સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચુનીલાલ વ. શાહ/પાછલે બારણેથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          કેળવણી વધતી જાય છે, વાચકવર્ગ વધતો જાય છે, અને શહેરીઓ ઉપરાંત દૂર દૂરનાં ગામડાંની વસ્તીને પણ જીવન અંગેની જાણકારી વધારવાની જરૂરિયાત જણાવા લાગી છે. આ કારણે ગામડાંમાં પણ વર્તમાનપત્રો વંચાવા લાગ્યાં છે. વાચકોના અનેક વર્ગો હોય છે; તેમના રસ-શોખના વિષયો અનેક હોય છે. વાચકોનો વિશાળ સમુદાય પોતા તરફ આકર્ષાય તે માટે આપણાં દૈનિક વર્તમાનપત્રો વિશેષ કાળજી રાખે છે. અર્થશાસ્ત્રા, રાજકારણ, વેપાર-ઉદ્યોગ, ખેતી-બાગાયત, સંસાર-સમાજ, સાહિત્ય, બાળસાહિત્ય, સ્ત્રીસાહિત્ય, રંગભૂમિ-ચિત્રપટ, ધર્મ, ઇત્યાદિ અનેક વિષયોનાં નાનાંમોટાં સામયિકો ગુજરાતીમાં છે. લગભગ એવાં બધાં સામયિકોના જેવી થોડી થોડી વાનગી પત્રામાં લેવાની એક રીતિ દૈનિકો અજમાવી રહ્યાં છે. ઇનામી શબ્દવ્યૂહોનો પ્રચાર ઘટી ગયો છે, પણ એક વાર કેટલાંક દૈનિકોનું એ એક આકર્ષણનું અંગ બની ગયું હતું. આજે પણ કેટલાંક પત્રો માટે રાશિવાર ભવિષ્ય એ આકર્ષક અંગ હોય છે. ધ્યેયલક્ષી મનાતા પત્રાકારોને આ સંબંધે પ્રશ્ન પૂછીએ છીએ, ત્યારે તેઓ કાંઈક સંકોચાઈને જવાબ આપે છે, શું કરીએ? વાચકો માગે છે! એ જ રીતે ગુનાખોરીને પોષે એવી વાર્તાઓ, અદાલતોમાં ચાલતા મુકદ્દમાના અહેવાલો, સંસારસમાજના ગંદા ઝઘડાઓ, જાતીય મનોવૃત્તિને ઉશ્કેરનારી પ્રસંગકથાઓ, અને એ બધાં તત્ત્વને મોટાં મથાળાંથી તથા આકર્ષક શૈલીએ ગોઠવવાની કલાચાતુરી — એવું બધું વાચકોની અપરુચિને પોષવાની વર્ગણામાં આવે. સમાચારોને ભોગે જુદા જુદા વિષયોના લેખો પાછળ જગ્યા રોકવામાં આવે છે ત્યારે સમાચારરૂપ મહત્ત્વનું અંગ પાંખું પડી જાય એ સ્વાભાવિક છે. ઘણાંખરાં દૈનિકોનું આ અંગ ઊણું અને ખામીભર્યું લાગે છે. સમાચાર-વિભાગની ઊણપ ઉપરાંતની એક ખામી તેના લેખનની છે. અંગ્રેજીમાં આવેલા અહેવાલોના અનુવાદો ત્રૂટક અને ભૂલોવાળા હોય છે. પૂરી અને સાચી ખબર વાંચવા માટે સમજુ વાચકો ગુજરાતી દૈનિકો ઉપર આધાર રાખતાં ડરે છે અને તેટલા પૂરતાં અંગ્રેજી દૈનિકો વાંચવા પ્રેરાય છે. અંગ્રેજી પત્રોનો સમાચાર— વિભાગ વધુ સમૃદ્ધ હોય છે. પહેલાંનાં પારસી માલિકીનાં દૈનિકોની ભાષા કરતાં આજની અખબારી ભાષા સુધરી છે, છાપભૂલો ઘટી છે એ ખરું છે. પણ મુંબઈ, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટનાં ગુજરાતી દૈનિકોનો પ્રચાર જોતાં તેમના સંપાદનની અને વાચનશુદ્ધિની ખામીઓ નીચું જોવડાવનારી લેખાય. પત્રોના પોતાના ખબરપત્રીઓ અને વૃત્તાંતનિવેદકોના સમાચારો ને વૃત્તાંતો પણ સારી પેઠે ખામીભર્યા હોય છે. કોઈ વાર તેમાં અધૂરી માહિતી, ઉપલકિયાપણું, અપરસ અને અંગત રાગદ્વેષ પણ દેખાતાં હોય છે. કોઈ મોટી જાહેરખબરો આપનાર વેપારીની એંશી વર્ષની જ્યારે માતા મૃત્યુ પામી હોય, ત્યારે પત્રામાં કાળી કિનારી વચ્ચે ‘શોકજનક અવસાન’ની ખબર છપાય અને નિર્માલ્ય જીવનરેખાને પ્રસિદ્ધિ અપાય, તે કેવા પ્રકારનું સમાચાર-સંપાદન સમજવું? ન્યાતના શેઠના પુત્રના લગ્નોત્સવમાં હાજરી આપનારા લખપતિઓ અને અમલદારોની નામાવલિ, કોઈ ધર્મગુરુ કે પંડિતના આગમન-વિદાયની વિશેષણોથી ભરેલી પારાયણ, એવું બધું વર્તમાનપત્રામાં ખડકવું એ સમાચાર-પસંદગી કરી લેખાય? વાચકોના એક ટકાને પણ જે વાંચવામાં રસ નથી હોતો, જરૂર પણ નથી હોતી, એવા સમાચારો અને અહેવાલો વાચકોને માથે મારવા તેના જેવો પત્રાની જગ્યાનો બીજો કોઈ દુરુપયોગ નથી. અમદાવાદમાં મળેલી પહેલી પત્રાકાર પરિષદના પ્રમુખ મહેરજીભાઈ માદને પોતાના ભાષણમાં પત્રાકારોને એક ચેતવણી આપેલી : “તમારા પત્રામાં પાછલે બારણેથી સમાચારો અને લખાણો ઘૂસી ન જાય તે માટે સાવચેત રહેજો!” આ ચેતવણી અપાયાને અનેક દાયકા થવા આવ્યા, છતાં હરકોઈ માથાભારે વ્યક્તિ આવું ઘાલ-ઘૂસણ કરતી હોવાના બનાવો બન્યા જ કરતા હોય છે. આ ખામી દૂર થાય તો ઓછાં પાનાંની મર્યાદામાં રહીને પણ વર્તમાનપત્રો સમાચારનું પ્રમાણ ઠીક ઠીક રીતે જાળવી શકે. દેશનાં વર્તમાનપત્રોના સંચાલનમાં આજે તેના વાચકોનો કશો અવાજ નથી. રેલવેના ઉતારુઓની સંસ્થા છે, તેવી વર્તમાનપત્રોના વાચકોની કાયમી સંસ્થા કેમ ન હોય? વખતોવખત વાચકોની પરિષદ પણ મળતી હોય તો સંચાલકોને સજાગ રાખવા જેટલી સિદ્ધિ તો જરૂર મેળવી શકે.