સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચન્દ્રકાન્ત મહેતા/રૂઢિ-બંધન વચ્ચેથી સાહિત્ય-શિખરે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          બંગાળી કથાસાહિત્યના પ્રથમ યુગમાં બંકિમચન્દ્ર, રવીન્દ્રનાથ તથા શરદચન્દ્રે માનવચિત્તનાં ઊંડાણોને તાગવાની શક્તિ તથા કથનકલાની મનોહારી ચારુતાને કારણે, અગ્રગણ્ય ભારતીય કથાકારો તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું. દ્વિતીય યુગમાં વિભૂતિભૂષણ બંદોપાધ્યાય, તારાશંકર બંદોપાધ્યાય તથા ‘બનફૂલે’ એમની સર્જનશક્તિ દ્વારા એ પરંપરા જાળવી રાખી. આ બંને યુગમાં બંગભૂમિની સીમા પાર કરીને સમગ્ર ભારતમાં છાઈ જનારા કથાલેખકો પુરુષો હતા. જ્યારે તૃતીય એટલે સ્વાતંત્ર્યોત્તર યુગમાં ત્રણ કથાલેખિકાઓ આશાપૂર્ણાદેવી, મહાશ્વેતાદેવી તથા મૈત્રેયીદેવીએ આ પરંપરા જાળવી રાખી અને ભારતીય કથાસાહિત્યમાં પોતાને અગ્રગણ્ય સ્થાને સ્થાપિત કર્યાં. આશાપૂર્ણાદેવીનો જન્મ ૮મી જાન્યુઆરી ૧૯૧૦ને દિવસે કલકત્તામાં એક રૂઢિચુસ્ત કુટુંબમાં થયો હતો. એમના પિતા હરેન્દ્રનાથ ગુપ્તનાં ચિત્રો બંગાળનાં અગ્રગણ્ય સામયિકોમાં પ્રગટ થતાં. એ કારણે એમને ત્યાં લગભગ બધાં સામયિકો આવતાં. એમની માનો સાહિત્યનો શોખ અદ્ભુત હતો. એમનું કુટુંબ બહુ રૂઢિચુસ્ત હતું. છોકરીઓને ભણાવવાનો નિષેધ હતો, પણ લખવાવાંચવાની છૂટ હતી. એ ક્યારેય નિશાળમાં ગયાં નથી. એમના ભાઈઓ જ્યાં વાંચતા-લખતા હોય ત્યાં એ ગૂપચૂપ બેસી રહેતાં અને જે કંઈ જોતાં, સાંભળતાં એને ગ્રહણ કરતાં તે જ એમનું ભણતર. એ એકલાં બહાર પણ જઈ શકતાં નહીં. એ કહે છે, “અમારા ઘરનાં સગાં સિવાય બીજા કોઈની જોડે વાતો કરવાનો મોકો મળતો નહીં. મારા પિતા ‘ભારતવર્ષ’ સામયિકના તંત્રી જલધર સેનના મિત્ર હતા. તે અવારનવાર ઘેર આવતા. બીજા પણ ઘણા લોકો જોડે એમને સારી એવી મૈત્રી હતી. એ લોકો અમારે ઘેર આવતા પણ એમની જોડે અમે વાતચીત કરીએ એવી કશી શક્યતા નહોતી. અમે ફક્ત બહારથી ડોકિયું કરતાં ને જોતાં કે આ એક લેખક આવ્યા છે, આ એક ચિત્રકાર આવ્યા છે, એટલું જ.” આવા સંજોગોમાં આશાપૂર્ણાદેવી આવાં ઉત્કૃષ્ટ કથાલેખિકા શી રીતે બન્યાં? એમને બંગાળ સરકારનો રવીન્દ્ર પુરસ્કાર, સાહિત્ય અકાદમીનો પુરસ્કાર તથા સર્વોચ્ચ સાહિત્યિક સન્માન સમો જ્ઞાનપીઠ પુરસ્કાર (૧૯૭૬) પ્રાપ્ત થયો. શાળામાં જઈને જે ન ભણી શક્યાં હોય, બહારના જગત જોડે જેમનો સંપર્ક નહીંવત્ હોય તે વ્યક્તિ સાહિત્યનું ચરમ શિખર શી રીતે સર કરી શકે? સાહિત્યના ક્ષેત્રમાં એમનો ક્રમશ : શી રીતે વિકાસ થતો ગયો તે વિશે એમણે જ્ઞાનપીઠનો પુરસ્કાર મળ્યો તે વખતે કહ્યું હતું : “મારે ઘણુંખરું એ પ્રશ્નનો સામનો કરવો પડે છે કે હું સાહિત્યના ક્ષેત્રમાં શી રીતે આવી, તથા મારા પ્રેરણાસ્રોત કયા છે? એ પ્રશ્નોના ઉત્તર આપવા મારે અર્ધી શતાબ્દીથી પણ પાછળ જવું પડશે. ખરું જોવા જઈએ તો એનો આરંભ આકસ્મિક રીતે જ થયો, જાણે એક રમત કે એક કૌતુક હોય તેમ. “જ્યારે હું તેર વર્ષની હતી, ત્યારે મનમાં એક અદમ્ય ઇચ્છા થઈ આવી કે હું કંઈક લખું. એ ઇચ્છા એટલી પ્રબળ હતી કે થોડી ક્ષણોમાં એક કવિતા રચાઈ. એ કવિતાને મેં એક જાણીતા બાલમાસિકમાં મોકલી. હું માનું છું કે મારી એ પ્રથમ રચના જો ‘અસ્વીકાર્ય’ એવી નોંધ સાથે મને પાછી મોકલાઈ હોત, તો ત્યાં જ પૂર્ણાહુતિ થઈ જાત. પણ આશ્ચર્ય કે એ સ્વીકારાઈ. એટલું જ નહીં, તે પછી એના તંત્રી તરફથી વારંવાર મારી રચનાઓ માટે માગણી થતી રહી, એટલે મારો ઉત્સાહ વધતો ગયો. જ્યારે એક સાહિત્યિક સ્પર્ધામાં મને પ્રથમ પુરસ્કાર મળ્યો, ત્યારે મારો ઉત્સાહ તો માતો નહોતો. એ વખતે હું પંદર વર્ષની હતી.” ચૌદમે વર્ષે એમનાં લગ્ન કાલિદાસ ગુપ્ત સાથે થયાં. એમનું સાસરું પણ પિયરના જેવું જ રૂઢિચુસ્ત હતું. ત્યાં નિષ્ઠાપૂર્વક એમણે ગૃહિણીની ભૂમિકા ભજવી. વિરોધ કરવાનું એમના સ્વભાવમાં નહોતું. પિતૃગૃહમાં કે સાસરામાં ક્યાંય એમણે વિદ્રોહિણીની ભૂમિકા ગ્રહણ કરી નહોતી. પણ એમની નવલકથાઓ તથા વાર્તાનાં નારીપાત્રો અન્યાયનો ઉગ્ર વિરોધ કરે છે, અને અન્યાય કરનારાઓની સામે મોરચા માંડીને વિજયી નીવડે છે. સાસરામાં પણ એમને બહારના જગતમાં ફરવાની અત્યંત મર્યાદિત છૂટ હતી. જોકે એમની દશા સાવ બંદિની જેવી નહોતી. વચ્ચે વચ્ચે પતિની સાથે બહાર ફરતાં. એમના લેખનકાર્યમાં પતિનો પૂર્ણ સહકાર હતો. એ વિશે એમણે કહ્યું છે : “હું પોતાને ભાગ્યશાળી માનું છું કે એક રૂઢિચુસ્ત કુટુંબમાં રહેવા છતાં મને લેખનકાર્યમાં કોઈએ રોકટોક કરી નથી, કે હતોત્સાહ કરી નથી. ઊલટું મારા સ્નેહાળ અને ઉદાર ચિત્તના પતિએ મને હંમેશાં પ્રોત્સાહન આપ્યું