સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયંતીલાલ માલધારી/“પંડિતજીને જરા કે’જોને!”

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          હું અંબર પાછળ મંડાણો’તો. બેલણીમાં પટ્ટા તૈયાર કર્યે જતો હતો ને છોકરાંવ ફીંડલાં વાળતાં હતાં, ત્યાં તેડું આવ્યું : “ચાલો, સાહેબ બોલાવે છે.” પંચાયતના પટાવાળાને મેં કહ્યું : “આવું છું હોં, આ જરાક સરખું કરી લઉં, નહીંતર બધું રૂ ઊડી જશે.” “ભલે, પણ સાહેબે કીધું છે કે તરત બોલાવી લાવજે.” પટાવાળો ગયો. મેં ઉતાવળ કરીને છોકરાંવ સાથે ફીંડલાં વાળવા માંડયાં. પંદરેક મિનિટ પછી ગયો. ગામ નાનકડું છે. હજારેક માણસની વસ્તી છે, પચરંગી પ્રજા છે. આ દેશના કોક ગરજાઉ લોકોએ સ્વરાજ લીધું છે અને હવે આપણને સુધારવા માટે ‘સબસીડિયું’ આપે છે, એવો વ્યાપક ખ્યાલ અવ્યક્ત રીતે મનમાં ભરાઈ બેઠો છે. પ્રજાને સ્વરાજ સાથે કાંઈ લેવાદેવા નથી. મહેનત કરનાર વર્ગ વધુ ખાતર-પોતર પાછળ મંડયો છે. વધુ મગફળી થાય તો બે પૈસા મળે, ને બીડિયું ફૂંકી ફૂંકીને થાકેલાને હવે સિગારેટ મળતી થાય... “એ ભાઈ, આમ — પાદરમાં સા’બ બોલાવે છે,” એક ભાઈબંધે મને સાદ કર્યો. ગામના પાદરમાં ગોંદરું છે. ત્યાં ગામનું ધણ ભેળું થાય છે. સા’બ ત્યાં ઊભા હતા ને ગાયો સામે હાથ લાંબા કરીકરીને લોકોને કાંઈક સમજાવતા હતા. આગેવાન ગણાતા બે-ત્રાણ ભાઈઓને સા’બ મૂંઝવી રહ્યા હતા. મને જોઈને એમને રાહતની લાગણી થઈ. એ બોલ્યા : “લ્યો સા’બ, આ માલધારી આવી ગયા, એને સમજાવો તમે.” બે હાથ જોડીને હું બોલ્યો, “નમસ્કાર, સાહેબ. બોલો, શો હુકમ છે?” “તમારું નામ મિસ્ટર માલધારી?” સાહેબે પૂછ્યું. “હાજી.” “હં, તો મારે તમને બે વાત કહેવી છે.” સાહેબે ટોપો હાથમાં પકડેલો. એના કાળા ભમ્મર વાળને હું જોઈ રહ્યો. “કહો સાહેબ,” મેં કહ્યું. “તમે માલધારી છો, એટલે તમે બરાબર સમજશો કે સ્વરાજ્યમાં આપણે અનેકવિધ પ્રવૃત્તિ કરવાની છે. તેમાં આ ઢોરની નસ્લ-સુધાર બહુ મહત્ત્વની છે. તમારે ગામ...” સાહેબ હજી પૂરું બોલી રહે ત્યાં, છાણ લેવા ભેગી થયેલી દીકરીઓમાં ઝઘડો થયો અને એક છોકરીએ બીજીને ગાળ દઈને સૂંડલાનો ઘા કર્યો. ઘા સીધો પડયો એક વોડકી ઉપર, અને એ ભડકીને દોડી ને ત્રાણચાર ગાયુંને ભડકાવી. “સાહેબ, આ બાજુ ઊભા રહીએ; ઢોર ક્યાંક ઢીંકે ચડાવશે,” એક પટેલે સલાહ દીધી. અમે બધા એક બાજુ ખસીને ઊભા. સાહેબે મને સમજાવવા માંડયો : “ઢોરની ઓલાદ સુધારવી જોઈએ. આ જવાબદારી તમારી છે. આ જુઓને તમારું ધણ! એમાં કોઈ જાતવાન ગાય ભાળો છો? દિવસે દિવસે ઢોર બાંગરિયાં થતાં જાય છે. ખૂંટનાં ક્યાંય ઠેકાણાં નથી. આ બધી ભામ કહેવાય, સમજ્યા મિસ્ટર માલધારી? પરદેશમાં જ્યાં માંસાહારી લોકો છે ત્યાં જુઓ તો ગાય કામધેનુ જેવી છે — ટંકે અરધો મણ દૂધનાં કેન છલોછલ ભરી દે