સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયંતીલાલ સો. દવે/ખોરડાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ખોરડાં મટી ગ્યાં, અમે ખંડેર કે’વાણાં!
કિયે મોઢે દઈં આવકારા રે?
ઓશિયાળી થૈ ગૈ ઓસરી હો....જી!
ઇંઢોણી મોતીડે ભરિયલ, ઊજળી ઈ હેલ્યું,
અમરત-કુંભ ક્યાં ઢોળાણો રે?
પાણિયારે હવે પાણકા હો....જી!...
ચેતનવંતા ચૂલાના ક્યાં ગયા દેવતા?
સીંકે ઢાંકેલાં ઈ ગોરસ રે!
તલખે છે કે’ને તાવડી હો....જી?
આંગણે એકલ ખટ્ટકે ગાવડીનો ખીલડો,
વાછરું વેળા થ્યે નવ છૂટે રે,
થડકારો વેઠે થાંભલી હો...જી!
ઓરડાને હૈડેથી ચીજું ક્યાં ચોરાણી?
ઢોલિયો, ધડકી, પટારા રે,
ગાયબ થૈ ગ્યા ગોખલા હો...જી!
જઈ આતમરામ પૂછે તુલસીને ક્યારે :
લગન લખી કાનને તેડયા રે,
જાનું ઈ ક્યારે આવશે હો...જી?...