છે અને વિવિધ રીતે સહાય કરી છે. એનું એ કારણ હોઈ શકે કે મારે માટે સાહિત્યિક જીવન અત્યંત મૂલ્યવાન હોવા છતાં ગૃહસ્થ જીવનને મેં અધિક મહત્ત્વ આપ્યું છે. મારામાં એ બંને વ્યક્તિત્વ એકત્વ પામ્યાં છે, પરસ્પર અથડાયા કર્યાં નથી.” પોતાના સાહિત્ય-પ્રેમ વિશે એમણે કહ્યું છે : “સાહિત્ય અને સંસાર સિવાય મારા જીવનમાં આમ જોવા જઈએ તો બીજું કશું આકર્ષણ નહોતું. મારી તીવ્ર ઇચ્છા તો ઘણાં બધાં પુસ્તકો વાંચવાની હતી. મને પ્રવાસ કરવાની પણ બહુ ઇચ્છા હતી. “મારાં લગ્નની વાત ચાલતી હતી, ત્યારે મને થતું કે જો મારા પતિ પુસ્તકાલયના વડા હોય તો બહુ સારું; ઘણાં પુસ્તકો વાંચવાની સગવડ થાય. વળી પાછું એમ પણ થાય કે જો રેલવેમાં અમલદાર હોય તોપણ કંઈ ખોટું નહીં; સારી પેઠે પ્રવાસ ખેડી શકાશે. પણ મારા પતિ તો બેમાંથી એકેય નહોતા. એ તો હતા બૅન્કના કર્મચારી. પ્રબળ ઇચ્છા હોવા છતાં કશું સાધી શકાયું નહીં. એથી લેખનવાચન જ એકમાત્ર આધાર રહ્યો. આખો વખત સંસારનું બધું કામ પૂરું કરી મારા એ શોખને સુરક્ષિત રાખવા પ્રયત્ન કરતી, ને એમાં મને સારી પેઠે સફળતા પણ મળી. બીજા કશાનું એવું આકર્ષણ હતું નહીં. મારી ઇચ્છાનુસાર પ્રવાસે જતી રહેતી. બંગાળી અનુવાદ પરથી વિદેશી સાહિત્યનો આસ્વાદ હું લઈ શકી. અનુવાદો વાંચતાં મને થતું કે પરિવેશ, દેશકાળ, પાત્રો વગેરે ભિન્ન હોય તોયે અંદરથી તો બધા માણસ એકસરખા છે.” એમને પોતાની મર્યાદાની પણ ખબર છે. એ વિશે એ લખે છે : “હું ઘણા સંયમથી ચાર દીવાલો વચ્ચે બેઠી છું. મારું જગત બારીમાંથી જે દેખાય છે તે છે. એક તો રૂઢિચુસ્ત ઘરની દીકરી અને એવા જ રૂઢિચુસ્ત ઘરની વહુ પણ. એથી મારા પરિચિત જગતની બહાર પગ મૂકવાનું દુ :સાહસ મેં કર્યું નથી.” આમ છતાં એ માત્ર બાહ્યચક્ષુથી જ જગત જોતાં નહોતાં, અંતર્ચક્ષુથી પણ જોતાં હતાં. તેથી જ એ કહે છે : “મેં જે જોયું છે, અને એ જોઈને મનમાં જે પ્રતિભાવ જાગ્યો છે, તે જ લખતી રહી છું. મારું જગત ચાર દીવાલો વચ્ચે સીમાબદ્ધ હોવા છતાં એમાં અણખૂટ વૈચિત્ર્ય હતું, તે હું જોતી આવી છું. કૌટુંબિક જીવનના પરસ્પરના સંબંધોમાં પણ ખેંચતાણ, કુટિલ ચાલબાજી તથા કેવી છેતરપિંડી હોય છે તે હંમેશાં આ સતત વહેતા જીવનમાં અનુભવતી આવી છું, અને મારી રચનાઓમાં એ કહેતી આવી છું.” આશાપૂર્ણાદેવીએ એમના