સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જનક દવે/પ્રસન્ન પ્રતિભા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          પોતાની વિદ્વત્તાનો બોજ બીજાઓને ઊચકવો પડે, એવું ભારેખમ વ્યકિતત્વ ઘણા વિદ્વાનો ધરાવતા હોય છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતીના વિદ્વાન શ્રી હરિવલ્લભ ભાયાણીની વિદ્વત્તાનો બોજ તેમનું સ્મિત વહન કરે છે. પ્રસન્ન વ્યકિતત્વ ધરાવતા એ પ્રતિભાશાળી સંશોધકના વ્યકિતત્વનાં બે પાસાં છે: એ પ્રખર વિદ્વાન છે, તો એવા જ વિનમ્ર અને વિનોદી પણ છે. એ શુષ્ક સંશોધનકાર છે, તો પાછા એવા રસિકવર છે કે સંસ્કૃત કે પ્રાકૃત મુક્તકોનું સૌંદર્ય સમજાવે છે. શબ્દોનાં મૂળ, થડ અને તેની શાખા-પ્રશાખા એ વૈજ્ઞાનિક ઢબે સમજાવે છે, તો શબ્દોની કથાની રસલહાણ પણ આપે છે. અભ્યાસના વિષયને એ ક્યારેય હળવો નથી બનવા દેતા, પણ એમની નિરૂપણ-રીતિ તો હળવી જ હોય છે. શ્રી ભાયાણીનો ગૌર દેહ, સુકલકડી બાંધો, ભૂરી આંખો, વાર્ધક્ય પહેલાં જ પ્રાપ્ત થયેલા સફેદ વાળ અને હૃદયની સ્વચ્છ છબી જેવું મોઢા પર મલકતું હાસ્ય વારંવાર જોવાં ગમે તેવાં છે. મારે એ સંશોધન કરવું છે કે શ્રી ભાયાણી ક્યારે ગુસ્સે થયા હતા! [‘સમર્પણ’ પખવાડિક: ૧૯૬૪]