સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પાઠક/ઉનાળો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

વગડાને ડાળ ડાળ ઉઝરડાય ઉનાળો,
સૂકી તલાવડી તલે તરડાય ઉનાળો.
લખલખતી જીભમાંથી ઝરી જાય ઉનાળો,
ભીની ફળીની ધૂળમાં ખરડાય ઉનાળો.
સૂરજના ચક્કરે ચઢી કંતાય ઉનાળો,
રાત્રિની શીળી સોડમાં સંતાય ઉનાળો.
મૃગજળ ભણી વળી વળીને જાય ઉનાળો,
વણઝારમાં ઊંટોની વહ્યો જાય ઉનાળો.
આકાશના મેદાનથી અકળાય ઉનાળો,
ધરતીનાં ભોંણમાં ભરાઈ જાય ઉનાળો.
દિનનો ઊભો ચઢાવ ચઢી જાય ઉનાળો,
સાંજુકા ઢાળમાં જતો પછડાય ઉનાળો.
[‘બુદ્ધિપ્રકાશ’ માસિક : ૧૯૭૩]