સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પાઠક/પાકેલા પાનની પીળાશ
આપણી કવિતા ક્યાંક આવીને ઊભી રહી ગઈ છે ને પોતાને ઘૂંટી રહી લાગે છે. સ્વાતંત્ર્ય પછીના તરતના ગાળાના આપણા કવિઓ જાણે પોતાનું જે કંઈ સત્ત્વશીલ તે આપી ચૂક્યા હોય એમ જણાય છે, ને હવે એ જ પ્રકારમાં અગાઉનાં કાવ્યોથી ગુણમાં ઊણાં એવાં કાવ્યો રચી રહ્યા છે. કંકુના થાપા, બારસાખનાં તોરણ, સિન્દૂરિયા પાળિયા, કમખાના મોર, એવાં એવાં એક કાળે નવાં નવાં લાગતાં કલ્પનો—પ્રતીકોની પડેલી ઘરેડમાં ગીતો ચાલી રહ્યાં છે. આજે અનેક કલમોએ જે કંઈ નવું હતું તેને રૂઢ કરી નાખ્યું છે, એની કૂંપળની તાજગી હવે પાકેલા પાનની પીળાશમાં પલટાતી જતી જણાય છે. [ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનનું પ્રમુખપ્રવચન : ૧૯૮૯]