લેખિકા જીવનનો આરંભ બાળ અને કિશોર સાહિત્યની રચનાથી કરેલો. એમાં વિશેષત : કાવ્યો તથા વાર્તાઓ હતાં. યુવાનો તથા તે પછીની પેઢીના વાચકો માટે લખેલી એમની પ્રથમ વાર્તા હતી ‘પત્ની ઓ પ્રેયસી’ (૧૯૩૭). એમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘જલ ઓ આગુન’ ૧૯૪૦માં પ્રગટ થયો, અને એમની પહેલી નવલકથા ‘પ્રેમ ઓ પ્રયોજન’ ૧૯૪૫માં પ્રગટ થઈ. આમ બીજા વિશ્વયુદ્ધના સમયથી એમની સર્જનપ્રવૃત્તિ વેગવંતી બની. ૧૯૯૫માં એમનું અવસાન થયું ત્યાં સુધીમાં એમની ૧૮૦ નવલકથાઓ, હજાર ઉપરાંત વાર્તાઓ તથા બાળસાહિત્યની સોળ પુસ્તિકાઓ પ્રગટ થઈ હતી. આશાપૂર્ણાદેવીને લગભગ બધા પુરસ્કારો નવલકથા માટે મળ્યા છે. એમની પ્રથમ નવલકથા ‘પ્રેમ ઓ પ્રયોજન’ ૧૯૪૫માં પ્રગટ થઈ. એ સમયે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. જાપાને કલકત્તા પર બોમ્બવર્ષા કરી હતી, તેને પરિણામે કલકત્તાવાસીઓના જીવનમાં જે આમૂલ પરિવર્તન આવ્યું તેનું ચિત્રણ એમની એ કૃતિમાં છે. એમને જેને માટે જ્ઞાનપીઠનો પુરસ્કાર પ્રાપ્ત થયો તે ‘પ્રથમ પ્રતિશ્રુતિ’ નવલકથાએ એમને અગ્રગણ્ય ભારતીય કથાકાર તરીકે સ્થાન અપાવ્યું. એના કથાનકમાં કેન્દ્રસ્થાને સત્યવતી છે. કથાસમય ઓગણીસમી સદીનો પૂર્વાર્ધ છે. સત્યવતી એના પિતા રામકલીની અત્યંત લાડકી પુત્રી હતી. એમ છતાં કુટુંબ રૂઢિચુસ્ત હોવાથી છોકરીઓને ભણાવવાની વિરુદ્ધ હતું. નાનપણથી એ એની આસપાસ સ્ત્રીઓને થતા અન્યાય જોઈને અકળાતી. પિતા જોડે એ વિશે ચર્ચા કરતી, ને એની વિરુદ્ધ ઝઝૂમવાની યોજના ઘડતી. છૂપી રીતે લખતાં-વાંચતાં પણ શીખી. એની પ્રવૃત્તિમાં પિતાનો એને ટેકો હતો. સત્યવતીનાં આઠમે વર્ષે લગ્ન થયાં. બારમે વર્ષે એને સાસરે વળાવવાની હતી. એના વિદ્રોહી વલણને કારણે પિતા એને સાસરે મોકલતાં અચકાતા હતા. સાસરિયાં સંસ્કારવિહીન, ક્રૂર અને પૂર્ણત : તામસી વૃત્તિનાં હતાં. સાસુ સત્યવતી પર કડપ રાખવા ગઈ, પણ સત્યવતીના પ્રબળ પ્રતિકારને કારણે એ ફાવી નહીં. સસરાના હલકી સ્ત્રી સાથેના અવૈધ સંબંધ માટે એણે સસરાને પણ ખખડાવ્યા. સાસરામાં બધાં એને અનેક રીતે કનડતાં, એનો બધો સમય સાસરિયાંને હંફાવવામાં જ જતો. સત્યવતીનું આખું જીવન સ્ત્રીઓ પર થતા અત્યાચારની વિરુદ્ધ લડાઈ કરવામાં જ વીતે છે. [‘આશાપૂર્ણાદેવી’ પુસ્તિકા : ૧૯૯૮]