સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પાઠક/કવિ ઓછો, કસબી વધારે
Jump to navigation
Jump to search
ભાવને, અનુભવને અશેષ વર્ણવવાને બદલે કૃતિમાં એના અસ્તિત્વનાં ઇંગિતો આપીને છૂટી જવું એ કલાનું કાર્ય, એવી કંઈક મારી સમજ છે. જરા જાડી ભાષામાં કહેવું હોય તો કહેવાય કે હું કવિ ઓછો ને કલાકાર, કસબી વધારે છું કદાચ. ‘વનાંચલ’ લખવું હતું ત્યારે, મારા આવા વલણને લીધે હું વિશિષ્ટ ગદ્યની શોધમાં હતો. મારે સંસ્મરણો, જન્મભૂમિમાં ગાળેલા શૈશવનાં, આખી જનમભોમને જીવતી કરે એવાં સંસ્મરણો આલેખવાં હતાં. આને માટે મને મારા શૈશવની જન્મભૂમિની આખી સૃષ્ટિને મૂર્ત કરી આપે, સાક્ષાત્ કરી આપે એવા ગદ્યની આવશ્યકતા હતી. હું મારા પ્રદેશની બોલીની ઠીક ઠીક નજીકની ભાષા તો પ્રયોજી શકું, પણ એટલું પૂરતું ન ગણાય. એટલે મેં એ પ્રદેશમાં વસતા આદિવાસીઓની ઓછું બોલવાની ટેવને મારું ગદ્યલક્ષણ કર્યું.