સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચન્દ્રકાંત ટોપીવાળા/સજીવન સ્મરણવાસીઓ
Jump to navigation
Jump to search
કવિ ન્હાનાલાલના ‘આપણાં સાક્ષરરત્નો’ (ભાગ ૧-૨) ગ્રંથોમાં એમના પુરોગામીઓ, અનુગામીઓ અને સમકાલીનો અંગેનાં વ્યાખ્યાનો છે. ન્હાનાલાલની નેમ “સ્મરણવાસીઓને સજીવન” કરવાની છે. એમ કરવામાં એમણે “યુવાનોને બિરદાવ્યા છે, સમોવડિયાને વંદ્યા છે, વૃદ્ધોને પૂજ્યા છે.”
વિદ્વાન કે. હ. ધ્રુવે ન્હાનાલાલના ‘ગીતા’ના ભાષાંતરના સાત-આઠ શ્લોક તપાસીને કેટલીક સૂચનાઓ કરેલી, એમાં છેલ્લી એવી હતી કે “પ્રેરણાદેવીના લાડકવાયા કૃપાપાત્રે ભાષાંતરમાં પડવું નહીં.” ન્હાનાલાલ જણાવે છે કે માત્ર એ છેલ્લી સૂચના નથી પાળી, અને પછી કહે છે : “કેશવલાલભાઈ, મ્હારાં ભાષાંતરોએ વીજળી ખાલી થયેલી મ્હારી લેડનજારને વારંવાર સભર ભરી છે.”
સર્જકના જીવનમાં અનુવાદકાર્યનું મહત્ત્વ અને એના દ્વારા સર્જકતાનું થતું પોષણ અહીં બરાબર ઊપસ્યું છે.
[‘પરબ’ માસિક : ૨૦૦૨]