છે. હવે તો આપણું રાજ્ય છે. આપણો દેશ ખેતીપ્રધાન છે, ગાય આપણી અર્થરચનાની ધરી છે. એની નસ્લ સુધારવી જોઈએ.” “પણ સાહેબ...” “ના, કાંઈ દલીલ ન કરશો. આટલું તો આપણે સમજવું જ પડશે. આમાં પણબણ કાંઈ નહીં ચાલે. દેશની યોજનામાં તમારે સક્રિય સહકાર આપવો પડશે.” સાહેબ એનો ઉપદેશ પૂરો કરે ત્યાં ગોંદરામાં કુરુક્ષેત્રાનું મંડાણ થવા માંડયું. છાણના ઝઘડામાંથી છોકરાઓએ ગાળાગાળી અને પાણાવાળી શરૂ કરી. ચારપાંચ જણ વચમાં પડ્યા ને માંડ માંડ ઝઘડો પતાવ્યો. સાહેબે આગળ ચલાવ્યું : “કેટકેટલી મહેનત પછી આપણને સ્વરાજ્ય મળ્યું છે, એની તમને ક્યાંથી ખબર હોય? દેશનો સર્વાંગીણ વિકાસ કરવા આપણે ગાયની નસ્લ સુધારવી પડશે.” “હેં સાહેબ,” મેં પૂછ્યું, “આ બધી યોજનાઓ કોણ કરે છે?” “આપણા પ્રાઈમ મિનિસ્ટર પંડિત જવાહરલાલજીની દોરવણી નીચે યોજના પંચ આ બધું કરે છે.” “તે સાહેબ, પંડિત જવાહરલાલજી સાથે તમારે કાંઈ ઓળખાણ ખરી?” “કેમ, તમારે કાંઈ કામ હતું?” “સાહેબ, તમે જવાહરલાલજીને કાને એક વાત નાખો, તો ભારે કામ થઈ જાય!” “શી વાત?” “કે આ બધી ગાયું ને ભેંસુને પાળનારાં અંતે તો માણસ છે.” “એમાં શું કહેવાનું હતું? એ તો સૌ સમજે એવી વાત છે!” સાહેબ બોલ્યા. “ઈ માણસ જેવા માણસની નસ્લ દિવસે દિવસે નીચે ઊતરતી જાય છે, એની કેમ કોઈ ચિંતા કરતું નથી?” “તમે શું કહેવા માગો છો?” “હું એમ કહું છું કે આ સ્વતંત્રા દેશમાં જે માણસો વસે છે એની નસ્લ દિવસે દિવસે ઊતરતી જાય છે — શરીરમાં, બુદ્ધિમાં, હિંમતમાં બધે સડેડાટ નીચે ઊતરી રહી છે, એનું કાંઈ ન થાય?” “શું થાય?” “આ ગામડાંનાં છોકરાંઓનું કોઈ ધણી નથી. માબાપ પડી ગયાં છે ખેતરમાં ખાતર ભરવામાં, વેપારી વર્ગ મજૂરોની ફાટય વધી છે તેને દબાવવામાં, નોકરિયાત વર્ગ પગારનો વધારો ને કામના કલાક ઓછા કરાવવામાં ને માસ્તરો બદલીઓ કરાવવામાં — એમ સહુ એવા ગૂંચવાઈ ગયા છે કે છોકરાંવ સાવ ધણીધોરી વિનાનાં થઈ ગયાં છે.” સાહેબ મારા અરધા ધોળા માથા સામું જોઈ રહ્યા. “સાહેબ, જો જવાહરલાલજી તમારું માને તો આ કામ કરવા જેવું છે, હોં! આ બધાં ઢોરઢાંખર, ખેતર-પાદર, વેપાર-વણજ ને ધર્મ-સંસ્કૃતિને સાચવનારો અંતે તો માણસ છે. એની નસ્લ તરફ જો કોઈ મોરો ફેરવે ને સરખો વિચાર કરે તો, સાહેબ, તમારો ભાર સાવ હળવો થઈ જાય.” “કેમ, તમે બધું કઈ રીતે વિચારો છો?” “હું તો અભણ માણસ છું, સા’બ. આ તો તમે મને નસ્લ વિશે બહુ સમજાવ્યું એટલે મને આ સૂઝયું. આ દેશનું નવનિર્માણ કરવું હશે તો પહેલાં આ બિચારાં નાનાં છોકરાંના સંસ્કારનું કાંઈક કરવું પડશેને?” અમારું આ ચાલતું હતું ત્યાં બસ આવી, ને બીજી બાજુ ગોવાળે વાંભ કરીને ધણને હાંક્યું. “અચ્છા, આપણે ફરી મળશું.” સાહેબ હાથ લંબાવી બોલ્યા. “ભલે સાહેબ — પણ પંડિતજી તમે જરા કે’જોને!” [‘ગ્રામનિર્માણ’ માસિક : ૧૯૬૨]