સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચુનીભાઈ વૈદ્ય/દાદા ધર્માધિકારી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          દાદાનું પૂરું નામ શંકર ત્રયંબક ધર્માધિકારી. જન્મસ્થાન મધ્ય પ્રદેશના બેતુલ જિલ્લાનું મૂળતાપી ગામ. તાપીના મૂળનો પ્રદેશ, ઋષિમુનિઓની તપસ્યાની ભૂમિ. તેમાં ધર્માધિકારી કુટુંબમાં જન્મ. વ્યવસાયે ધર્માધિકારી એટલે ધર્મ, શાસ્ત્રા, પાંડિત્ય વગેરેના સંસ્કાર સહજ ગણી શકાય. દાદા વિદ્યાર્થી અવસ્થાથી જ સારા વક્તા તરીકે ખ્યાતનામ. કુટુંબ સંયુક્ત. એટલું મોટું કે શ્રોતાગણ અને પ્રશંસકોની ખાસી મોટી ફોજ એમાંથી જ મળી રહે. નાનપણમાં દાદાની વાક્પટુતાનું એક જુદું સ્વરૂપ પણ હતું. કોઈના પણ બોલવાની નકલ એવી આબેહૂબ ઉતારે કે સાંભળનાર હસતાં હસતાં બેવડ વળી જાય. અને એમ દાદાની આજુબાજુ મધપૂડો જામે. હાઈસ્કૂલના કાળ દરમિયાન દાદાનું વક્તૃત્વ પૂર બહારમાં આવી ગયું હતું. હાઈસ્કૂલકાળથી જ મધ્ય પ્રદેશની વિદ્યાર્થી આલમના એ લાડલા નેતા બની ચૂક્યા હતા. ગામમાં સારે-માઠે પ્રસંગે સભાઓનું આયોજન થાય. બહારથી વક્તા બોલાવવામાં આવે, એમનાં ભાષણ થાય. પણ ઉપસંહાર કરવા દાદા ઊઠે — અને અચૂક રીતે એ અગાઉ થયેલાં ભાષણ કરતાં ચઢિયાતું જ હોય. વ્યાપક વાચન, વિષય પરની સર્વગ્રાહી પકડ, પ્રભાવશાળી સુરેખ રજૂઆત — આ બધાં તત્ત્વો દાદાને નાનપણથી સહજ પ્રાપ્ત હતાં. જેવું વક્તૃત્વનું તેવું જ ભણવામાં. સૌને આશા હતી કે દાદા, તે વખતના આશાસ્પદ યુવકોની અભિપ્સિત આઈ.સી.એસ.ની પરીક્ષા આપશે. પિતાજી ન્યાયાધીશ, એટલે અપેક્ષા સાવ સ્વાભાવિક હતી. પરંતુ ૧૯૨૦માં બાપુના અસહકારના આંદોલનના આવાહનને માન આપી કૉલેજ છોડી દાદા ટિળક વિદ્યાલયમાં માસિક ત્રીસ રૂપિયાના પગારે શિક્ષક તરીકે જોડાયા. ધર્મપત્ની શ્રીમંત ખાનદાન ઘરાણાની એકની એક દીકરી. અને દાદાના ભર્યાભાદર્યા વિશાળ કુટુંબના ઉદાર અને મુક્ત મનના સંસ્કાર. સાથે સ્વેચ્છાએ વરણ કરેલી ગરીબી. વિચારો અને આદર્શોની દુનિયામાં જ વિહરતા દાદાને સંસાર કેમ ચાલે છે એનો અણસારેય શાનો હોય? શાકભાજી લાવવા માટે આપેલા પૈસા પુસ્તક-ખરીદીમાં કે કોઈ જરૂરિયાતવાળા મિત્રાની મદદમાં ખરચીને ન આવે તેની ખાતરી નહીં. સાવ મોકળા દરવાજાનું દિલ. વર્ધા રહેતા ત્યારે શ્રી જમનાલાલ બજાજના પછી બીજે નંબરે મહેમાનોની ભીડ દાદાને ઘેર. દાદાએ સ્વૈચ્છિક ગરીબી વરણ કરવા સાથે સ્વૈચ્છિક અજ્ઞાતતા પણ સ્વીકારવા પૂરો પ્રયત્ન કર્યો. વિશાળ વાચનમાંથી આવતું વ્યાપક જ્ઞાન, વિષયની