખૂબ સન્માનપૂર્વક લેવામાં આવે છે. તે પોતે તો સીધા-સાદા અને સરળ હતા. તેમણે વિધિવત્ શિક્ષણ પણ લીધું ન હતું, છતાંય આખીય વીસમી સદી દરમિયાન તેમનો સિતારો ભારતીય તત્ત્વલોકને અજવાળતો રહ્યો છે અને હજી તેનાં તેજ ક્ષીણ થતાં નથી. ભારત ઉપરના બ્રિટિશ શાસનકાળ દરમિયાન શરૂઆતમાં કલકત્તા રાજધાની હતી, તેથી ત્યાં અંગ્રેજી કેળવણીની અસર વહેલી વર્તાયેલી. પરિણામે સમાજસુધારાની ચળવળ અને એવાં બધાં આંદોલનો બંગાળમાંથી શરૂ થયેલાં. સુધારાવાદી વિચારસરણીને કારણે ત્યાંનો ભણેલો વર્ગ ધીમે ધીમે નાસ્તિકતા તરફ ઢળવા લાગેલો અને અંધશ્રદ્ધાથી ભરેલા આપણા કેટલાય રીતરિવાજો સામે તે મેદાને પડેલો. આ સુધારાવાદીઓના એક અગ્રણી કેશવચંદ્ર સેન મોટા નાસ્તિક હતા અને તેઓ ઈશ્વરના અસ્તિત્વનો સદંતર ઇન્કાર કરતા. પોતાનો મત સ્થાપિત કરવા તેઓ સ્થળે સ્થળે સભાઓ યોજતા, ચર્ચાઓ કરતા અને પુરાણા રિવાજો પર પ્રહારો કરતા અને પોતાની વાત સિદ્ધ કરવા ભાતભાતની દલીલો કરતા. તેમની સાથે વાદ કરવા માટે ભલભલા વિદ્વાનો પણ તૈયાર થતા નહિ, ત્યાં સામાન્ય માણસનું તો ગજું શું? સમાજમાં એવા કેટલાય શ્રદ્ધાળુ લોકો હતા જેઓ કેશવચંદ્રની દલીલોનું ખંડન કરી શકતા નહિ, છતાં પોતાની આસ્તિકતા છોડવા સહેજ પણ તૈયાર ન હતા. આસ્તિકતા શ્રદ્ધાના પાયા ઉપર ઊભેલી હોય છે, તેથી તે તર્કના પ્રચંડ ઝંઝાવાત સામે પણ અડીખમ ટકી રહે છે. આવા શ્રદ્ધાળુ લોકોએ કેશવચંદ્રને સ્વામી રામકૃષ્ણ પાસે આવવાની વિનંતી કરી. એ લોકોને અતૂટ શ્રદ્ધા હતી કે રામકૃષ્ણ કેશવચંદ્રને નિરુત્તર કરી શકશે. રામકૃષ્ણે આ માટે સંમતિ આપતાં આ લોકો કેશવચંદ્રને લઈને રામકૃષ્ણ પાસે આવી પહોંચ્યા. બે મહારથીઓ વચ્ચેના આ જંગને નિહાળવા માટે બંને પક્ષોમાંથી કેટલાય માણસો ભેગા થયા હતા. કેશવચંદ્રે ઈશ્વરના અસ્તિત્વને પડકારતી એક પછી એક દલીલો કરવા માંડી. પ્રત્યેક તર્ક પૂરો કરી કેશવચંદ્ર ઉત્તર માટે રામકૃષ્ણ સામે જુએ, એટલે રામકૃષ્ણ ઊભા થઈને આનંદથી તેમને ભેટી પડે અને આગળ કહેવા માટે અનુમતિ આપે. વળી, કેશવચંદ્ર કંઈક બીજો તર્ક ચગાવે અને ઈશ્વરના અસ્તિત્વનો નિષેધ કરે. બીજો તર્ક પૂર્ણ થાય એટલે પાછા રામકૃષ્ણ પોતાની જગ્યા ઉપરથી ઊભા થાય અને કેશવચંદ્રને ભાવથી ભેટી પડે અને આનંદવિભોર થઈ જાય. આમ, ઈશ્વરના અસ્તિત્વનો ઇન્કાર કરતા તર્ક ઉપર તર્ક કેશવચંદ્ર કરતા જતા હતા, પણ રામકૃષ્ણે કોઈ પણ તર્કનો પ્રત્યુત્તર ન આપ્યો ત્યાં પછી વિવાદનો તો સવાલ જ ક્યાં રહ્યો? લોકોને એમ હતું કે રામકૃષ્ણ કશુંક સચોટ કહેશે કે કંઈક ચમત્કાર બતાવશે, જેની સામે કેશવચંદ્રને નમી જવું પડશે. પણ વાત ઊલટી જ બની રહી. આમ ને આમ કેટલીય વાર ચાલ્યું, એટલે લોકો કંટાળ્યા. કેશવચંદ્ર પણ એકપક્ષી દલીલો કરીને થાક્યા એટલે તેમણે રામકૃષ્ણને છેલ્લો પડકાર ફેંકતાં કહ્યું : “બોલો, હવે મારી સામે ઈશ્વરના સમર્થનમાં તમે કંઈ કહી શકો તેમ છો?” આ સાંભળી રામકૃષ્ણ ફરી કેશવચંદ્રને ભેટી પડ્યા અને કહ્યું, “તમારી પ્રત્યેક દલીલ જેમ જેમ હું સાંભળતો ગયો તેમ તેમ મને વધારે ને વધારે ખાતરી થતી ગઈ કે ઈશ્વર છે જ અને હાજરાહજૂર છે. સ્વયં ઈશ્વર સિવાય બીજા કોની તાકાત છે કે તે ઈશ્વરના અસ્તિત્વને આટલી તર્કબદ્ધ રીતે પડકારી શકે? તમને જોઈને, તમને સાંભળીને મને ખાતરી થઈ ગઈ કે આવી મહાન પ્રતિભાને ઈશ્વર સિવાય બીજું કોઈ સર્જી ન શકે. તેથી તો હું વારેવારે તમને ઉલ્લાસપૂર્વક ભેટયા વિના રહી શકતો નહિ.” હવે કેશવચંદ્રને ખરી મૂંઝવણ થઈ ગઈ કે આ માણસને કેવી રીતે હરાવી શકાય? ઈશ્વરના અસ્તિત્વના ખંડનની પ્રત્યેક દલીલમાં તેને ઈશ્વરના અસ્તિત્વનાં એંધાણ જ પુષ્ટ થતાં લાગે છે! આવા માણસને પરાજિત કરવાનો કોઈ માર્ગ જ નથી. આસ્થાના પ્રતિકારનો કોઈ ઉપાય જ નથી. શ્રદ્ધાને નમાવવા માટે તર્કની કોઈ તલવાર સક્ષમ નથી.