સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયંતિ દલાલ/તાજમહાલ ન વેચતા!

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          બ્રિટિશરો હતા ત્યારે એક સુખ હતું કે આપણે આપણાં બધાં દુઃખોનું કારણ એમને માથે ઢોળી દઈ શકતા હતા. એ પ્રવૃત્તિ હજી આજેય નિર્મૂળ થઈ નથી. જે કાંઈ હોય તેને માટે હું નહીં પણ બીજાઓ જવાબદાર છે, એવી વૃત્તિ એક પ્રજા તરીકે જાણે આપણામાં ઘર કરી ગઈ છે. આજે ચારે કોર ‘ટેન્શન’ અનુભવાય છે, માનસિક તાણ અનુભવાય છે. પ્રજા ને સરકાર વચ્ચે ટેન્શન છે, વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે ટેન્શન છે, પક્ષો-પક્ષો વચ્ચે ટેન્શન છે. કોઈના ઉપર કશા આરોપણ વિનાની, અમારી આ અપેક્ષા હતી પણ તે પૂરી થઈ નથી એવી ફરિયાદ વિનાની, એક પણ લીટી તમને છાપામાં નહીં જડે. પોતે કશું કરવાની વાત નહીં — માત્રા અપેક્ષાઓ રાખવાની! અને પછી અપેક્ષા ને પરિસ્થિતિ વચ્ચે અંતર રહે છે તે આ બધી અશાંતિના મૂળમાં છે. અંગ્રેજો આ દેશમાંથી ગયા ત્યારે કંગાલિયત, રોગ, અજ્ઞાન વગેરે વારસામાં મળેલું. પણ સાથે એક બીજી વસ્તુ વારસામાં મળી — પારકો આપણા માટે કાંઈક કરે એવી આશરાવૃત્તિ પણ આપણને વારસામાં મળી. બીજી બાજુ રાજકર્તાઓએ “અમે જ તમારું બધું કરી દેવાના,” એમ કહીકહીને પ્રજાને પામર બનાવી મૂકી. આજે પ્રજા બેજવાબદાર લોકોના હાથમાં સોંપાઈ ગઈ છે. તેને લીધે પ્રજાને નામે ભાતભાતની વિચિત્રા માગણીઓ પણ ઘણી વાર ઊભી કરાય છે. કોઈને કોઈ બીજા સામે લડાવી મારવો, કોઈને શહીદ બનાવીને વધેરી દેવો, તેમાં કહેવાતા નેતાઓને કાંઈ ખોટું લાગતું નથી. એક શાણી પ્રજાને દાયકાઓ સુધી ગાંડી બનાવવાના ઉદ્યમનું આ પરિણામ છે. હમણાં હું એક નાટક લખી રહ્યો છું. નામ છે : ‘તાજમહાલ ન વેચતા!’ તાજમહાલ તો હતો ત્યાંનો ત્યાં જ છે. પણ કોઈએ અફવા ઉડાડી છે કે તાજમહાલ વેચી દેવાનો છે, અને પછી તો જોઈ લો તેની વિરુદ્ધના મોરચાઓ ને ધરણાઓ! એક માણસ તો વડા પ્રધાનના મકાન આગળ કેરોસીન છાંટીને બળી મરે છે. તેનો છેલ્લો સંદેશો એ છે કે, “તાજમહાલ ન વેચતા!” આ વાત આપણને વાહિયાત લાગે, પણ આનાથી યે વધુ વાહિયાત બાબતો માટે લોકોએ જાન આપ્યા છે.