ઊંડી સમજ, મૌલિક ચિંતન અને વિદ્વત્તાના સુવર્ણમાં વક્તૃત્વની સુગંધ, એની બહાર જ દાદાની મહત્તાની ચાડી ખાય. સ્વાતંત્રય પૂર્વેનો કાળ એટલે એનાં આંદોલનો અને એમાંથી સહજ પ્રાપ્ત થતો રાજનીતિધર્મ, જેલવાસ અને આખા દેશના નેતાઓ સાથેનો પરિચય. રાજકારણની ઊંડી સૂઝ અને લોકપ્રિયતાએ રાજનીતિના ક્ષેત્રો અનેક ફરમાઈશો આણી. સરદારના મનમાં દાદા માટે મધ્ય પ્રદેશનું મુખ્ય મંત્રીપદું ખરું. પણ દાદા તો વિધાનસભામાં જ જવા તૈયાર નહીં. બાપુ-વિનોબાના દબાણને વશ વિધાનસભામાં ગયા ત્યારે પણ શરત કરીને કે કોઈ પણ હોદ્દા નહીં સ્વીકારે. બંધારણ સભામાં ત્યારે જ જવાનું સ્વીકાર્યું જ્યારે બાપુએ થોડાક ગુસ્સા સાથે “તો પછી તારી આ બુદ્ધિનો ઉપયોગ શું?” — કહી ઠપકો આપ્યો. વિનોબાના ભૂદાનયજ્ઞે આવીને દાદાને રાજદરબારમાંથી મુક્તિ અપાવી એમ કહી શકાય. વિનોબા સાથે જૂનો પરિચય હતો જ. સર્વોદયની માસિક પત્રકા કાઢવાની વાત થઈ ત્યારે એનું સંપાદકત્વ વિનોબાએ એક શરતથી સ્વીકાર્યું : દાદા એના સહસંપાદક બને. દાદાએ એ કામ સર્વોત્તમ રીતે બજાવ્યું હતું. વિનોબા તેલંગણાથી ભૂદાનયજ્ઞની માનવીય ક્રાંતિની જ્યોતિ લઈને મધ્ય પ્રદેશ તરફ આવી રહ્યા હતા, ત્યારે દાદા પેણગંગાને તટે જઈને વિનોબાને જીવનમાં પહેલી વાર પગે પડ્યા, “આપ દધીચિ બની ગયા છો, ઋષિપદ પામ્યા છો.” ત્યારથી માંડીને આજ સુધી દાદા ભૂદાન ગ્રામદાન સર્વોદય વિચારના જ્યોતિર્ધર બની દેશભરમાં ઘૂમતા રહ્યા છે. સર્વોદય વિચારના પ્રકાશનમાં દાદાના ફાળાનો ઉલ્લેખ કરતાં વિનોબાને ગદ્ગદ થઈ જતાં સાથીઓએ જોયા છે. વિચારની રજૂઆત દાદાની પોતાની લાક્ષણિક છે. ગાંધીવિચારના બે મહાન પ્રવક્તા આ યુગે જોયા. એક વિનોબા અને બીજા દાદા. વિનોબાની આમજનતાને સમજાય તેવી ભાષા. એની એક જબરદસ્ત અપીલ લોકચિત્ત પર થાય. દાદાની ઢબ તર્કપ્રધાન અને વૈજ્ઞાનિક. બુદ્ધિવાદીઓને સ્વીકાર્ય એવી શૈલીમાં નિરુત્તર કરી મૂકે એવા અકાટય તર્ક સાથે વાતની રજૂઆત ક્યારેક મંત્રામુગ્ધ કરે. ભૂદાનયજ્ઞ નિમિત્તે દેશભરમાં ફરીને દાદાએ ગાંધી-વિચાર પર વ્યાખ્યાનો આપ્યાં. ગાંધીવિચારના આવા પ્રખર પ્રવક્તા બીજા જોયાજાણ્યા નથી. સળંગસૂત્રા વિષયબદ્ધ એમનાં ભાષણો સીધાં છાપવા આપી શકાય એટલાં ચોક્કસ અને સચોટ. પણ ક્યાંય સુધી દાદા પોતાની વાતોને પ્રકાશિત થતી રોકતા. એ આગ્રહ પણ છેવટે એમણે છોડયો. એમનું સૌથી વ્યવસ્થિત પુસ્તક થયું હોય તો ગુજરાતીમાં ‘વિચાર— ક્રાંતિ’ અને હિન્દીમાં ‘સર્વોદય દર્શન’. [‘ભૂમિપુત્ર’ દશવારિક : ૧૯૭૮]